ભગવાન રામ જેવો રાજધર્મ કોઈ રાજકીય પક્ષે બજાવ્યો છે ખરો ?
લોકોને સીધીરીતે સ્પર્શતા એક પણ વચનનું પાલન થયું છે ખરૂં? વચન આપી કે વાયદા કરી ફરી જવાની આપણા રાજકારણીઓની જૂની આદત !!
@હિંમતભાઈ ઠક્કર, ભાવનગર
રામાયણના ઉત્તરકાંડમાં એક પ્રસંગ છે.આમ તો પ્રસંગની હારમાળા છે,જેમાં વર્તમાન સમાજ માટે,રાજ્ય માટે અનેક સંદેશા મળતા રહે છે. મહર્ષિ વાલ્મીકિજીના શિષ્યો લવ અને કુશ કે જે મર્યાદા પુરુષોત્તમ રામ અને ભગવતી સીતાના જ સંતાનો છે, પણ તેની વાલ્મિકીજી અને સીતાજી સિવાય કોઈને ખબર હોતી નથી. વાલ્મિકીજી આ બન્ને વિરબાળકોને શસ્ત્ર,શાસ્ત્ર અને સંગીતમાં પારંગત બનાવે છે. ભગવાન રામ અયોધ્યામાં અશ્વમેઘ યજ્ઞ આરંભે છે.આ પ્રસંગે નિયમ મુજબ અશ્વમેઘ યજ્ઞનો અશ્વ રામના નાના ભાઈ અને મથુરાના રાજવી બની ચૂકેલા કુમાર શત્રુઘ્નની આગેવાની હેઠળના અયોધ્યાના સૈન્ય સાથે છૂટો મૂકે છે. આ અશ્વના ગળામાં એવી ચેતવણી લખેલી હોય છે કે આ અશ્વ જે રોકશે તેને રામની સેના સાથે યુધ્ધનો સામનો કરવો પડશે. આ અશ્વને બીજું કોઈ રોકતું નથી પણ વાલ્મિકીજીના આશ્રમ પાસે લવ અને કુશ રોકે છે.નિયમ પ્રમાણે લવકુશને યુધ્ધ કરવું પડે છે જેમાં પહેલા કુમાર શત્રુઘ્ન ત્યાર બાદ લક્ષમણજી સાથે યુધ્ધ થાય છે. ઋષિકુમારો તરીકેની ઓળખ ધરાવતા લવ અને કુશ તેમાં જીતે છે. ત્યાર બાદ ભરતજી,હનુમાનજી અને સુગ્રીવજી આવેછે. લવ અને કુશ ભરતજી,સુગ્રીવજી સહિતની સેનાને મૂર્છિત કરી દે છે. હનુમાનજીને બંધનમાં નાખે છે. છેવટે ભગવાન રામ પોતે આવે છે. સામસામા તીર છોડવાની તૈયારીમાં હોય છે ત્યાં મહર્ષિ વાલ્મિકીજી આવી જાય છે અને યુધ્ધ રોકે છે. તે વખતે કુશ ભગવાન રામને એક પ્રશ્ન પૂછે છે. આ પ્રશ્ન એ હોય છે કે અયોઘ્યાના મહારાજા એવા આપે ભગવતી અને પવિત્ર નારી સીતાજીનો ત્યાગ કેમ કર્યો ?
આ પ્રશ્ન નો જવાબ આપતા અયોધ્યા નરેશ રામ કહે છે, પછી તેનો અર્થ સમજાવતા એમ સમજાવે છે કે, રાજા માટે પ્રજાનો મત મહત્વનો હોય છે
પ્રજાના એક વર્ગે સીતાજી માટે અને રાજા રામ માટે કહેલી વાત,કરેલી ટીકાના કારણે પોતે આ પગલું ભર્યુ છે. તે વખતે લવ કુશ કહે છે કે આ માટે અયોધ્યાની પ્રજા દોષિત છે.
ત્યારે મહર્ષિ વાલ્મિકીજી કહે છે કે હવે આ જવાબ અયોધ્યાની પ્રજા પાસે માગવો જોઈએ. આ પ્રકરણ પૂર્ણ થાય છે અને લવ કુશ એ રામ અને સીતાજીના સંતાનો છે. પછી આ બન્ને અયોધ્યા જઇ પહેલા ત્યાંની શેરીઓમાં તેમજ ત્યાર બાદ અયોધ્યા નરેશ રામના રાજદરબારમાં વાલ્મિકીજી રચિત રામકથાનું ગાન કર્યા બાદ પોતાનો ભગવતી સીતાના સંતાનો તરીકે પરિચય આપે છે.જો કે ભગવાન રામ પ્રજાનો મત જાણે છે.કથા પ્રમાણે હાજર એકસો પૈકી માત્ર ત્રણ ચાર જણ લવ કુશને રાજકુમાર તરીકે સ્વીકારવાથી વિરુદ્ધમાં મત આપે છે. મહારાજા રામ આ અલ્પ એટલે કે સાવ ઓછા લોકોના મતને માન આપી સીતાજી અયોધ્યાના રાજદરબારમાં આવી પ્રમાણ આપે તેવો આગ્રહ રાખે છે.પછીની કથા આપણે જાણીએ છીએ.

આમ ઓછા લોકોના મનની વાત સાંભળી ભગવાન રામ પોતાનો રાજધર્મ સારી રીતે બજાવે છે જ્યારે આજના રાજકારણીઓ ભગવાન રામનું નામ વટાવે છે. ચૂંટણી ટાણે રામ મંદિરનો મુદ્દો ચગાવે છે. અત્યારે પણ ઉત્તરપ્રદેશની ચૂંટણી ટાણે અયોધ્યા અને રામના ગુણગાન ગવાય છે.પરંતુ ભગવાન રામે જે રાજધર્મ અને પ્રજાના નાના વર્ગની લાગણીને માન આપ્યું હતું તેમ અત્યારના રાજકારણીઓ પ્રજાનો અવાજ સાંભળે છે ખરા ? પ્રજાના મત કે ચુકાદાને માન અપાય છે ખરૂં ? ૧૯૭૫ ની કટોકટી હોય કે ૨૦૧૬ની નોટબંધી હોય કે પછી અન્ય કોઈ નિર્ણય હોય તેમાં પ્રજામતને માન અપાયું છે ખરૂં? પ્રજા તો ઠીક પણ લોકશાહીના મંદિર ગણાતા સંસદમાં પણ પોતાનું ધાર્યું કરાવવા કેવા ખેલ ખેલાયા તે શું ભગવાન રામ કે રામ રાજ્યને કે તેમના આદર્શોને અનુરૂપ હતા ખરા? લોકોએ ચુટેલી સરકારોને હેરાન કરવાના કાવાદાવા ૧૯૭૫માં,૧૯૮૦માં અને અત્યારે ૨૦૨૧માં પણ થાય છે. શું આ ભગવાન રામે ચીંધેલા રાજધર્મ અને રામરાજ્યનાં આદર્શોને અનુરૂપ છે તેવું કહી શકાય ખરૂં? આવા તો ઘણા દાખલા આપી શકાય તેમ છે.આનો સાર માત્ર એટલોજ કે રાજકારણીઓ આજના હોય કે ભૂતકાળના હોય સૌ રામરાજ્યની વાતો કરે છે.કોર્ટના ચુકાદા બાદ અયોધ્યામાં બંધાઈ રહેલા રામ મંદિર માટે જશ ખાટવા માટે હોડ લગાવનારા રાજકારણીઓ કરોડો લોકોના પ્રેરણામૂર્તિ મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામના એક પણ આદર્શોનું પાલન કરી તેમના ચીંધેલા માર્ગે રાજધર્મ બજાવે છે ખરા ?
