Gandhinagar News : ગુજરાત પોલીસના Cyber Centre of Excellence (CCOE), ગાંધીનગરને સાયબર ગુના (Cyber Crime)ઓ સામેની લડતમાં મોટી સફળતા મળી છે. અદ્યતન બ્લોકચેન એનાલિસિસ અને ટેક્નિકલ ઇન્ટેલિજન્સના આધારે તપાસ કરતાં અધિકારીઓએ અંદાજે ₹226 કરોડથી વધુના આંતરરાષ્ટ્રીય ‘ડર્ટી ક્રિપ્ટો’ (Crypto)નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. પ્રાથમિક તપાસમાં આ નેટવર્કના તાર આતંકવાદી ફંડિંગ, ડ્રગ્સની હેરાફેરી અને ડાર્ક વેબ પર ચાલતી ગેરકાયદે પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા હોવાનું સામે આવ્યું છે.
તપાસમાં શંકાસ્પદ ક્રિપ્ટો Crypto)કરન્સી વોલેટ વિશે માહિતી મળી
તપાસ દરમિયાન અધિકારીઓને એક શંકાસ્પદ ક્રિપ્ટો Crypto)કરન્સી વોલેટ વિશે માહિતી મળી હતી. વધુ તપાસ કરતાં જાણવા મળ્યું કે આ વોલેટ એક વ્યક્તિના KYC દસ્તાવેજોનો દુરુપયોગ કરીને બનાવવામાં આવ્યું હતું. પોલીસના જણાવ્યા મુજબ, વોલેટના સંચાલનમાં સંડોવાયેલા લોકો ગેરકાયદે ક્રિપ્ટો (Crypto) ટ્રાન્ઝેક્શન મારફતે મોટી રકમનું લેવડદેવડ કરતા હતા.

બ્લોકચેન ટ્રેસિંગ દરમિયાન આ વોલેટમાં આશરે 5,000 USDT જમા થયાનું સામે આવ્યું હતું. તપાસ એજન્સીઓના જણાવ્યા મુજબ, આ રકમ એવા ડિજિટલ ટ્રાન્ઝેક્શન સાથે જોડાયેલી હતી જે આંતરરાષ્ટ્રીય સ્તરે શંકાસ્પદ અને પ્રતિબંધિત પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા હોવાનું માનવામાં આવે છે.
આ કેસમાં ભાવનગર જિલ્લાના બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. તેમની સામે ભારતીય ન્યાય સંહિતા (BNS) અને IT Act હેઠળ સંગઠિત ગુનાહિત પ્રવૃત્તિ, કાવતરું, ઓળખની ચોરી અને ઓનલાઈન છેતરપિંડી સહિતની ગંભીર કલમો હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ સાથે જ સમગ્ર કેસમાં અત્યાર સુધી કુલ 10 આરોપીઓ પોલીસના જાળમાં આવી ચૂક્યા છે.
અધિકારીઓના જણાવ્યા અનુસાર, ટેક્નિકલ ટીમે બ્લોકચેન ટ્રાન્ઝેક્શનનો વિશ્લેષણ કરીને સમગ્ર નાણાકીય નેટવર્કનો નકશો તૈયાર કર્યો છે. તેમાં ડાર્ક વેબ મારફતે માદક પદાર્થોની ખરીદી, ગેરકાયદે નાણાંને કાયદેસર (Money Laundering) દેખાડવાના પ્રયાસો અને શંકાસ્પદ ફંડિંગ ચેનલોનો ઉપયોગ થતો હોવાનું સામે આવ્યું છે.
તપાસ એજન્સીઓ હવે ક્રિપ્ટો વોલેટ્સ, એક્સચેન્જ એકાઉન્ટ્સ અને આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર સાથે જોડાયેલા અન્ય લોકોની ભૂમિકા પણ તપાસી રહી છે. પોલીસનું માનવું છે કે આગામી દિવસોમાં વધુ ખુલાસા અને ધરપકડો થઈ શકે છે.
