Ahmedabad News : ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (Gujarat ATS)એ રાજ્યમાં સક્રિય હોવાનો આરોપ ધરાવતા એક આતંકી મોડ્યુલ સામે વધુ કાર્યવાહી કરતાં પાંચ શંકાસ્પદ આતંકીઓની ધરપકડ કરી છે. તપાસ એજન્સીનો દાવો છે કે અગાઉ ઝડપાયેલા આઠ આરોપીઓની પૂછપરછ દરમિયાન મળેલી માહિતીના આધારે આ પાંચ લોકો સુધી પહોંચવામાં આવ્યું છે. તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કર્યા બાદ 14 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.

ATSના જણાવ્યા અનુસાર, આતંકીઓએ છેલ્લા ત્રણ વર્ષથી સોશિયલ મીડિયા અને કટ્ટરપંથી સાહિત્યના સંપર્કમાં આવી ઉગ્ર વિચારધારાથી પ્રભાવિત થયા હતા. તપાસ દરમિયાન પ્રતિબંધિત સંગઠન સાથે જોડાયેલું સાહિત્ય, ઝંડા તેમજ ડિજિટલ ડેટા ધરાવતી પેન ડ્રાઇવ પણ મળી આવી હોવાનું જણાવાયું છે.
3 વર્ષમાં 8 સ્થળે બ્લાસ્ટ ટ્રાયલ કર્યાનો આરોપ
તપાસમાં એવો પણ આરોપ છે કે આતંકીઓ મદ્રેસામાં રજાના દિવસોમાં એકત્ર થઈ અવાવરુ વિસ્તારોમાં વિસ્ફોટના પરીક્ષણ કરતા હતા. ATSના દાવા મુજબ છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન અલગ-અલગ સ્થળોએ કુલ આઠ વખત બ્લાસ્ટ ટ્રાયલ કરવામાં આવ્યા હતા, જેમાં કેટલાક પ્રયાસ સફળ રહ્યા હતા જ્યારે કેટલાક નિષ્ફળ ગયા હતા.

ઓનલાઈન માહિતી મેળવી વિસ્ફોટક બનાવવાનો પ્રયાસ
તપાસ એજન્સીના જણાવ્યા મુજબ, આતંકીઓએ ઓનલાઈન માધ્યમથી વિસ્ફોટક બનાવવાની માહિતી મેળવી હતી. બોમ્બ બનાવવા માટે જરૂરી સામગ્રી વિવિધ સ્થળોથી મેળવવામાં આવી હતી અને કેટલીક વસ્તુઓ ઓનલાઈન ખરીદવામાં આવી હોવાનું સામે આવ્યું છે. પરસ્પર સંપર્ક માટે તેઓ ઇન્ક્રિપ્ટેડ ચેટ એપ્લિકેશનનો ઉપયોગ કરતા હોવાનું પણ Gujarat ATSએ જણાવ્યું છે. તેમની પાસેથી પ્રતિબંધિત સંગઠન ‘જૈશ’ (Jaish-e-Mohammed) ના ઝંડા અને મૌલાના મસૂદ અઝહરના સાહિત્યની સાથે બિલાલ નામના શખ્સે અમીરને આપેલી પેન ડ્રાઈવ પણ મળી આવી છે. આ પેન ડ્રાઈવમાંથી આતંકી કિતાબોની પ્રિન્ટ કાઢીને તેનું વેચાણ અને પ્રચાર કરવામાં આવતો હતો.

તપાસ એજન્સીઓ આ તમામ સામગ્રીની ફોરેન્સિક અને ટેક્નિકલ તપાસ કરી રહી છે.પ્રાથમિક તપાસમાં એવી પણ માહિતી સામે આવી રહી છે કે જપ્ત કરાયેલા કેટલાક જેહાદી સાહિત્યમાં કટ્ટરપંથી વિચારધારા ફેલાવવા ઉપરાંત વિસ્ફોટક સામગ્રી અંગેની માહિતી હોવાનો દાવો છે. જોકે, સુરક્ષા કારણોસર તપાસ એજન્સીઓએ તેની વિગત જાહેર કરી નથી.

હાલ સમગ્ર મામલે સુરક્ષા એજન્સીઓ ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે અને આ નેટવર્ક સાથે અન્ય કોણ-કોણ સંકળાયેલા છે તે અંગે પણ તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે
ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાંથી ધરપકડ
Gujarat ATSએ આ ઓપરેશન દરમિયાન પાટણ, બનાસકાંઠા, ભરૂચ અને નવસારી સહિતના વિસ્તારોમાં કાર્યવાહી કરી હતી. ધરપકડ કરાયેલા આતંકીઓમાંથી કેટલાક ઉત્તર ગુજરાતના સિદ્ધપુર અને વડગામ વિસ્તાર સાથે સંકળાયેલા હોવાનું જણાવાયું છે.
ટેરર ફંડિંગ સહિત અનેક મુદ્દે તપાસ
પ્રાથમિક તપાસમાં આતંકીઓને બહારથી આર્થિક મદદ મળ્યાની શંકા પણ વ્યક્ત કરવામાં આવી છે. આ ઉપરાંત અન્ય શંકાસ્પદ વ્યક્તિઓ તથા સંભવિત નેટવર્ક સાથેના સંબંધોની પણ તપાસ ચાલી રહી છે. તપાસ એજન્સી હાલ સમગ્ર મોડ્યુલના અન્ય સભ્યો, ફંડિંગ અને સંભવિત કાવતરાની દિશામાં તપાસ આગળ વધારી રહી છે.
