Maharashtra News/ પુણેના કેતન અગ્રવાલ હત્યા કેસમાં નવો વળાંક: સિયાના માતા-પિતાનું ભાવુક નિવેદન

પુણેના કેતન અગ્રવાલ હત્યા કેસ (Ketan Agarwal murder case) માં સિયાના માતા-પિતાએ કહ્યું કે જો તેમની દીકરી દોષી સાબિત થાય તો તેને કાયદા મુજબ સૌથી કડક સજા મળવી જોઈએ.

Top Stories India
Ketan Agarwal murder case

Ketan Agarwal murder case: મહારાષ્ટ્રના પુણેમાં ચર્ચાસ્પદ બનેલા કેતન અગ્રવાલ હત્યા કેસમાં રોજ નવા ખુલાસા સામે આવી રહ્યા છે. આ કેસમાં કેતનની મંગેતર સિયા ગોયલ અને તેના કથિત પ્રેમી ચેતન બાબુલાલ ચૌધરીની ધરપકડ બાદ હવે સિયાના માતા-પિતાએ પણ પ્રથમ વખત મીડિયા સમક્ષ પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે જો તેમની દીકરી ગુનામાં દોષી સાબિત થાય તો તેને કાયદા મુજબ સૌથી કડક સજા મળવી જોઈએ.

‘બે પરિવારો બરબાદ થયા’ :  સિયાની માતાનો આક્રંદ

સિયાની માતા પૂજા ગોયલે જણાવ્યું કે તેમની દીકરીએ ક્યારેય કેતન સાથે લગ્ન કરવા અંગે કોઈ અસંતોષ વ્યક્ત કર્યો નહોતો. બંનેના લગ્ન આ વર્ષે નવેમ્બરમાં રાજસ્થાનના ઉદયપુરમાં યોજાવાના હતા. તેમણે ભાવુક અવાજમાં કહ્યું કે કેતનના મૃત્યુથી માત્ર એક નહીં પરંતુ બે પરિવારો તૂટી ગયા છે. જો સિયા દોષી હોય તો તેને કોઈ પણ પ્રકારની રાહત મળવી ન જોઈએ.

‘કેતન અમારો પણ દીકરો હતો’ : પિતાની વ્યથા

સિયાના પિતા પ્રવીણ ગોયલે કહ્યું કે તેમને હજુ પણ આ સમગ્ર ઘટના પર વિશ્વાસ થતો નથી. કેતનને તેઓ પોતાના દીકરા સમાન માનતા હતા. તેમના જણાવ્યા પ્રમાણે કેતન હંમેશા પરિવારના દરેક કામમાં મદદ કરતો અને સૌ સાથે સારો વ્યવહાર રાખતો હતો. તેના નિધનથી બંને પરિવારોને ભારે આઘાત લાગ્યો છે.

ચેતન વિશે કોઈ જાણ નહોતી હોવાનો દાવો

સિયાના માતા-પિતાએ દાવો કર્યો કે તેમને ચેતન વિશે કોઈ માહિતી નહોતી. સગાઈ બાદ સિયા માત્ર કેતન સાથે જ સંપર્કમાં રહેતી હોવાનું માતાએ જણાવ્યું. જ્યારે પિતાએ કહ્યું કે ચેતનને તેમણે ક્યારેય જોયો પણ નહોતો અને તે ક્યારેય તેમના ઘરે આવ્યો નહોતો.

પોલીસ તપાસમાં શું સામે આવ્યું?

પોલીસ તપાસ મુજબ સિયાએ કેતનને અનેક વખત લોહગઢ કિલ્લા પર લઈ જવાનો પ્રયાસ કર્યો હતો. 31 મેના રોજ બંને પ્રથમ વખત ત્યાં ગયા હતા. ત્યારબાદ 14 જૂને ફરી કિલ્લા પર જતાં સિયાએ કેતનને ચટ્ટાન પરથી ધક્કો મારવાનો પ્રયાસ કર્યો હોવાનો પોલીસનો દાવો છે. જોકે કેતન ઝાડી પકડીને બચી ગયો હતો. તે સમયે સિયાએ ત્યાં સાપ દેખાયો હોવાનો બહાનો બનાવી ધક્કો માર્યાનું કારણ આપ્યું હતું.

પોલીસના જણાવ્યા અનુસાર 18 જૂને ફરી લોહગઢ કિલ્લા પર લઈ જઈ કેતનને ખીણમાં ધક્કો મારી તેની હત્યા કરવામાં આવી હતી. શરૂઆતમાં આ સમગ્ર ઘટનાને ટ્રેકિંગ દરમિયાન થયેલો અકસ્માત માનવામાં આવ્યો હતો, પરંતુ તપાસ આગળ વધતા કેસે હત્યાનું સ્વરૂપ ધારણ કર્યું.

સિયાનો દાવો પણ ચર્ચામાં

પૂછપરછ દરમિયાન સિયાએ પોલીસને જણાવ્યું હોવાનું સૂત્રો કહે છે કે તે કેતન સાથે લગ્ન કરવા ઇચ્છતી નહોતી અને આ વાત તેણે અગાઉથી કેતનને જણાવી હતી. જોકે તેના કહેવા મુજબ કેતન લગ્ન તોડવા તૈયાર નહોતો. સિયાએ એવો પણ આક્ષેપ કર્યો કે કેતને પોતાના પરિવારના પ્રભાવ અને સંપત્તિનો ઉલ્લેખ કરીને લગ્નથી પીછેહઠ ન કરવાની ચેતવણી આપી હતી. જોકે આ દાવાઓની સત્યતા અંગે હાલ પોલીસ તપાસ ચાલુ છે.

પ્રેમસંબંધ અને વ્યવસાય

તપાસમાં સામે આવ્યું છે કે સિયાની ઓળખ ગયા વર્ષે એક બિઝનેસ મીટિંગ દરમિયાન ચેતન સાથે થઈ હતી અને ત્યારબાદ બંને વચ્ચે નજીકના સંબંધો બંધાયા હતા. તે સમયે બંને પરિવારો સિયા અને કેતનના લગ્નની તૈયારીઓ કરી રહ્યા હતા. સિયા બેકરીનો વ્યવસાય ચલાવે છે, જ્યારે ચેતન ડ્રાયફ્રૂટ્સના વ્યવસાય સાથે સંકળાયેલો છે. બીજી તરફ, કેતન અગ્રવાલ પોતાના પારિવારિક રિયલ એસ્ટેટ વ્યવસાયમાં ડિરેક્ટર અને ચીફ માર્કેટિંગ ઓફિસર તરીકે કાર્યરત હતો.

પોલીસ હાલ તમામ પુરાવાઓના આધારે તપાસ આગળ વધારી રહી છે અને કેસની કાનૂની કાર્યવાહી ચાલુ છે.


આ પણ વાંચો:પુણેમાં ઉદ્યોગપતિના પુત્ર કેતનના મોતનો ભેદ ઉકેલાયો, મંગેતરે જ પ્રેમી સાથે મળીને ખીણમાં ધકેલ્યો !

આ પણ વાંચો:‘તેને મારી નાખો…’, સોનમે અચાનક રાજાનો પીછો કરી રહેલા હત્યારાઓને કહ્યું

આ પણ વાંચો:પતિની લાશને ડ્રમમાં નાખી અંદર સિમેન્ટ ભેળવીને ભરી પછી…