Business News/ વૈશ્વિક અર્થતંત્રમાં મહાસંકટના એંધાણ: ‘રિચ ડેડ પુઅર ડેડ’ના લેખકની રોકાણકારોને ચેતવણી

મિડલ ઈસ્ટ તણાવ વચ્ચે ‘રિચ ડેડ પુઅર ડેડ’ના લેખક રોબર્ટ કિયોસાકી (Robert Kiyosaki)એ વૈશ્વિક અર્થતંત્ર ક્રેશ થવાની ચેતવણી આપી છે. તેમણે રોકાણકારોને નુકસાનથી બચવા સોનું, ચાંદી અને યોગ્ય રણનીતિ અપનાવવા સલાહ આપી છે.

Business
Robert Kiyosaki's warning to investors

મિડલ ઈસ્ટમાં સતત વધી રહેલા યુદ્ધના તણાવ, ક્રૂડ ઓઈલના ભડકે બળતા ભાવ અને શેરબજારોની ભારે ઉથલપાથલ વચ્ચે વૈશ્વિક અર્થતંત્ર પર મહામંદીના વાદળો ઘેરાયા છે. વિશ્વપ્રસિદ્ધ પુસ્તક ‘રિચ ડેડ પુઅર ડેડ’ના જાણીતા લેખક રોબર્ટ કિયોસાકી (Robert Kiyosaki)એ ફરી એકવાર દુનિયાભરના રોકાણકારો માટે લાલબત્તી ધરી છે. તેમણે દાવો કર્યો છે કે વૈશ્વિક માર્કેટ ઇતિહાસના સૌથી મોટા અને ભયાનક આર્થિક ક્રેશ તરફ આગળ વધી રહ્યું છે.

કિયોસાકીએ આશંકા વ્યક્ત કરી છે કે 2026-27નો આ સમયગાળો વૈશ્વિક બજાર માટે ઐતિહાસિક મંદી લાવશે. પરંતુ, તેમણે સ્પષ્ટ કર્યું છે કે સાચી રણનીતિ અપનાવીને રોકાણકારો આ મહાસંકટમાં પણ મોટો આર્થિક ફાયદો મેળવી શકે છે.

મુશ્કેલ સમય માટે રહો તૈયાર

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર પોતાની નવીનતમ પોસ્ટમાં કિયોસાકીએ સ્પષ્ટ લખ્યું છે કે આર્થિક મંદીમાં બે જ વર્ગ હોય છે – હારનારા અને જીતનારા. આ બધું રોકાણકારોના વર્તન અને નિર્ણયો પર આધાર રાખે છે.

રોબર્ટ કિયોસાકીની મહત્વની સલાહ:

“મેં મારા પુસ્તક ‘રિચ ડેડ્સ પ્રોફેસી’માં વર્ષો પહેલા આવી સ્થિતિની આગાહી કરી હતી. દરેક આર્થિક સંકટમાં લાખો લોકો પોતાની સંપત્તિ ગુમાવે છે, પરંતુ યોગ્ય વ્યૂહરચના ધરાવતા ચતુર રોકાણકારો મુશ્કેલીને તકમાં બદલીને પહેલા કરતાં વધુ ધનવાન બને છે. રોકાણકારો પાસે પોતાની નાણાકીય રણનીતિ બદલવાનો હજુ પણ સમય છે.”

આર્થિક નુકસાનથી બચવા ક્યાં રોકાણ કરવું?

રોબર્ટ કિયોસાકીએ આર્થિક અનિશ્ચિતતા અને માર્કેટ ક્રેશના સમયમાં રોકાણકારોને ખાસ સલાહ આપી છે:

સોનું અને ચાંદી (Gold & Silver): કિયોસાકી અને પ્રખ્યાત રોકાણકાર જિમ રોજર્સ માને છે કે બંને કિંમતી ધાતુઓના ભાવમાં આગામી સમયમાં મોટો ઉછાળો આવશે.

ડિપમાં ખરીદીની તક: તાજેતરમાં સોના-ચાંદીમાં થયેલા મોટા ઘટાડાને કિયોસાકીએ ખરીદીની ઉત્તમ તક ગણાવી છે અને પોતે પણ આ ઘટાડા દરમિયાન વધુ સોનું-ચાંદી ખરીદ્યું હોવાનો ખુલાસો કર્યો છે.

બિટકોઇન (Bitcoin):  કાગળની ચલણી નોટો અને પરંપરાગત બજાર સામે રક્ષણ મેળવવા કિયોસાકી હંમેશા ક્રિપ્ટોકરન્સી અને ખાસ કરીને બિટકોઇનમાં રોકાણને સલામત ગણાવે છે.


આ પણ વાંચો :ટ્રમ્પના ‘ટેરિફ ટેરર’ અને આંતરરાષ્ટ્રીય તણાવથી શેરબજાર ધડાકાભેર તૂટ્યું: સેન્સેક્સ 715 પોઈન્ટ ગબડ્યો

આ પણ વાંચો :ભારતીય જેમ્સ એન્ડ જ્વેલરી ઉદ્યોગમાં ચમકારો: જૂનમાં નિકાસ 26 % ઉછળી, રૂ. 21,000 કરોડને પાર

આ પણ વાંચો :સોના-ચાંદીના ભાવમાં મસમોટો ઉછાળો, ક્રૂડ પણ 90 ડોલરને પાર