Gujarat News: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (Bhupendra Patel) શનિવારે મોડી સાંજે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC Gujarat) ની મુલાકાત લઈને રાજ્યમાં વરસાદની સ્થિતિની (Gujarat Rain Update) વિસ્તૃત સમીક્ષા કરી હતી. આ બેઠકમાં મુખ્ય સચિવ શ્રી એમ. કે. દાસ, મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. જયંતિ રવિ અને રાહત કમિશનર શ્રી ગૌરાંગ મકવાણા પણ હાજર રહ્યા હતા.
Bhupendra Patel: ઉત્તર ગુજરાતમાં આગામી 24 કલાક માટે ભારે વરસાદની આગાહી

સમીક્ષા બેઠકમાં જણાવાયું હતું કે આગામી 24 કલાક દરમિયાન ઉત્તર ગુજરાતના પાટણ, મહેસાણા, વાવ-થરાદ અને બનાસકાંઠા જિલ્લામાં વ્યાપક અને ભારે વરસાદની સંભાવના છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સ્થાનિક વહીવટી તંત્રને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે.
NDRF અને SDRFની ટીમો તૈનાત

ભારે વરસાદની આગાહીને (Gujarat Heavy Rain) પગલે અસરગ્રસ્ત થઈ શકે તેવા જિલ્લાઓમાં સ્થાનિક પ્રશાસનની મદદ માટે NDRF અને SDRFની ટીમો મોકલવામાં આવી છે. મુખ્યમંત્રીએ સંબંધિત જિલ્લાના કલેક્ટરોને સતત દેખરેખ રાખવા અને તાત્કાલિક કામગીરી માટે તૈયાર રહેવા નિર્દેશ આપ્યા છે.
દક્ષિણ ગુજરાતમાં રાહત કામગીરી પર ભાર
દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર ઘટતાં હવે ત્યાં રાહત અને પુનર્વસન કામગીરી પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. અસરગ્રસ્ત પરિવારોને કેશ ડોલ્સની ચુકવણી શરૂ કરવામાં આવી છે તેમજ ઘરવખરી સહાય પણ ત્વરિત ધોરણે ચૂકવવાની પ્રક્રિયા શરૂ કરાશે.
308 પશુના મૃત્યુના પ્રાથમિક અહેવાલ
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરને મળેલા પ્રાથમિક અહેવાલ મુજબ ભારે વરસાદને કારણે રાજ્યમાં અત્યાર સુધી 308 પશુના મૃત્યુ નોંધાયા છે. મુખ્યમંત્રીએ પાણી ઓસર્યા બાદ તાત્કાલિક સાફ-સફાઈ, આરોગ્યલક્ષી કામગીરી અને નુકસાનના સર્વે શરૂ કરવા સૂચનાઓ આપી છે.
અનેક જિલ્લાઓમાં સરેરાશ કરતાં વધુ વરસાદ
રાહત કમિશનરે બેઠકમાં જણાવ્યું કે 2025ના જુલાઈ મહિનાના સરેરાશ વરસાદની સરખામણીએ અત્યાર સુધીમાં વલસાડમાં 93 ટકા, નવસારીમાં 97 ટકા, ડાંગમાં 71 ટકા, સુરતમાં 81 ટકા, અમદાવાદમાં 66 ટકા અને અમરેલીમાં 63 ટકા જેટલો વરસાદ નોંધાઈ ચૂક્યો છે.
53.14 ટકા જળસંગ્રહ, 42 હજારથી વધુ લોકોનું સ્થળાંતર
બેઠકમાં જણાવાયું હતું કે રાજ્યના જળાશયોમાં હાલ 53.14 ટકા પાણીનો સંગ્રહ ઉપલબ્ધ છે. ભારે વરસાદને કારણે અત્યાર સુધી સમગ્ર રાજ્યમાં 42,158 લોકોને સુરક્ષિત સ્થળે સ્થળાંતરિત કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો: વલસાડમાં પૂર બાદ ભયાનક તારાજી: વાપીના ઉદ્યોગોને કરોડોનું નુકસાન, 90 ઔદ્યોગિક શેડમાં 10 ફૂટ પાણી
આ પણ વાંચો: પાટણના ચારણકામાં ભારે વરસાદનો કહેર: એશિયાનો સૌથી મોટો સોલાર પાર્ક પાણીમાં ગરકાવ, ભયાવહ દૃશ્યો સામે આવ્યા
આ પણ વાંચો: વલસાડમાં અતિવૃષ્ટિથી અસરગ્રસ્ત 79 પરિવારોને સહાય: 5.37 લાખના ચેકનું વિતરણ
