Gujarat Weather Update: ગુજરાતમાં મેઘરાજાની મહેર યથાવત્ રહેતા હવામાન વિભાગે આજે પણ ભારે વરસાદની આગાહી કરી છે. નાઉકાસ્ટ આગાહી મુજબ 26 જુલાઈના રોજ સવારે 7 વાગ્યાથી 10 વાગ્યા સુધીના ત્રણ કલાક દરમિયાન ઉત્તર ગુજરાતના સરહદી વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદ વરસવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
હવામાન વિભાગે રાજ્યમાં આજે માત્ર બનાસકાંઠા જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. જિલ્લામાં મૂશળધારથી અતિભારે વરસાદની સંભાવનાને પગલે વહીવટી તંત્રને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે અને તમામ તૈયારીઓ સાથે તંત્રને એલર્ટ મોડ પર રાખવામાં આવ્યું છે.
આ ઉપરાંત રાજ્યના પાંચ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જેમાં કચ્છ, પાટણ, સાબરકાંઠા, મહેસાણા અને અરવલ્લી જિલ્લાનો સમાવેશ થાય છે. આ વિસ્તારોમાં ભારે પવન સાથે ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે.
જ્યારે કેટલાક જિલ્લાઓને યેલો ઝોનમાં રાખવામાં આવ્યા છે. જેમાં સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર ઉપરાંત અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, પંચમહાલ તેમજ દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ, તાપી અને ડાંગ જિલ્લાનો સમાવેશ થાય છે.
વલસાડમાં સૌથી વધુ વરસાદ નોંધાયો
છેલ્લા 24 કલાકમાં રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ વલસાડ જિલ્લાના કપરાડામાં નોંધાયો હતો. કપરાડામાં 4.84 ઈંચ વરસાદ ખાબકતા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા અને જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી.
આ ઉપરાંત બનાસકાંઠાના ઓગડ તાલુકામાં 3.86 ઈંચ, ખેડાના નડિયાદમાં 3.31 ઈંચ અને વલસાડના નાનાપોંઢામાં 3 ઈંચથી વધુ વરસાદ નોંધાયો હતો. રાજ્યના 203 તાલુકાઓમાં છેલ્લા 24 કલાક દરમિયાન મેઘમહેર જોવા મળી હતી.
ભારે વરસાદની આગાહીને પગલે આગામી દિવસોમાં પણ લોકોને સતર્ક રહેવા અને જરૂરી સાવચેતી રાખવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.
આ પણ વાંચો: વલસાડમાં પૂર બાદ ભયાનક તારાજી: વાપીના ઉદ્યોગોને કરોડોનું નુકસાન, 90 ઔદ્યોગિક શેડમાં 10 ફૂટ પાણી
આ પણ વાંચો: પાટણના ચારણકામાં ભારે વરસાદનો કહેર: એશિયાનો સૌથી મોટો સોલાર પાર્ક પાણીમાં ગરકાવ, ભયાવહ દૃશ્યો સામે આવ્યા
આ પણ વાંચો: વલસાડમાં અતિવૃષ્ટિથી અસરગ્રસ્ત 79 પરિવારોને સહાય: 5.37 લાખના ચેકનું વિતરણ
