Gujarat News/ અંબાલાલ પટેલની આગાહી : 16 જૂને ગુજરાતમાં ચોમાસું

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય બનતા ગુજરાતના અનેક વિસ્તારોમાં પ્રિ-મોન્સૂન (Monsoon)એક્ટિવિટી વધવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે

Top Stories Gujarat
જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં આગામી દિવસોમાં વરસાદ અને ચોમાસા (Monsoon)ને લઈને મહત્વપૂર્ણ આગાહીઓ કરી છે

Gujarat News : ગુજરાતમાં આકરા ઉનાળા બાદ હવે લોકો મેઘરાજાના આગમનની રાહ જોઈ રહ્યા છે. આ દરમિયાન હવામાન વિભાગ (IMD) અને જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે (Ambalal Patel)રાજ્યમાં આગામી દિવસોમાં વરસાદ અને ચોમાસા (Monsoon)ને લઈને મહત્વપૂર્ણ આગાહીઓ કરી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય બનતા ગુજરાતના અનેક વિસ્તારોમાં પ્રિ-મોન્સૂન (Pre Monsoon)એક્ટિવિટી વધવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

આગામી 7 દિવસ વરસાદી માહોલ

હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી એક સપ્તાહ દરમિયાન રાજ્યના અનેક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. કેટલાક વિસ્તારોમાં 40થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ શક્યતા છે. અમદાવાદ સહિત ઉત્તર, મધ્ય, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદી વાતાવરણ જોવા મળી શકે છે.

આજે આ જિલ્લાઓમાં વરસાદની શક્યતા

બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી, મહીસાગર, ખેડા, દાહોદ, પંચમહાલ, કચ્છ, અમદાવાદ, સુરેન્દ્રનગર, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, તાપી, સુરત, નવસારી, વલસાડ, ડાંગ, અમરેલી, ભાવનગર, બોટાદ, રાજકોટ, જૂનાગઢ અને ગીર સોમનાથમાં વરસાદી ઝાપટાં પડી શકે છે.

આવતીકાલે આ વિસ્તારો રહેશે એલર્ટ પર

અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, દાદરા અને નગર હવેલી, ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાં વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા છે.

અંબાલાલ પટેલે જાહેર કરી વરસાદની સંપૂર્ણ ટાઈમલાઈન

અંબાલાલ પટેલે જૂન અને જુલાઈ મહિનાને લઈને મહત્વપૂર્ણ સમયરેખા જાહેર કરી છે.

વરસાદી ટાઈમલાઈન

5 જૂન સુધી: રાજ્યમાં છૂટાછવાયા પ્રિ-મોન્સૂન (Pre Monsoon)વરસાદની શક્યતા.

7 થી 9 જૂન: દક્ષિણ ગુજરાતમાં મધ્યમ વરસાદ પડી શકે છે.

8 જૂનથી: દરિયાઈ પવનોની દિશામાં ફેરફાર અને પવનની ગતિમાં વધારો.

16 જૂનની આસપાસ: ગુજરાતમાં ચોમાસા (M0nsoon)ના સત્તાવાર આગમનની શક્યતા.

20 જૂનથી: હવામાનમાં મોટો અને અણધાર્યો ફેરફાર જોવા મળી શકે છે.

28 જૂન સુધી: રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં સાર્વત્રિક અને સારો વરસાદ થવાની સંભાવના.

7 જુલાઈ સુધી: જુલાઈના પ્રથમ સપ્તાહ સુધી વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ યથાવત રહી શકે છે.

કેરળમાં ચોમાસાની એન્ટ્રી પર નજર

હાલ ચોમાસું આગળ વધવા માટે અનુકૂળ પરિસ્થિતિ જોવા મળી રહી છે. અનુમાન મુજબ 4 જૂનની આસપાસ ચોમાસું (Monsoon)કેરળમાં પ્રવેશ કરી શકે છે. જોકે અરબી સમુદ્રમાં સક્રિય હવામાન પ્રણાલીના કારણે તેની ગતિ પર થોડી અસર જોવા મળી શકે છે.

અલનીનોની અસરથી વધી શકે અનિશ્ચિતતા

અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ આ વર્ષે અલનીનોની અસર વધુ મજબૂત બની શકે છે. જેના કારણે ક્યારેક ભારે વરસાદ તો ક્યારેક લાંબા સમય સુધી વરસાદમાં વિરામ જેવી સ્થિતિ સર્જાઈ શકે છે. તેમણે 1972ના વર્ષનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે તે વર્ષે પણ મજબૂત અલનીનોના કારણે દેશના અનેક વિસ્તારોમાં દુષ્કાળ જેવી સ્થિતિ ઉભી થઈ હતી.

ગુજરાતના ખેડૂતો, વેપારીઓ અને સામાન્ય નાગરિકો માટે આગામી કેટલાક અઠવાડિયા હવામાનની દૃષ્ટિએ મહત્વપૂર્ણ રહેવાના છે. હવે સૌની નજર મેઘરાજાના સત્તાવાર આગમન પર ટકેલી છે.


આ પણ વાંચો : રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ; IMDએ આગામી 7 દિવસ માટે કરી આગાહી

આ પણ વાંચો : ચોમાસાની એન્ટ્રી પહેલાં જ દેશભરમાં હવામાનનો ડબલ એટેક, વરસાદ-કરા અને વાવાઝોડાથી અનેક રાજ્યો એલર્ટ પર

આ પણ વાંચો : ગુજરાતમાં વરસાદી વાવાઝોડાંના કારણે ત્રણનાં મોત