Morbi News/ મોરબી ઇજાગ્રસ્તને હોસ્પિટલ લઈ જતી કાર પૂરઝડપે ડમ્પર સાથે અથડાઈ 5 ના માતે, બે ગંભીર

મોરબી-હળવદ (Morbi-Halwad) હાઇવે પર ડમ્પર સાથે કાર અથડાતા પાંચના મોત, બે ગંભીર; ઇજાગ્રસ્તને હોસ્પિટલ લઈ જતી વખતે સર્જાયો ગમખ્વાર અકસ્માત.

Top Stories Gujarat
Morbi-Halwad

Morbi News: મોરબી જિલ્લાના ચરાડવા ગામ નજીક મોરબી-હળવદ હાઇવે પર શનિવારે રાત્રે સર્જાયેલા ભયાનક માર્ગ અકસ્માતમાં પાંચ લોકોના મોત થયા છે, જ્યારે બે લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત બન્યા છે. અકસ્માતની સમગ્ર ઘટના નજીકમાં લાગેલા CCTV કેમેરામાં પણ કેદ થઈ હોવાનું સામે આવ્યું છે.

માહિતી મુજબ, હળવદ તાલુકાના રણછોડગઢ ગામના રહેવાસીઓ એક બાઈક અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલા વ્યક્તિને સારવાર માટે કારમાં હોસ્પિટલ લઈ જઈ રહ્યા હતા. દરમિયાન ચરાડવા ગામ નજીક પેટ્રોલ પંપ સામે આવેલા એક કારખાનામાંથી બહાર નીકળીને રોડ ક્રોસ કરી રહેલા ડમ્પર સાથે તેમની કિયા કાર ધડાકાભેર અથડાઈ હતી.

ટક્કર એટલી જોરદાર હતી કે પૂરઝડપે દોડી રહેલી કાર સીધી ડમ્પરના પાછળના ભાગમાં ઘૂસી ગઈ હતી. અકસ્માત બાદ કારનો આગળનો ભાગ સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ ગયો હતો અને કારમાં સવાર લોકો અંદર જ ફસાઈ ગયા હતા.

અકસ્માત સમયે કારમાં કુલ સાત લોકો સવાર હતા. જેમાંથી ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા બે વ્યક્તિઓએ સારવાર દરમિયાન દમ તોડ્યો હતો. આમ કુલ પાંચ લોકોના મોત નિપજ્યા છે. અન્ય બે ઘાયલોને મોરબી અને રાજકોટની હોસ્પિટલોમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

અકસ્માત બાદ સ્થાનિક લોકો અને બચાવ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. કારમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે જેસીબીની મદદથી કારના પતરા કાપવાની ફરજ પડી હતી. ઘટનાને પગલે હાઇવે પર લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા.

મૃતકોના પરિવારજનોએ જણાવ્યું હતું કે તેઓ માનસર ગામ નજીક બાઈક સ્લીપ થવાથી ઇજાગ્રસ્ત થયેલા વ્યક્તિને સારવાર માટે હોસ્પિટલ લઈ જઈ રહ્યા હતા. જોકે રસ્તામાં જ આ ગમખ્વાર અકસ્માત સર્જાતા પાંચ પરિવારો પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે.

બનાવની જાણ થતાં હળવદ તાલુકા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


આ પણ વાંચો : અમિત ખૂંટ કેસની આરોપીનું પૂજા રાજગોરનું અકસ્માતમાં મોત

આ પણ વાંચો : મોટેરામાં ધોળા દિવસે વહુનું અપહરણ કરનાર પૂર્વ પ્રેમી નીકળ્યો 20 વર્ષની સજા પામેલો કેદી

આ પણ વાંચો : રાધનપુરના વડપાસર તળાવમાંથી એક જ દિવસમાં બે મૃતદેહ મળતા ચકચાર