Business News/ વૈશ્વિક મંદીના સંકટ વચ્ચે ભારતે દુનિયાને ચોંકાવી, ચોથા ક્વાર્ટરમાં GDP ગ્રોથ રેટ ધારણા બહાર 7.8% નોંધાયો

નાણાકીય વર્ષ 2025-26ના ચોથા ક્વાર્ટરમાં ભારતનો GDP ગ્રોથ રેટ ધારણા કરતાં વધુ 7.8% નોંધાયો છે, જ્યારે સમગ્ર વર્ષનો રિયલ જીડીપી ગ્રોથ 7.7% રહ્યો છે. વૈશ્વિક મંદી વચ્ચે ભારતના આ આર્થિક રિપોર્ટ કાર્ડ વિશે વાંચો.

Top Stories Business
ભારતનો GDP ગ્રોથ 7.8% નોંધાયો

India Q4 GDP Growth 2026: જ્યારે આખી દુનિયા રશિયા-યુક્રેન કે મિડલ ઈસ્ટના તણાવ, કાચા તેલના ભડકે બળતા ભાવ અને આર્થિક મંદીના ડરથી ધ્રૂજી રહી છે, ત્યારે ભારતીય અર્થતંત્રે તમામ આશંકાઓને ફગાવીને એક એવી મજબૂતી બતાવી છે, જેણે મોટા-મોટા આર્થિક નિષ્ણાતોને પણ વિચારતા કરી દીધા છે. વૈશ્વિક આર્થિક સંકટો વચ્ચે પણ ભારતે આ મોરચે અદભુત સફળતા મેળવી છે.

ચોથા ક્વાર્ટરમાં ધારણા કરતાં પણ વધુ ધમાકેદાર પ્રદર્શન

સરકાર દ્વારા શુક્રવારે જાહેર કરાયેલા સત્તાવાર આંકડા મુજબ, નાણાકીય વર્ષ 2025-26ના ચોથા ક્વાર્ટરમાં (જાન્યુઆરીથી માર્ચ 2026) ભારતનો જીડીપી ગ્રોથ રેટ 7.8% નોંધાયો છે.

દેશ-વિદેશના મોટાભાગના અર્થશાસ્ત્રીઓ અને રેટિંગ એજન્સીઓ આ ક્વાર્ટરમાં જીડીપી વિકાસ દર 7 થી 7.2 ટકા સુધી રહેવાની આશા વ્યક્ત કરી રહ્યા હતા. જોકે, ભારતના આ શાનદાર આંકડાએ તમામ આર્થિક નિષ્ણાતોના અનુમાનોને ખોટા સાબિત કરી દીધા છે.

વર્ષનું રિપોર્ટ કાર્ડ: ભારતનો રિયલ GDP ગ્રોથ રેટ 7.7 ટકા

સમગ્ર નાણાકીય વર્ષ 2025-26 (FY26) ની વાત કરીએ તો ભારતનું પરિણામ અદભુત રહ્યું છે. આખા વર્ષમાં ભારતનો રિયલ જીડીપી ગ્રોથ રેટ 7.7% રહ્યો છે. ગત નાણાકીય વર્ષ 2024-25 (FY25) માં આ ગ્રોથ રેટ 7.1% હતો, જે સ્પષ્ટ દર્શાવે છે કે વૈશ્વિક દબાણ છતાં ભારતની આર્થિક સ્પીડ ઘટી નથી પરંતુ સતત વધી રહી છે. આ આંકડા સાથે જ ભારતે દુનિયાના સૌથી ઝડપથી વિકસતા મોટા અર્થતંત્રોમાં પોતાનું મોખરાનું સ્થાન વધુ મજબૂત કરી લીધું છે.

ભારતીય અર્થતંત્રને ક્યાંથી મળી આટલી મોટી શક્તિ?

સરકારી મૂડી ખર્ચ: ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રોડ અને રેલવે જેવા મહત્વના ક્ષેત્રોમાં સરકાર દ્વારા મોટા પાયે કરવામાં આવી રહેલું રોકાણ મુખ્ય ચાલકબળ બન્યું છે.

વધતો સ્થાનિક વપરાશ: આંતરરાષ્ટ્રીય મંદી વચ્ચે પણ સ્થાનિક બજારમાં સામાન્ય લોકોની ખરીદી કરવાની ક્ષમતા અને ટ્રેન્ડમાં મોટો સુધારો જોવા મળ્યો છે.

મજબૂત સર્વિસ સેક્ટર: ગ્લોબલ પ્રેશર હોવા છતાં ભારતનું આઈટી (IT) અને સર્વિસ સેક્ટર આજે પણ બજારમાં અડીખમ ઊભું છે.

નાણાકીય વર્ષ 2027 માં આવી શકે છે સ્પીડ બ્રેકર!

એકતરફ જ્યાં અત્યારના આંકડા ઉત્સાહ વધારે તેવા છે, ત્યાં જ અર્થશાસ્ત્રીઓએ આવનારા નાણાકીય વર્ષ 2026-27 (FY27) માટે કેટલીક ચિંતાઓ પણ વ્યક્ત કરી છે. ગ્લોબલ માર્કેટની અનિશ્ચિતતા અને નબળી વૈશ્વિક માંગ આગામી સમયમાં ભારતની આ આર્થિક ગતિને થોડી ધીમી કરી શકે છે.

ભારત માટે સૌથી મોટો પડકાર એ છે કે દેશ પોતાની જરૂરિયાતનું 80% કરતા વધુ કાચું તેલ (ક્રૂડ ઓઈલ) વિદેશથી આયાત કરે છે. મિડલ ઈસ્ટમાં જો તણાવ વધુ વધે અને સપ્લાય ચેઈન ખોરવાય, તો બ્રેન્ટ ક્રૂડના ભાવ આસમાને પહોંચી શકે છે, જેનાથી ભારતની મોંઘવારી અને આર્થિક ગ્રોથ રેટ (GDP) પર નકારાત્મક અસર પડી શકે છે.


આ પણ વાંચો :ઈરાન યુદ્ધના લીધે ભારતમાં મોંઘવારી વધશે અને GDP ગ્રોથ ઘટશે, RBI એ જાહેર કર્યો નવો રિપોર્ટ

આ પણ વાંચો :RBI ગવર્નર સંજય મલ્હોત્રાએ રેપો રેટ 5.25% પર રાખ્યો યથાવત,GDP ગ્રોથનું અનુમાન ઘટાડ્યું

આ પણ વાંચો :રૂપિયો ઐતિહાસિક નીચી સપાટીએ! RBIએ $12 બિલિયનનું સોનું વેચ્યું હોવાના અહેવાલથી બજારમાં ખળભળાટ