Madhya Pradesh Congress Crisis 2026: મધ્યપ્રદેશ કોંગ્રેસ અત્યારે એક ઐતિહાસિક બદલાવ અને ‘કમલનાથ-દિગ્વિજય યુગ’ના અંતની સાક્ષી બની રહી છે. પ્રદેશ રાજકારણમાં ‘ટીમ રાહુલ’ ની એન્ટ્રી સાથે એક નવી પેઢીના હાથમાં કમાન સોંપાઈ રહી છે. આગામી રાજ્યસભા ચૂંટણી માટે ઉમેદવાર તરીકે મીનાક્ષી નટરાજન (Meenakshi Natarajan) ના નામની જાહેરાત માત્ર એક સામાન્ય નિર્ણય નથી, પરંતુ તે કોંગ્રેસની જૂની પરંપરાગત રાજનીતિ પર યુ-ટર્ન હોવાની મહોર લગાવે છે. જોકે, રાહુલ ગાંધીનો આ નવો પ્રયોગ પાર્ટી માટે મોટું જોખમ (Big Risk) પણ સાબિત થઈ શકે છે.
મધ્યપ્રદેશમાં હવે સંપૂર્ણપણે ‘ટીમ રાહુલ’નું રાજ
2023ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે શિવરાજ સિંહ ચૌહાણની ‘લાડલી બહેના’ યોજનાના દમ પર મોટી જીત મેળવી અને કોઈપણ આંતરિક વિખવાદ વગર સત્તા મોહન યાદવને સોંપી દીધી હતી. બીજી તરફ કોંગ્રેસમાં(Congress) જૂની વિરૂદ્ધ નવી પેઢીનો જંગ ચાલતો રહ્યો. હવે રાહુલ ગાંધીએ કડક નિર્ણયો લેતા MPમાં પૂરી રીતે નવી પેઢીને આગળ વધારવાનો પ્લાન બનાવ્યો છે.
ત્રણ નેતા, એક સરખી ઉંમર
આદિવાસી નેતા ઉમંગ સિંઘારને નેતા વિપક્ષ બનાવવા, જીતુ પટવારીને પ્રદેશ પ્રમુખની ખુરશી સોંપવી અને હવે મીનાક્ષી નટરાજનને રાજ્યસભાના ઉમેદવાર બનાવવા – આ ત્રણેય નિર્ણયો રાહુલ ગાંધીની પોતાની વ્યૂહરચનાનો ભાગ છે. રસપ્રદ વાત એ છે કે આ ત્રણેય નેતાઓની ઉંમર 52 વર્ષ છે, જેઓ હવે રાજ્યના બે 79 વર્ષના દિગ્ગજો દિગ્વિજય સિંહ અને કમલનાથની જગ્યા લઈ રહ્યા છે.

જૂના ક્ષત્રપોનો દબદબો અને Congressનું પતન
એક સમય હતો જ્યારે મધ્યપ્રદેશમાં કોંગ્રેસ(Congress) અલગ-અલગ મોટા નેતાઓના ભરોસે ચાલતી હતી. છિંદવાડામાં કમલનાથ, બઘેલખંડમાં અર્જુન સિંહ, ચંબલમાં માધવરાવ સિંધિયા અને પશ્ચિમમાં દિગ્વિજય સિંહનો દબદબો હતો. 2003માં દિગ્વિજય સિંહની હાર પછી ભાજપે એવી મજબૂત જમીન તૈયાર કરી કે કોંગ્રેસ તેને હલાવી શકી નહીં. 2018માં આ જૂના નેતાઓએ ભેગા મળીને સરકાર તો બનાવી, પણ ઈગો ક્લેશ અને આંતરિક ખેંચતાણને કારણે જ્યોતિરાદિત્ય સિંધિયા બળવો કરીને ભાજપમાં જોડાયા અને કોંગ્રેસની સરકાર પડી ભાંગી. હવે દિગ્વિજય સિંહની રાજ્યસભા ટિકિટ કપાતા અને કમલનાથને સાઈડલાઈન કરાતા સ્પષ્ટ સંકેત છે કે રાહુલ ગાંધી માટે આ જૂના નેતાઓ હવે ‘વપરાયેલા કારતૂસ’ જેવા સાબિત થઈ રહ્યા છે.
આગામી રાજ્યસભા ચૂંટણી અને મોટો પડકાર
મીનાક્ષી નટરાજન રાહુલ ગાંધીના કોર ગ્રુપનો હિસ્સો ચોક્કસ છે, પરંતુ પ્રદેશના ધારાસભ્યો પર તેમની પકડ દિગ્વિજય સિંહ કે કમલનાથ જેવી નથી. તેમના નામની જાહેરાત થતાં જ ભોપાલથી લઈને દિલ્હી સુધી કોંગ્રેસના ધારાસભ્યોમાં ભારે અસંતોષ ફાટી નીકળ્યો છે. વરિષ્ઠ નેતાઓએ સોશિયલ મીડિયા પર ખુલ્લેઆમ આને હાઈકમાન્ડની ‘મોટી ભૂલ’ ગણાવી છે.
આંકડાની રમત અને ક્રોસ વોટિંગનો ખતરો
આંકડાની દ્રષ્ટિએ કોંગ્રેસ પાસે પોતાની રાજ્યસભા સીટ બચાવવા માટે જરૂરી વોટ કરતાં માત્ર 7 વોટ જ વધારે છે. કોંગ્રેસની આ આંતરિક નબળાઈને પારખીને ભાજપના નેતા કૈલાશ વિજયવર્ગીયએ ‘ત્રીજો ઉમેદવાર’ મેદાનમાં ઉતારવાના સંકેત આપી દીધા છે. જો ભાજપ ત્રીજો ઉમેદવાર ઊભો રાખશે, તો નારાજ કોંગ્રેસી (Congress) ધારાસભ્યો દ્વારા ક્રોસ વોટિંગ (Cross Voting) થવાની પૂરી આશંકા છે.
18 જૂન 2026 ના રોજ યોજાનારી રાજ્યસભાની આ ચૂંટણી અત્યંત રસપ્રદ બની રહેશે, કારણ કે કમલનાથ અને દિગ્વિજય સિંહ જેવા દિગ્ગજો આટલી સરળતાથી અને શાંતિથી પોલિટિકલ સીનમાંથી વિદાય લે તે વાત માનવામાં આવતી નથી. જો આ સીટ હાથમાંથી જશે, તો તે રાહુલ ગાંધીના (Congress) મિશન માટે મોટો ઝટકો હશે.
આ પણ વાંચો:મધ્યપ્રદેશમાં ‘સુરતવાળી થઈ’, કોંગ્રેસના ઉમેદવાર અક્ષય કાંતિ નામાંકન પાછું ખેચી ભાજપમાં જોડાયા
આ પણ વાંચો:કોંગ્રેસના સ્ટાર પ્રચારક પ્રિયંકા ગાંધી મધ્યપ્રદેશમાં જાહેરસભા અને રેલીમાં કરશે પ્રચાર
