Milk Price Hike May 2026: દેશભરમાં રાંધણ ગેસ અને અન્ય જીવનજરૂરી ચીજવસ્તુઓના વધતા ભાવથી મધ્યમ વર્ગ પહેલેથી જ પરેશાન છે, ત્યારે હવે દૂધના ભાવમાં થયેલા વધારાએ ગૃહિણીઓનું બજેટ ખોરવ્યું છે. ઓડિશા રાજ્ય સહકારી દૂધ ઉત્પાદક ફેડરેશન (OMFED) દ્વારા સમગ્ર રાજ્યમાં દૂધના ભાવમાં પ્રતિ લિટર ₹4નો વધારો કરવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.
નવા ભાવ રવિવારથી જ અમલી
રાજ્યના પશુ સંસાધન વિકાસ મંત્રી ગોકુલાનંદ મલ્લિકના જણાવ્યા અનુસાર, દૂધના પ્રોસેસિંગ અને પરિવહન ખર્ચમાં થયેલા વધારાને કારણે આ નિર્ણય લેવો પડ્યો છે. નવા ભાવ આજથી એટલે કે રવિવારથી જ લાગુ થઈ ગયા છે.
Milk નું નવું ભાવ માળખું
દૂધના ભાવમાં થયેલા વધારા મુજબ, હવે ટોન્ડ મિલ્ક ₹50થી વધીને ₹54 પ્રતિ લિટર (500ml પાઉચના ₹27) થયું છે અને પ્રીમિયમ મિલ્ક ₹54 થી વધીને ₹58 પ્રતિ લિટર (500ml પાઉચના ₹29) પર પહોંચ્યું છે. આ ઉપરાંત, ગોલ્ડ પ્રીમિયમ મિલ્કના ભાવ ₹56 થી વધીને ₹60 પ્રતિ લિટર અને ગોલ્ડ પ્રીમિયમ પ્લસના ભાવ ₹60 થી વધીને હવે ₹64 પ્રતિ લિટર થયા છે.

પશુપાલકો અને ખેડૂતોને શું થશે ફાયદો?
સરકારે સ્પષ્ટતા કરી છે કે આ ભાવ વધારાનો સીધો લાભ પશુપાલકોને પણ આપવામાં આવશે. OMFED હવે ખેડૂતો પાસેથી ગાયનું દૂધ ઊંચા દરે ખરીદશે, જેમાં પ્રતિ લિટર ₹1નો વધારો કરીને નવો ખરીદ ભાવ ₹39.05 નક્કી કરાયો છે. તેવી જ રીતે, ભેંસના દૂધના ખરીદ ભાવમાં પણ પ્રતિ લિટર ₹1.60નો વધારો કરવામાં આવ્યો છે.
ગુણવત્તા સાથે કોઈ બાંધછોડ નહીં
સરકારનું કહેવું છે કે અન્ય બ્રાન્ડેડ કંપનીઓની સરખામણીએ OMFED ના દૂધના ભાવ હજુ પણ વ્યાજબી છે. કિંમતમાં વધારાની સાથે દૂધની ગુણવત્તા અને શુદ્ધતા જળવાઈ રહે તે માટે તંત્ર કટિબદ્ધ છે. પશુપાલકોને પ્રોત્સાહન આપવા અને ડેરી ઉદ્યોગને આર્થિક રીતે ટકાવી રાખવા માટે આ ભાવવધારો અનિવાર્ય હોવાનું વહીવટી તંત્રનું માનવું છે.
