Strait of Hormuz Crisis: વૈશ્વિક વેપાર (Iran) માટે સૌથી મહત્વપૂર્ણ ગણાતા માર્ગ ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’ માં ચાલી રહેલો તણાવ ફરી એકવાર ચરમસીમાએ પહોંચ્યો છે. બ્રિટિશ સૈન્યના સત્તાવાર અહેવાલ અનુસાર, ઓમાનના દરિયાકાંઠે એક વ્યાપારી જહાજ પર મોટો હુમલો કરવામાં આવ્યો છે. ઓળખ ન આપવાની શરતે એક અમેરિકન અધિકારીએ ખુલાસો કર્યો છે કે ‘એવર લવલી’ (Ever Lovely) નામના આ મર્ચેન્ટ જહાજ પર ઈરાનની પેરામિલિટરી રિવોલ્યુશનરી ગાર્ડ દ્વારા આત્મઘાતી ડ્રોન વડે હચમચાવી મૂકે તેવો હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં જહાજને મોટું નુકસાન થયું છે, પરંતુ સદનસીબે કોઈ જાનહાનિ કે પર્યાવરણીય નુકસાનના અહેવાલ નથી.
સંયુક્ત રાષ્ટ્રની સંસ્થા IMO નો મોટો નિર્ણય
આ પ્રચંડ હુમલા બાદ સંયુક્ત રાષ્ટ્ર (UN) ની જાણીતી સંસ્થા ઇન્ટરનેશનલ મેરિટાઇમ ઓર્ગેનાઇઝેશન (IMO) એ તાત્કાલિક અસરથી મોટો નિર્ણય લીધો છે. IMO એ પર્સિયન ગલ્ફમાંથી ફસાયેલા વ્યાપારી જહાજોને બહાર કાઢવાનું ઓપરેશન અધવચ્ચે જ અટકાવી દીધું છે. એજન્સીના સેક્રેટરી-જનરલ આર્સેનિયો ડોમિંગુએઝે જણાવ્યું હતું કે, જ્યાં સુધી આ રૂટ પર જહાજોની (Iran) સુરક્ષાની સંપૂર્ણ ગેરંટી ન મળે ત્યાં સુધી આ રેસ્ક્યૂ ઓપરેશન હોલ્ડ પર રહેશે. જોકે, જે જહાજ પર હુમલો થયો તે આ રેસ્ક્યૂ ઓપરેશનનો ભાગ નહોતું.
Iranની ખુલ્લી ધમકી: ‘તમે અમારી મિસાઈલોની રેન્જમાં છો’
આ હુમલાના થોડા કલાકો પહેલા જ ઈરાને આંતરરાષ્ટ્રીય સ્તરે ધમકી આપી હતી કે તેની પરવાનગી વિના આ રૂટનો ઉપયોગ કરનારા જહાજોને રોકી દેવામાં આવશે. ઈરાનની (Iran) નવી સરકારી એજન્સી ‘પર્સિયન ગલ્ફ સ્ટ્રેટ ઓથોરિટી’ એ સોશિયલ મીડિયા પર સ્પષ્ટ લખ્યું છે કે ઈરાન દ્વારા નક્કી કરાયેલા રૂટ સિવાય અન્ય કોઈ માર્ગેથી પસાર થનારા જહાજોને સુરક્ષાની કોઈ ગેરંટી આપવામાં આવશે નહીં. રિવોલ્યુશનરી ગાર્ડે જણાવ્યું છે કે ઓમાન અને IMO દ્વારા તૈયાર કરાયેલો નવો વૈકલ્પિક રૂટ અસ્વીકાર્ય અને અત્યંત જોખમી છે. અગાઉ ઈરાની સૈનિકોએ રેડિયો પર એક ટેન્કરને ધમકી આપતા કહ્યું હતું કે, ‘તમે અમારી મિસાઈલોની રેન્જમાં છો અને અમે ગમે ત્યારે ફાયરિંગ કરી શકીએ છીએ.’
વૈશ્વિક અર્થતંત્ર અને ક્રૂડ ઓઇલના ભાવો પર સંકટના વાદળો
વિશ્વના કુલ ઓઇલ અને કુદરતી ગેસનો પાંચમો ભાગ આ જ સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી પસાર થાય છે. ગત 28 ફેબ્રુઆરીએ અમેરિકા અને ઈઝરાયલના હુમલા બાદ ઈરાને (Iran) આ મુખ્ય માર્ગમાં દરિયાઈ સુરંગો ગોઠવી દીધી હતી, જેના કારણે આ ટ્રાફિક ઠપ્પ થઈ ગયો હતો. ઓમાન અને IMO ની મદદથી કિનારાની નજીકથી એક નવો વૈકલ્પિક રૂટ શરૂ કરાયો હતો, જેનાથી ક્રૂડ ઓઇલના ભાવ ઘટીને ૭૩ ડોલર પ્રતિ બેરલની નીચે આવી ગયા હતા, પરંતુ આ નવા હુમલાએ વૈશ્વિક બજારની ચિંતા ફરી વધારી દીધી છે.
અમેરિકાના વિદેશ મંત્રીનો ખાડી પ્રવાસ અને લેબેનોન વિવાદ
અમેરિકન વિદેશ મંત્રી માર્કો રૂબિયો હાલમાં ખાડી દેશોની મુલાકાતે છે. તેમણે બહેરીનમાં ગલ્ફ કોઓપરેશન કાઉન્સિલ (GCC) ના વિદેશ મંત્રીઓ સાથે મુલાકાત કરી ખાતરી આપી હતી કે ઈરાન(Iran) સાથેના કોઈપણ કરારમાં તેમના હિતોની રક્ષા કરાશે. અમેરિકા-ઈરાન વચ્ચે વચગાળાના શાંતિ કરાર માટે વાટાઘાટો ચાલી રહી છે, જેમાં જહાજોની અવરજવર અને યુરેનિયમ સ્ટોક મુખ્ય મુદ્દો છે.
આ દરમિયાન લેબેનોનમાં ઈઝરાયલ અને ઈરાન સમર્થિત હિઝબુલ્લાહ આતંકવાદીઓ વચ્ચે ચાલી રહેલી લડાઈને કારણે આ શાંતિ પ્રક્રિયા જોખમમાં મૂકાઈ છે. દક્ષિણ લેબેનોનમાં ઈઝરાયલી હુમલામાં ૫ લોકોના મોત થયા છે. ઈરાને શરત મૂકી છે કે યુદ્ધ ખતમ કરવા માટે ઈઝરાયલે લેબેનોનમાંથી પીછેહઠ કરવી પડશે, જેને ઈઝરાયલે નકારી દીધી છે.

