Tapi News: દક્ષિણ ગુજરાતમાં સતત વરસી રહેલા ભારે વરસાદની અસર હવે ગ્રામ્ય વિસ્તારોમાં પણ જોવા મળી રહી છે. તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના વડપાડા ગામમાં એક 70 વર્ષીય વડીલના ઘરમાં વરસાદી પાણી ઘૂસી જતાં વહીવટી તંત્રે તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી હતી. સમયસર કરાયેલા રેસ્ક્યૂના કારણે વડીલને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા અને તેમના રહેવા તથા જમવાની પણ પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે.
સોનગઢમાં 70 વર્ષીય વૃદ્ધનું Rescue
તાપી (Tapi)જિલ્લામાં ભારે વરસાદને કારણે સોનગઢ (Songadh)તાલુકાના વડપાડા પ્રાથમિક ઉમરદા ગામના પારસી ફળિયામાં રહેતા 70 વર્ષીય અમૃતભાઈ છીબાભાઈ સોલંકીના ઘરમાં વરસાદી પાણી ઘૂસી ગયા હતા. ઘટનાની જાણ થતાં જ જિલ્લા વહીવટી તંત્ર અને સ્થાનિક ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. પરિસ્થિતિનું મૂલ્યાંકન કર્યા બાદ વડીલને સલામત રીતે ઘરમાંથી બહાર કાઢી સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. વહીવટી તંત્ર દ્વારા અમૃતભાઈ સોલંકીને વડપાડા પ્રાથમિક ઉમરદા પ્રાથમિક શાળામાં આશ્રય આપવામાં આવ્યો છે. અહીં તેમના રહેવાની તેમજ જમવાની સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી છે. પ્રશાસન દ્વારા વરસાદી પરિસ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી તેમની સુરક્ષા અને જરૂરી સુવિધાઓની જવાબદારી લેવામાં આવી છે.
ભારે વરસાદ વચ્ચે તંત્રની કામગીરી
વરસાદી આફત દરમિયાન વહીવટી તંત્ર દ્વારા ઝડપી કાર્યવાહી કરવામાં આવતા એક સંભવિત મોટી દુર્ઘટના ટળી હતી. સ્થાનિક અધિકારીઓ સતત વરસાદી વિસ્તારો પર નજર રાખી રહ્યા છે અને જ્યાં પણ પાણી ભરાવાની સ્થિતિ સર્જાય છે ત્યાં તરત જ રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. તંત્ર દ્વારા નાગરિકોને પણ સાવચેત રહેવા, નીચાણવાળા વિસ્તારોમાં બિનજરૂરી અવરજવર ટાળવા અને જરૂર પડે ત્યારે તાત્કાલિક સ્થાનિક પ્રશાસનનો સંપર્ક કરવાની અપીલ કરવામાં આવી છે.
આ પણ વાંચો:અંબાલાલ પટેલની મોટી આગાહી: આગામી 48 કલાક રાજ્યમાં ભારે વરસાદનું તાંડવ
આ પણ વાંચો:અમદાવાદમાં 24 જુલાઈએ તમામ શાળા-કોલેજો બંધ: ભારે વરસાદની આગાહીને પગલે AMCનો મહત્વનો નિર્ણય
