નવી દિલ્હી: જમ્મુ કાશ્મીરમાં આવેલા પવિત્ર યાત્રા ધામ એવા વૈષ્ણોદેવી મંદિરના દર્શને દર વર્ષે લાખોની સંખ્યામાં જતા શ્રદ્ધાળુઓને પૂર્વ વડાપ્રધાન અટલજીના જન્મદિવસે એક ખાસ ભેટ મળવા જઈ રહી છે.
હવે વૈષ્ણોદેવીથી ભૈરોઘાટી દર્શન કરનારા શ્રદ્ધાળુઓ રોપ-વેથી જઇ શકશે. આ ભેટ આગામી તા. રપ ડિસેમ્બર (નાતાલ અને અટલ બિહારી વાજપેયીના જન્મદિન)ના રોજ મળવા જઈ રહી છે.
આ દિવસથી સામાન્ય નાગરિકો માટે આ નવી રોપ-વે સર્વિસ ખોલી દેવામાં આવશે. જેના અંતર્ગત વૈષ્ણોદેવીથી ભૈરોનાથ મંદિર (ભૈરો ઘાટી) સુધી આ સુવિધા મળશે.
વૈષ્ણોદેવીના દરબારથી ભૈરોનાથનો રસ્તો ઘણો કઠિન અને મુશ્કેલ ભર્યો માનવામાં આવે છે. અહીં ઊભું ચઢાણ હોવાના કારણે યાત્રીકોને ઘણી સમસ્યાઓ નડે છે. શ્રદ્ધાળુઓ પગપાળા ચાલીને અથવા ઘોડા દ્વારા અહી સુધી આવતા હોય છે.
આ અંગે શ્રી માતા વૈષ્ણોદેવી શ્રાઇન બોર્ડના સીઇઓ સિમરજિત સિંહે જણાવ્યું હતું કે, રોપ-વે સર્વિસ શરૂ થવાના કારણે શ્રદ્ધાળુઓની સંખ્યામાં પણ વધારો થશે. તા. રપ ડિસેમ્બરના રોજ તેનું ઉદઘાટન શ્રી માતા વૈષ્ણોદેવી શ્રાઇન બોર્ડના ચેરમેન અને જમ્મુ કાશ્મીરના રાજ્યપાલ દ્વારા કરવામાં આવશે.
રોપ-વે સેવા માટે તમારે કેટલા રૂપિયા ચૂકવવા પડશે
જો તમે વૈષ્ણોદેવી દરબારથી ભૈરોનાથની યાત્રા રોપ-વેથી કરો છો તો તમારે વ્યક્તિદીઠ માત્ર ૧૦૦ રૂપિયા ચૂકવવા પડશે. આ રોપ-વે સેવાથી શ્રદ્ધાળુઓ માત્ર ચારથી પાંચ મિનિટમાં નિયત સ્થળે પહોંચી જશે, તેમાં પ્રતિ એક કલાકમાં આઠસો યાત્રીઓને ભવનથી ભૈરો મંદિર સુધી લઇ જવાની ક્ષમતા હશે. એક વખતમાં ૪ર યાત્રીઓ જઇ શકશે. અહીં પહેલાં પગપાળા જવામાં બે કલાકનો સમય લાગતો હતો. જયારે ઘોડા પર જવાથી પ્રતિ વ્યક્તિ ૩૦૦થી પ૦૦ રૂપિયા ચૂકવવા પડતા હતા.
ચાર વર્ષમાં પૂર્ણ થયો પ્રોજેક્ટ
આ રોપ-વે યોજના ૭પ કરોડના ખર્ચે ચાર વર્ષમાં પૂરી થઇ છે. આ પ્રોજેક્ટને સ્વિટ્ઝર્લેન્ડની ગવર્નમેન્ટ ઓફ એજી અને દામોદર રોપ-વેના નિષ્ણાતો અને એન્જિનિયરો દ્વારા પૂર્ણ કરવામાં આવ્યો છે.
આ રોપ-વેની પ્રણાલીને સંપૂર્ણ રીતે સુરક્ષાના નિયમોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે. રોપ-વે શરૂ કરવાના એક દિવસ આગાઉ તેની ફાઈનલ ટ્રાયલ લેવામાં આવશે.
આ સુવિધા ખાસ કરીને વૃદ્ધો અને અશક્ત વ્યક્તિઓ માટે લાભદાયક પુરવાર નિવડશે. અત્રે ઉલ્લેખનીય છે કે, સિનિયર સિટીઝન્સને ૬૬૦૦ ફૂટની ઊંચાઇ પર આવેલા ભૈરોજી મંદિર જવા માટે ભારે મુશ્કેલી પડતી હોય છે.
