New Delhi/ શિક્ષણમંત્રી રાજીનામું ન આપે તો બેઠકનો કોઈ અર્થ નથી: CJP, જંતર-મંતર પર પોલીસનો કડક બંદોબસ્ત; ત્રીજી બેઠક પર સૌની નજર

પેપર લીક મુદ્દે ચાલી રહેલા આંદોલન વચ્ચે કોકરોચ જનતા પાર્ટી (CJP) અને કેન્દ્ર સરકાર વચ્ચે આજે શનિવારે બપોરે 3:30 વાગ્યે ત્રીજી બેઠક યોજાવાની શક્યતા. પોલીસે વધાર્યો બંદોબસ્ત.

India Top Stories Breaking News
CJP

New Delhi News: પેપર લીક મુદ્દે ચાલી રહેલા આંદોલન વચ્ચે કોકરોચ જનતા પાર્ટીઅને કેન્દ્ર સરકાર વચ્ચે આજે શનિવારે બપોરે 3:30 વાગ્યે ત્રીજી બેઠક યોજાવાની શક્યતા છે. બેઠક પહેલા CJPએ સ્પષ્ટ કર્યું છે કે જો કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું નહીં આપે તો સરકાર સાથેની ચર્ચાનો કોઈ અર્થ રહેતો નથી. આ દરમિયાન દિલ્હી પોલીસે જંતર-મંતર વિસ્તારમાં સુરક્ષા વધુ કડક બનાવી બેરિકેડિંગ વધારી દીધું છે.

ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર CJP અડગ

 કોક્રોચ પાર્ટીના પ્રવક્તા આશુતોષ રાંકાએ જણાવ્યું કે આંદોલનકારીઓની મુખ્ય માંગ કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાન (Dharmendra Pradhan)ના રાજીનામાની છે. તેમણે કહ્યું કે સરકાર આ મુદ્દે કોઈ નિર્ણય નહીં લે તો આગામી બેઠક પણ નિષ્ફળ સાબિત થશે. તેમના જણાવ્યા મુજબ ત્રીજી બેઠકમાં સરકાર પોતાના વલણ અંગે સ્પષ્ટતા કરશે.

વળતર અને કેસ પર સરકાર સાથે ચર્ચા

ગઈકાલે યોજાયેલી બેઠક બાદ CJPએ દાવો કર્યો હતો કે સરકારે પેપર લીક (Paper Leak)ના કારણે આત્મહત્યા કરનાર વિદ્યાર્થીઓના પરિવારોને 1 કરોડનું વળતર આપવા અને પ્રદર્શનકારીઓ સામે નોંધાયેલા કેસ પાછા ખેંચવાના મુદ્દે સકારાત્મક વલણ દર્શાવ્યું છે. જોકે, સરકાર તરફથી આ દાવાની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. સંભવિત વિરોધ પ્રદર્શનને ધ્યાનમાં રાખીને દિલ્હી પોલીસે શુક્રવારે મોડી રાત્રે જંતર-મંતર (Jantar Mantar)વિસ્તારમાં વધારાનું બેરિકેડિંગ કર્યું છે. સુરક્ષા દળોની સંખ્યા પણ વધારવામાં આવી છે જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને.

20 જુલાઈના વિરોધ બાદ પોલીસ બંદોબસ્ત વધારાયો

CJPએ અગાઉ ચેતવણી આપી હતી કે જો સરકાર તેમની મુખ્ય માંગ સ્વીકારશે નહીં તો 20 જુલાઈ જેવી કાર્યવાહી ફરી કરવામાં આવશે. 20 જુલાઈએ પ્રદર્શનકારીઓએ સંસદ ભવન તરફ કૂચ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ દિલ્હી પોલીસે પરવાનગી ન આપતાં તેમને રોકવામાં આવ્યા હતા. આ દરમિયાન પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું અને લાઠીચાર્જ પણ કરવામાં આવ્યો હતો.

અભિજીત દીપકેને ટાઇફોઇડ

આંદોલન સાથે જોડાયેલા નેતા અભિજીત દીપકેને ટાઇફોઇડ થયાની માહિતી સામે આવી છે. તેમના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને તબીબી દેખરેખ હેઠળ સારવાર ચાલી રહી હોવાનું જણાવવામાં આવ્યું છે. આજે યોજાનારી ત્રીજી બેઠકમાં સરકાર અને CJP વચ્ચે કોઈ સમાધાન થાય છે કે નહીં તેના પર સૌની નજર છે. જો બેઠકમાં કોઈ સહમતિ નહીં બને તો આંદોલન વધુ ઉગ્ર બનવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.


આ પણ વાંચો: CJP આંદોલન પર વિદેશી ફંડિંગનો આક્ષેપ: NIA તપાસની માગ સાથે દિલ્હી હાઈકોર્ટમાં PIL

આ પણ વાંચો: જંતર-મંતર લાઠીચાર્જ કેસ: દિલ્હી હાઇકોર્ટે કેન્દ્ર અને પોલીસને ફટકારી નોટિસ

આ પણ વાંચો: દિલ્હીના જંતર-મંતર પર પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે ઘર્ષણ, ACP ઘાયલ; 16 મેટ્રો સ્ટેશન બંધ