Rajkot News : રાજકોટ જિલ્લાના ચર્ચિત અમિત ખૂંટ આપઘાત કેસમાં આરોપી રહેલી પૂજા રાજગોર (Pooja Rajgor)નું ગોંડલ નજીક માર્ગ અકસ્માતમાં મોત થયું છે. સાસણની મુલાકાત પૂર્ણ કરીને પરત ફરી રહેલા મિત્રોના જૂથની કાર ગોંડલ તાલુકાના શ્રીનાથગઢ અને મોવિયા ગામ વચ્ચે અકસ્માતનો ભોગ બની હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે કારનો આગળનો ભાગ સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ ગયો હતો.
પ્રાથમિક માહિતી મુજબ, કાળા રંગની સ્કોડા કારમાં મુસાફરી કરી રહેલા લોકો સાસણથી પરત ફરી રહ્યા હતા. દાવત બેવરેજીસ નજીક કારચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા વાહન રોડની બાજુમાં આવેલા વૃક્ષ સાથે ધડાકાભેર અથડાયું હતું. ઘટનામાં 25 વર્ષીય પૂજા રાજગોરનું સ્થળ પર જ મોત થયું હતું, જ્યારે એક બાળકી સહિત ચાર લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.
ચાર લોકો ઈજાગ્રસ્ત
અકસ્માતમાં લાલો સંજયભાઈ વધીયા, નિરાલીબેન ગોહિલ, સંજયભાઈ જાખેલીયા અને પાંચ વર્ષીય ત્રીશાબેન ડાઢીપા ઈજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે. તમામને પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે અન્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
અમિત ખૂંટ કેસથી ચર્ચામાં આવી હતી પૂજા રાજગોર

પૂજા રાજગોર (Pooja Rajgor)નું નામ વર્ષ 2025માં ચર્ચામાં આવેલા અમિત ખૂંટ આપઘાત કેસમાં સામે આવ્યું હતું. પોલીસ તપાસ દરમિયાન આ સમગ્ર મામલામાં કાવતરાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી અને પૂજા રાજગોરને મુખ્ય આરોપી તરીકે ગણવામાં આવી હતી. કેસમાં તેની ધરપકડ કરવામાં આવી હતી અને તેણે અંદાજે બે મહિનાનો જેલવાસ પણ ભોગવ્યો હતો. ત્યારબાદ તેને જામીન મળ્યા હતા.
અકસ્માત પહેલાં સોશિયલ મીડિયા પોસ્ટ ચર્ચામાં
અહેવાલો મુજબ, અકસ્માત (Accident) લગભગ 21 કલાક પહેલાં પૂજા રાજગોરે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક તસવીર શેર કરી હતી. અકસ્માત બાદ આ પોસ્ટ સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બની છે. જોકે, આ પોસ્ટ અને અકસ્માત વચ્ચે કોઈ સીધો સંબંધ હોવાનું સત્તાવાર રીતે સામે આવ્યું નથી.
પોલીસ તપાસ શરૂ

અકસ્માત (Accident) ની જાણ થતાં જ ગોંડલ તાલુકા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડી આગળની કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે. અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા તપાસ ચાલુ છે.
ઉલ્લેખનીય છે કે અમિત ખૂંટે મે 2025માં આપઘાત કર્યો હતો. ત્યારબાદ આ સમગ્ર મામલો રાજ્યભરમાં ચર્ચાનો વિષય બન્યો હતો અને પોલીસ દ્વારા અનેક દિશામાં તપાસ હાથ ધરવામાં આવી હતી.
