World News/ નાઇજરના એરપોર્ટ પર હુમલો, 11 સૈનિકો સહિત 13 ના મોત; 22 આતંકીઓને કર્યા ઠાર

નાઇજરની રાજધાની નિયામી(Niamey)ના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર આતંકીઓએ અંધાધૂંધ ગોળીબાર કરતા 11 સૈનિકો સહિત 13 લોકોના મોત થયા છે. સેનાએ જવાબી કાર્યવાહીમાં 22 આતંકવાદીઓને ઠાર કર્યા છે અને 20 શંકાસ્પદોની ધરપકડ કરી છે.

international Top Stories World
Niamey

Niamey Airport Terror Attack: આફ્રિકન દેશ નાઇજરની રાજધાની નિયામીમાંથી એક મોટા અને લોહિયાળ આતંકી હુમલાના સમાચાર સામે આવી રહ્યા છે. ગુરુવારે (18th June) વહેલી સવારે હથિયારોથી સજ્જ આતંકવાદીઓએ નિયામી સ્થિત ‘ડાયોરી હમાની આંતરરાષ્ટ્રીય એરપોર્ટ’ ને નિશાન બનાવીને અંધાધૂંધ ગોળીબાર શરૂ કરી દીધો હતો. નાઇજરના સંરક્ષણ મંત્રાલયના સત્તાવાર નિવેદન અનુસાર, આ ભીષણ હુમલામાં 11 સૈનિકો અને 2 નાગરિકો સહિત કુલ 13 લોકોના મોત નીપજ્યા છે, જ્યારે સુરક્ષા દળોએ જવાબી કાર્યવાહીમાં 22 આતંકવાદીઓને પણ સ્થળ પર જ ઠાર કર્યા છે.

ટેક્સીમાં આવ્યા હતા આતંકીઓ, ચેકપોસ્ટ પર મચાવ્યો આતંક

અહેવાલો મુજબ, આ આતંકવાદી હુમલો સ્થાનિક સમય અનુસાર ગુરુવારે સવારે આશરે 6 વાગ્યે થયો હતો. આત્મઘાતી પેટર્નથી આવેલા હુમલાખોરો એરપોર્ટની મુખ્ય સુરક્ષા ચોકી (ચેકપોસ્ટ) પાસે એક ટેક્સીમાં સવાર થઈને આવ્યા હતા. ટેક્સીમાંથી ઉતરતાની સાથે જ તેમણે ત્યાં તહેનાત સિક્યોરિટી ગાર્ડ્સ અને સુરક્ષા દળો પર આડેધડ ફાયરિંગ શરૂ કરી દીધું હતું. આ ઓચિંતા હુમલા બાદ બંને પક્ષો વચ્ચે સામસામે ભારે ગોળીબાર શરૂ થયો હતો, જે કલાકો સુધી ચાલ્યો હતો અને સમગ્ર વિસ્તાર (Niamey) ગોળીઓના અવાજથી ગુંજી ઉઠ્યો હતો.

સેનાનું મેગા ઓપરેશન, 20 શંકાસ્પદોની ધરપકડ

હુમલાની ગંભીરતાને જોતાં નાઇજરની સેનાએ એરપોર્ટ સંકુલમાં એક વિશાળ આતંકવાદ વિરોધી સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. સૈન્યની કડક જવાબી કાર્યવાહીને પગલે બપોર સુધીમાં સ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણમાં આવી ગઈ હતી અને એરપોર્ટને સુરક્ષિત જાહેર કરાયું હતું. હાલમાં એરપોર્ટ પર હવાઈ ટ્રાફિક અને ફ્લાઈટ્સની અવરજવર સામાન્ય રીતે શરૂ કરી દેવામાં આવી છે. અહેવાલોનુસાર આ ઘટનામાં 4 લોકો ઈજાગ્રસ્ત થયા છે, જ્યારે એરપોર્ટની આસપાસના વિસ્તારોમાંથી આશરે 20 જેટલા શંકાસ્પદ વ્યક્તિઓની ધરપકડ કરીને સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી છે.

5 મહિનામાં Niamey એરપોર્ટ પર બીજો મોટો હુમલો

નોંધનીય છે કે, ચાલુ વર્ષે જાન્યુઆરી 2026 માં થયેલા એક મોટા આતંકી હુમલાના બરાબર 5 મહિના પછી આ બીજી મોટી ઘટના સામે આવી છે. જાન્યુઆરી મહિનામાં પણ આંતરરાષ્ટ્રીય આતંકવાદી સંગઠન ‘ઇસ્લામિક સ્ટેટ’ (IS) સાથે જોડાયેલા એક જૂથે આ એરપોર્ટ સંકુલને નિશાન બનાવ્યું હતું. નિયામી (Niamey) એરપોર્ટ માત્ર નાગરિક ઉડ્ડયન માટે જ નહીં, પરંતુ નાઇજરની (Niamey) સૈન્ય વ્યૂહરચના માટે એક અત્યંત મહત્વપૂર્ણ લશ્કરી થાણું માનવામાં આવે છે. આ એરપોર્ટ સંકુલમાં આતંકવાદ વિરોધી દળ ‘G5 સાહેલ’ (G5 Sahel) નું મુખ્ય મથક આવેલું છે. અહીં રશિયન સૈનિકો અને આધુનિક ડ્રોન એકમો પણ તહેનાત છે. આ ઉપરાંત, આ એરપોર્ટ પર નાઇજરનો કિંમતી યુરેનિયમનો મોટો સ્ટોક પણ સંગ્રહિત કરવામાં આવ્યો છે, જે આ હુમલાનું મુખ્ય કારણ હોઈ શકે છે.


આ પણ વાંચો :ઇઝરાયલે લેબેનોન છોડવું જ પડશે, અમેરિકા-ઇરાન કરાર વચ્ચે વિદેશ મંત્રીની ઇઝરાયલને ચેતવણી

આ પણ વાંચો :ઇન્ડોનેશિયામાં 6.7 ની તીવ્રતાનો કિલર ભૂકંપ! પુલ અને સરકારી ઓફિસો પત્તાના મહેલની જેમ ધરાશાયી

આ પણ વાંચો :ઇતિહાસમાં પહેલીવાર! અમેરિકા-ઈરાન યુદ્ધ અટકાવવા બદલ ઈટાલીના PMએ પાકિસ્તાનની પીઠ થાબડી