આવનારા દિવસોમાં સામાન્ય જનતાના ઘરનું બજેટ વધુ ખોરવાય તેવા સંકેતો મળી રહ્યા છે. આંતરરાષ્ટ્રીય સ્તરે અમેરિકા અને ઈરાન વચ્ચે સર્જાયેલી નવી કટોકટી તેમજ સ્થાનિક સ્તરે ‘અલ નિનો’ નામના પર્યાવરણીય જોખમને કારણે દેશમાં ચીજવસ્તુઓના ભાવો વધુ વધે તેવી દહેશત છે. જૂન મહિનાના જે આંકડા સામે આવ્યા છે તેમાં રિટેલ તેમજ જથ્થાબંધ મોંઘવારી (INFLATION)પહેલેથી જ વધીને આવી છે, જેણે આર્થિક નિષ્ણાતો અને નીતિવિષયકોની ઊંઘ ઉડાવી દીધી છે.નવા જાહેર થયેલા ડેટા મુજબ, જૂનમાં રિટેલ ફુગાવો વધીને 4.38 ટકા નોંધાયો છે, જે ભારતીય રિઝર્વ બેંક (RBI) ની 4 ટકાની નિર્ધારિત લક્ષ્યાંક મર્યાદા કરતા ઘણો વધારે છે. આ દર છેલ્લા દોઢ વર્ષના સૌથી ઉચ્ચ સ્તરે પહોંચી ગયો છે. આ સાથે જ હોલસેલ મોંઘવારી પણ 9.90 ટકાના ચિંતાજનક આંકડા પર આવી ગઈ છે.
મોંઘું થતું ઈંધણ અને તૂટતો રૂપિયો: પશ્ચિમ એશિયાના તણાવને પગલે આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલ (ક્રૂડ) ના ભાવો ફરીથી ભડકે બળ્યા છે. વિદેશી બજારની આ ઉથલપાથલની સીધી અસર ભારતીય ચલણ પર પડી છે, જેના લીધે અમેરિકી ડોલર સામે રૂપિયો નબળો પડીને 96 ના સ્તરને વટાવી ગયો છે. ચલણની આ નબળાઈ અને ક્રૂડની તેજી ભારતના આયાત ખર્ચને મોટો ઝટકો આપી શકે છે.
રસોડાનું બજેટ ખોરવાયું: બજારમાં મોંઘવારી વધવા પાછળનું મુખ્ય કારણ ખાવા-પીવાની ચીજોના સતત વધી રહેલા ભાવો છે. આ ગંભીર પરિસ્થિતિ વચ્ચે હવે સૌની નજર કેન્દ્રીય બેંકની આગામી નાણાકીય સમીક્ષા બેઠક પર મંડાયેલી છે કે તે વ્યાજદરો અંગે શું ફેંસલો લે છે.
ખેતી ક્ષેત્રે નબળા ચોમાસાની આશંકા
બીજી બાજુ, કુદરતે પણ ચિંતા વધારી છે. ‘અલ નિનો’ ની પ્રતિકૂળ અસરોને લીધે ચાલુ વર્ષે ચોમાસાની પ્રગતિ ઘણી ધીમી અને નબળી જોવા મળી રહી છે. જો વરસાદની આ ખેંચ લાંબી ચાલશે તો દેશના ખરીફ પાકના કુલ ઉત્પાદન પર તેની માઠી અસર પડશે. ખેતીનું ઉત્પાદન ઘટવાથી બજારમાં અનાજ, કઠોળ અને શાકભાજી જેવી જીવનજરૂરી ખાદ્ય ચીજોની કિંમતો વધુ વધવાની પૂરતી શક્યતા છે.
જોકે, આ તમામ આર્થિક ચિંતાઓ વચ્ચે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) ના રિસર્ચ અહેવાલમાં એક આશાસ્પદ અંદાજ પણ રજૂ કરાયો છે. તે મુજબ, ચાલુ નાણાકીય વર્ષના અંત સુધીમાં દેશનો સરેરાશ રિટેલ ફુગાવો 5 ટકાની આસપાસ મર્યાદિત રહે તેવી ધારણા છે.
આ પણ વાંચો:બેંકિંગના અટકેલા કામો વહેલા પતાવી લેજો, જુલાઈના આ અઠવાડિયે અલગ-અલગ રાજ્યોમાં 4 દિવસ બેંકો રહેશે બંધ
