Amreli Bagasara Murder Case: અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના મુંજયાસર ગામની સીમમાં એક હૃદયદ્રાવક ઘટના ઘટી છે. જ્યાં સાવકા પુત્રએ આવેશમાં આવીને પોતાના જ પાલક પિતાને મોતને ઘાટ ઉતારી દીધા છે. લોહીના સંબંધો જ્યારે દુશ્મન બની જાય ત્યારે કેવી ભયાનક સ્થિતિ સર્જાય છે તેનો આ કિસ્સો જીવતો પુરાવો છે. પોલીસે ગણતરીના કલાકોમાં જ હત્યારા પુત્રની ધરપકડ કરી લીધી છે.

શું હતી સમગ્ર ઘટના?
મુંજયાસર ગામની સીમમાં આવેલી કિશોરભાઈ પટોળીયાની વાડીમાં એક પરપ્રાંતિય શ્રમિક પરિવાર ખેતમજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવતો હતો. ગત રોજ પરિવારમાં ‘ચા બનાવવા’ જેવી નજીવી બાબતે ઝઘડો થયો હતો. આ સામાન્ય તકરાર જોતજોતામાં એટલી હદે વણસી ગઈ કે આરોપી સુરેશ મસાર ઉશ્કેરાઈ ગયો હતો. તેણે કઈ પણ વિચાર્યા વગર તેના પાલક પિતા રમણભાઈ કટારાના માથાના ભાગે બોથડ પદાર્થ વડે જોરદાર ઘા ઝીંકી દીધો હતો. હુમલો એટલો ઘાતકી હતો કે રમણભાઈનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.
માતા અને બહેનને પણ ન છોડ્યા
આવેશે ભાન ભૂલેલા સુરેશે માત્ર પિતાની હત્યા જ ન કરી, પરંતુ તેને રોકવા વચ્ચે પડેલી પોતાની જ માતા સીતાબેન અને રમણભાઈની પુત્રી અસ્મિતા પર પણ જીવલેણ હુમલો કર્યો હતો. આ હુમલામાં બંને મહિલાઓ ગંભીર રીતે ઘાયલ થઈ હતી, જેમને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.

Bagasara પોલીસની ત્વરિત કાર્યવાહી
હત્યાની જાણ થતા જ અમરેલી ડીવાયએસપી (DySP) ચિરાગ દેસાઈ સહિતના ઉચ્ચ અધિકારીઓ અને બગસરા પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે ગુનો નોંધી આરોપી સુરેશ મસારને ગણતરીના કલાકોમાં દબોચી લીધો છે. હાલમાં પોલીસ દ્વારા આરોપી વિરુદ્ધ હત્યા અને હુમલાની વિવિધ કલમો હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચો: રાજસ્થાનની અંજુ બની નવી સોનમ, લગ્નના ત્રણ મહિના બાદ થયો પતિની હત્યાનો ખુલાસો
આ પણ વાંચો: ‘અમે કોરિયન પ્રેમીઓ છીએ…’ગાઝિયાબાદ ટ્રિપલ આત્મહત્યા કેસમાં મોટા ખુલાસા
આ પણ વાંચો: રાજકોટ શહેરના સ્પીડવેલ પાર્ટી પ્લોટમાં યુવકની હત્યા
