Monsoon 2026 Entry Gujarat: સમગ્ર દેશમાં અસહ્ય અને ભીષણ ગરમીથી તોબા પોકારી ઉઠેલા નાગરિકો માટે આખરે ટાઢક આપતા અને રાહતના મોટા સમાચાર સામે આવ્યા છે. લાંબી રાહ જોવડાવ્યા બાદ ચોમાસાએ ભારતમાં સત્તાવાર રીતે દસ્તક આપી દીધી છે. જો કે, હવામાન વિભાગના આંકડા અનુસાર આ વર્ષે ચોમાસું તેના નિયત સમય કરતાં આશરે ત્રણ દિવસના વિલંબથી ભારત પહોંચ્યું છે. ગઈકાલે ગુરુવારે ચોમાસાએ કેરળમાં ધમાકેદાર એન્ટ્રી કરી લીધી છે અને તેના પગલે આજે કેરળ, કર્ણાટક તેમજ તમિલનાડુના અનેક ભાગોમાં વરસાદી માહોલ જામ્યો છે. આગામી દિવસોમાં આ ચોમાસુ દેશના અન્ય રાજ્યો તરફ ઝડપથી આગળ વધશે. બીજી તરફ, દિલ્હી-NCR સહિત ઉત્તર ભારતના વિસ્તારોમાં પણ વાવાઝોડા અને પ્રિ-મોન્સૂન વરસાદનો દોર અવિરત ચાલુ છે.
દક્ષિણ ભારતમાં ચોમાસું (Monsoon) બેસી ગયું
ભારતીય હવામાન વિભાગ (IMD) ની લેટેસ્ટ અપડેટ અનુસાર, 4 જૂનના રોજ ચોમાસું દક્ષિણ-પશ્ચિમ અને દક્ષિણ-પૂર્વ અરબી સમુદ્રના બાકીના ભાગોને આવરીને આગળ વધ્યું છે. આ ઉપરાંત પશ્ચિમ-મધ્ય અને પૂર્વ-મધ્ય અરબી સમુદ્રના કેટલાક વિસ્તારો, સમગ્ર લક્ષદ્વીપ ટાપુઓ, કેરળ, કર્ણાટક અને તમિલનાડુના વિવિધ ભાગોમાં ચોમાસું સક્રિય થયું છે. બંગાળની ખાડીમાં પણ દક્ષિણ-પૂર્વ, દક્ષિણ-પશ્ચિમ, પશ્ચિમ-મધ્ય, પૂર્વ-મધ્ય અને ઉત્તર-પૂર્વના ભાગો તરફ મેઘરાજાની સવારી ઝડપથી આગળ વધી રહી છે.

કયા રાજ્યમાં ક્યારે પહોંચશે ચોમાસું?
હવામાન વિભાગે દેશના જુદા-જુદા રાજ્યોમાં ચોમાસાના આગમનનો સંભવિત રોડમેપ જાહેર કર્યો છે:
મહારાષ્ટ્ર: 5 થી 10 જૂન સુધી
ગોવા અને તેલંગાણા: 7-8 જૂન સુધી
મધ્યપ્રદેશ: 15 થી 20 જૂન
પૂર્વી ઉત્તર પ્રદેશ અને બિહાર: 15 થી 20 જૂન સુધી
ગુજરાત: 20 જૂન સુધી (જૂનના છેલ્લા સપ્તાહમાં સત્તાવાર એન્ટ્રીની પ્રબળ સંભાવના)
મધ્ય ઉત્તર પ્રદેશ: 20 થી 25 જૂન
રાજસ્થાન: 25 થી 30 જૂન
દિલ્હી-NCR: 30 જૂનની આસપાસ
આ જિલ્લાઓમાં વરસાદની આગાહી
ચોમાસાની સત્તાવાર એન્ટ્રી પહેલા જ ગુજરાતમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે વરસાદી માહોલ જોવા મળશે. આવતીકાલે શનિવાર, 6 જૂનના રોજ ગુજરાતના ખાસ કરીને સૌરાષ્ટ્રના ૩ જિલ્લાઓ- ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગર માં વરસાદ પડી શકે છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ તેમજ કેન્દ્રશાસિત પ્રદેશ દમણ અને દાદરા નગર હવેલી માં છૂટાછવાયા સ્થળોએ વીજળીના કડાકા-ભડાકા અને તીવ્ર ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આકરી આગાહી કરવામાં આવી છે.
દેશના અન્ય રાજ્યો માટે મોટું એલર્ટ
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, કેરળ અને કર્ણાટકમાં આગામી 7 દિવસ દરમિયાન ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે. ઉત્તર-પૂર્વ ભારતમાં પણ આગામી 5-6 દિવસ ધોધમાર વરસાદ ચાલુ રહેશે. આગામી 2-3 દિવસ દરમિયાન ઉત્તર-પશ્ચિમ, મધ્ય અને પૂર્વ ભારતના ભાગોમાં 50 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સાથે ગંભીર વાવાઝોડું અને ગાજવીજ થવાની સંભાવના છે, જેના કારણે તંત્રને એલર્ટ રહેવા સૂચના અપાઈ છે.
આ પણ વાંચો: અંબાલાલ પટેલની આગાહી : 16 જૂને ગુજરાતમાં ચોમાસું
આ પણ વાંચો: ચોમાસાની એન્ટ્રી પહેલાં જ દેશભરમાં હવામાનનો એટેક, વાવાઝોડાથી અનેક રાજ્યો એલર્ટ પર
આ પણ વાંચો: દેશમાં ચોમાસું 7 દિવસ મોડું પડશે, શ્રીલંકાના તોફાની પવનોએ કેરળના તટ પાસે વરસાદ રોક્યો.
