Banaskantha News : ઉત્તર ગુજરાતમાં સતત વરસી રહેલા ભારે વરસાદની અસર હવે સરહદી વિસ્તારોમાં પણ સ્પષ્ટ જોવા મળી રહી છે. ભારત-પાકિસ્તાન સરહદ નજીક આવેલા બનાસકાંઠા (Banaskantha)ના સુઈગામ તાલુકાના પ્રસિદ્ધ નડાબેટ (Nadabet)ના અફાટ રણમાં વરસાદી પાણી (Desert Flood)ભરાઈ જતાં સમગ્ર વિસ્તાર દરિયા જેવો દેખાઈ રહ્યો છે. સામાન્ય રીતે સૂકું અને રેતાળ દેખાતું આ રણ હાલ પાણીથી છલકાતું હોવાથી અહીં કુદરતનું અનોખું અને મનમોહક સ્વરૂપ જોવા મળી રહ્યું છે.
સરહદનું રણ બન્યું વિશાળ જળાશય

છેલ્લા કેટલાક દિવસોથી પડેલા ભારે વરસાદના કારણે નડાબેટ (Nadabet)ના વિશાળ રણ વિસ્તારમાં ચારે તરફ પાણી ફરી વળ્યું છે. દૂર સુધી માત્ર પાણી જ પાણી જોવા મળતા સમગ્ર વિસ્તાર સમુદ્ર જેવો ભાસી રહ્યો છે. આ દ્રશ્યો સોશિયલ મીડિયામાં પણ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે અને અનેક લોકો આ કુદરતી નજારો જોવા માટે નડાબેટ પહોંચી રહ્યા છે.
ભાભર અને વાવના અનેક વિસ્તારો પાણીમાં ઘેરાયા
બનાસકાંઠાના ભાભર અને વાવ તાલુકામાં પણ ભારે વરસાદને કારણે અનેક ખેતરો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. વાવ વિસ્તારના કેટલાક ગામોમાં ગત રાત્રે અંદાજે 6 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો, જેના કારણે નીચાણવાળા વિસ્તારો બેટમાં ફેરવાઈ ગયા છે. બીજી તરફ સુઈગામ વિસ્તારમાં માત્ર ચાર કલાકમાં લગભગ 3 ઇંચ વરસાદ વરસતાં નડાબેટના રણમાં મોટા પ્રમાણમાં પાણી ભરાઈ ગયું છે.
વરસાદ વચ્ચે પણ BSFના જવાનો ફરજ પર અડગ
ભારે વરસાદ અને પાણી ભરાવાની સ્થિતિ છતાં ભારત-પાકિસ્તાન સરહદ પર તૈનાત BSFના જવાનો સતત પોતાની ફરજ નિભાવી રહ્યા છે. મુશ્કેલ પરિસ્થિતિ હોવા છતાં દેશની સુરક્ષામાં કોઈ ખલેલ ન પડે તે માટે જવાનો સતત સતર્ક રહી સરહદની દેખરેખ રાખી રહ્યા છે.
પ્રવાસીઓ માટે બન્યું આકર્ષણનું કેન્દ્ર

નડાબેટ (Nadabet0માં સર્જાયેલા આ અનોખા દ્રશ્યોને જોવા માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ પહોંચી રહ્યા છે. રણમાં ભરાયેલા વરસાદી પાણીમાં લોકો આનંદ માણી રહ્યા છે અને કુદરતના આ અદભુત રૂપને પોતાના કેમેરામાં કેદ કરી રહ્યા છે. ઠંડા પવન અને પાણીથી ભરાયેલા વિશાળ રણના દ્રશ્યો મુલાકાતીઓને અનોખો અનુભવ કરાવી રહ્યા છે.
કુદરતનું અદ્ભુત સ્વરૂપ કે ચેતવણી?
દર વર્ષે વરસાદ બાદ નડાબેટના કેટલાક વિસ્તારોમાં પાણી ભરાય છે, પરંતુ આ વખતે સર્જાયેલા દ્રશ્યો સામાન્ય કરતાં વધુ વિશાળ અને આકર્ષક છે. એક તરફ આ દ્રશ્યો કુદરતની અદભુત સુંદરતાનો અનુભવ કરાવે છે, તો બીજી તરફ ભારે વરસાદના બદલાતા માહોલ અને તેની અસર અંગે પણ વિચારવા મજબૂર કરે છે.
