Ahmedabad Motera Kidnapping Case : અમદાવાદ શહેરના પોશ ગણાતા મોટેરા વિસ્તારમાંથી ધોળા દિવસે સાસુની નજર સામેથી એક પરિણીત યુવતીનું કારમાં અપહરણ કરવાના સનસનાટીભર્યા મામલે સુરત અને અમદાવાદ પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને મુખ્ય સૂત્રધાર સહિત બે આરોપીઓને દબોચી લીધા છે. પકડાયેલા મુખ્ય આરોપી ઘેવરચંદ ગુર્જરની પૂછપરછમાં જે વિગતો સામે આવી છે તેણે પોલીસને પણ ચોંકાવી દીધી છે. આ એ જ આરોપી છે જેને અગાઉ આ જ યુવતી સગીર વયની હતી ત્યારે અપહરણ કરી બળાત્કાર ગુજારવાના ગુનામાં અદાલતે 20 વર્ષની સખત સજા ફટકારી હતી. આરોપી જેલમાંથી પેરોલ જમ્પ કરીને ફરાર થયો હતો અને અમદાવાદ આવીને ફરી આ યુવતીને ઉપાડી ગયો હતો.
Ahmedabad : મોટેરાથી ક્રેટા કારમાં અપહરણ
ઘટનાની વિગત એવી છે કે, ગત 27 મેના રોજ સાબરમતી પોલીસ સ્ટેશન વિસ્તારના મોટેરા (Motera) નજીકથી ઘેવરચંદ અને તેના અન્ય ત્રણ સાગરીતોએ એક યુવતીનું ક્રેટા ગાડીમાં ધોળા દિવસે અપહરણ કર્યું હતું. સાસુની નજર સામે બનેલી આ ઘટનાથી અમદાવાદ પોલીસ એક્શનમાં આવી હતી. ઇન્ચાર્જ એલ-ડિવિઝન એસીપી વાણી દુધાતના માર્ગદર્શન હેઠળ સાબરમતી પોલીસની ટીમો રાજસ્થાન, હરિયાણા સહિતના રાજ્યોની પોલીસના સંપર્કમાં હતી.
આ દરમિયાન બાતમી મળી હતી કે આરોપીઓ યુવતીને લઈને મહારાષ્ટ્રના શિરડીથી સુરત તરફ આવી રહ્યા છે. સુરતની ઉત્તરાણ પોલીસે વોચ ગોઠવીને નેશનલ હાઈવે નજીકથી આરોપી ઘેવરચંદ ગુર્જર અને તેના મિત્ર ફિરોઝ કઠતને સફેદ કલરની થાર ગાડી સાથે ઝડપી લીધા હતા. હાલમાં બંને આરોપીઓનો કબજો સાબરમતી પોલીસને સોંપવામાં આવ્યો છે, જ્યારે યુવતીને સુરક્ષિત રીતે નારી સંરક્ષણ ગૃહમાં મોકલી આપવામાં આવી છે.

સગીરા પર બળાત્કારના ગુનામાં થઈ હતી 20 વર્ષની સજા
પોલીસ તપાસમાં સામે આવ્યું કે, આરોપી ઘેવરચંદ ગુર્જર મૂળ રાજસ્થાનનો વતની છે અને સાતેક વર્ષ પહેલાં તેને આ યુવતી સાથે પ્રેમ સંબંધ હતો. યુવતી જ્યારે સગીર વયની (18 વર્ષથી ઓછી) હતી, ત્યારે ઘેવરચંદ તેને ભગાડી ગયો હતો. આ અંગે રાજસ્થાનના ગુલાબપુરા પોલીસ સ્ટેશનમાં અપહરણ, બળાત્કાર અને પોક્સો (POCSO) હેઠળ ગુનો નોંધાતા અદાલતે તેને 20 વર્ષની જેલની સજા ફટકારી હતી.
જેલમાં એક વર્ષની સજા કાપ્યા બાદ, પિતાનું અવસાન થતાં ઘેવરચંદને વચગાળાના જામીન એટલે કે પેરોલ મળ્યા હતા. જો કે, પેરોલની મુદત પૂરી થવા છતાં તે જેલમાં હાજર ન થયો અને પેરોલ જમ્પ કરી અલગ-અલગ રાજ્યોમાં નાસતો ફરતો હતો. આ દરમિયાન તેણે ભોગ બનનાર યુવતીનું અમદાવાદનું નવું સરનામું શોધી કાઢ્યું અને ફરી તેનું અપહરણ કરીને ભગાડી ગયો હતો. આરોપી વાહન ચોરીનો પણ રીઢો ગુનેગાર છે અને રાજસ્થાન, મહારાષ્ટ્ર તેમજ હરિયાણામાં તેની સામે ગુના નોંધાયેલા છે.
પૂર્વ પ્રેમીના કારણે યુવતીની જિંદગી બરબાદ
આ આખી ઘટનામાં ભોગ બનનાર યુવતીની જિંદગી પણ ભારે ઉથલપાથલમાંથી પસાર થઈ છે. યુવતીના અત્યાર સુધીમાં બે વખત લગ્ન થઈ ચૂક્યા છે. જ્યારે તે સગીરા હતી ત્યારે તેના પ્રથમ લગ્ન થયા હતા, પરંતુ તે સમયે ઘેવરચંદ તેને ભગાડી ગયો હોવાના કારણે તેના પહેલા લગ્નમાં છૂટાછેડા થઈ ગયા હતા. ત્યારબાદ પરિવારે અમદાવાદ ખાતે તેના બીજા લગ્ન કરાવ્યા હતા. અહીં પણ આ હવસખોર અને રીઢા ગુનેગારે પીછો ન છોડ્યો અને સાસુ સામેથી જ તેનું અપહરણ કરી લીધું. હાલમાં સાબરમતી પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો:અમદાવાદમા ઉનાળુ વેકેશનમાં સ્પીતિ-ચંદ્રતાલના સપના સાથે 8 લાખથી વધુની છેતરપિંડી!
આ પણ વાંચો:અમદાવાદના ઓશિયા મોલ પર ₹250 કરોડની છેતરપિંડીના આક્ષેપ, 267 વેપારીઓના નાણાં ફસાયા
આ પણ વાંચો: અમદાવાદમાં ધંધુકા-રાણપુર રોડ પર અનિયંત્રિત ટ્રકે એકનો જીવ લીધો
