World News/ અમેરિકાના સિએટલ ફૂડ ફેસ્ટિવલમાં અંધાધૂંધ ફાયરિંગ: 2નાં મોત, 2 વર્ષના બાળક સહિત 5 ઘાયલ

અમેરિકાના સિએટલમાં ફૂડ ફેસ્ટિવલમાં ગોળીબારમાં બેનાં મોત, જ્યારે બે વર્ષના બાળક સહિત પાંચ લોકો ઈજાગ્રસ્ત. પોલીસ અને SWAT ટીમ તપાસમાં લાગી.

Breaking News World
Firing

World News:  અમેરિકાના સિએટલ ફૂડ ફેસ્ટિવલ દરમિયાન રવિવારે સાંજે અચાનક થયેલા ગોળીબારે (Firing)ખુશીના માહોલને શોકમાં ફેરવી દીધો હતો. હજારો લોકો ખાવા-પીવાની મજા માણીને ઘરે પરત ફરી રહ્યા હતા એ દરમિયાન અજાણ્યા હુમલાખોરે અંધાધુન ગોળીબાર શરૂ કર્યો હતો. આ ઘટનામાં બે લોકોનાં મોત થયા છે, જ્યારે બે વર્ષના બાળક સહિત પાંચ લોકો ઘાયલ થયા છે. સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી અને પોલીસ તેમજ SWAT ટીમે ઘટનાસ્થળને કોર્ડન કરીને તપાસ શરૂ કરી છે.

ફૂડ ફેસ્ટિવલમાં અચાનક ગોળીબાર (Firing)થી 2નાં મોત

firing
firing-at-food-festival-2-dead

અમેરિકાના વોશિંગ્ટન રાજ્યના સિએટલ શહેરમાં યોજાયેલા સિએટલ ફૂડ ફેસ્ટિવલ (Seattle Food Festival) દરમિયાન રવિવારે સાંજે લગભગ 6 વાગ્યે ગોળીબારની ઘટના બની હતી. સ્પેસ નીડલ નજીક યોજાયેલા લોકપ્રિય ‘બાઇટ ઓફ સિએટલ’ ફૂડ ફેસ્ટિવલના અંતિમ કલાકોમાં થયેલા હુમલામાં બે લોકોનાં ઘટનાસ્થળે જ મોત થયા હતા. સિએટલ ફાયર ડિપાર્ટમેન્ટના જણાવ્યા મુજબ, હુમલામાં બે વર્ષના બાળક સહિત પાંચ લોકો ઘાયલ થયા છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ, ફાયર વિભાગ અને ઇમરજન્સી ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. સમગ્ર વિસ્તારને સીલ કરીને લોકોને ત્યાંથી દૂર રહેવાની અપીલ કરવામાં આવી છે.

બાળક સહિત પાંચ ઈજાગ્રસ્તો સારવાર માટે ખસેડાયા 

સિએટલ ફૂડ ફેસ્ટિવલમાં ઈજાગ્રસ્ત થયેલા તમામ લોકોને હાર્બરવ્યૂ મેડિકલ સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા છે. ઈજાગ્રસ્તોમાં 56 વર્ષીય મહિલાની હાલત ગંભીર હોવાનું જણાવાયું છે. જ્યારે બે વર્ષનું બાળક, 23 વર્ષનો યુવક અને 39 વર્ષની મહિલાની હાલત સ્થિર છે. અન્ય એક 40 વર્ષની મહિલાને સામાન્ય ઈજાઓ પહોંચી છે. પોલીસે હજુ સુધી હુમલાખોરની ઓળખ જાહેર કરી નથી. કોઈની ધરપકડ થઈ છે કે નહીં તે અંગે પણ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી. આરોપી દ્વારા ગોળીબાર (Firing) કોઈને વ્યકિતગત નિશાન બનાવીને કરવામાં આવ્યો હતો કે પછી તેમનો ઈરાદો માત્ર અંધાધૂંધ ગોળીબાર કરીને દહેશત ફેલાવવાનો હતો. તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે.

ફટાકડાનો અવાજ સમજી લોકો ગભરાયા 

ફેસ્ટિવલમાં હાજર લોકોએ જણાવ્યું હતું કે શરૂઆતમાં તેમને લાગ્યું કે કોઈ ફટાકડા ફોડી રહ્યું છે. પરંતુ થોડા જ ક્ષણોમાં લોકો બૂમાબૂમ કરીને દોડવા લાગ્યા અને અફરાતફરી મચી ગઈ હતી. ફૂડ વેન્ડર રોબર્ટો રામિરેઝે જણાવ્યું કે પહેલા ફટાકડા જેવો અવાજ આવ્યો હતો, પરંતુ પછી લોકોને “શૂટર… શૂટર…” કહીને ભાગતા જોઈ સમજાયું કે ગોળીબાર થયો છે.

ઘટનાસ્થળે હાજર હન્ટરે જણાવ્યું કે ગોળીબાર શરૂ થતાં જ તે અને અન્ય લોકો નજીકના  એક મ્યુઝિયમમાં જઈને છુપાઈ ગયા હતા. બીજી તરફ, એસ્ટન વાકોનાબોએ જણાવ્યું કે લોકો એકબીજાને ધક્કા મારીને ભાગી રહ્યા હતા, બાળકોના સ્ટ્રોલર પડી રહ્યા હતા અને સમગ્ર વિસ્તારમાં ચીસો સંભળાઈ રહી હતી.

ગવર્નર અને કોંગ્રેસવુમને ઘટનાની નિંદા કરી

firing
firing-at-food-festival-2-dead

વોશિંગ્ટન રાજ્યના ગવર્નર બોબ ફર્ગ્યુસને જણાવ્યું કે સ્થાનિક પોલીસને મદદ કરવા માટે સ્ટેટ પેટ્રોલ SWAT ટીમને તૈનાત કરવામાં આવી છે. તેમણે મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી અને ઘટનાની સંપૂર્ણ તપાસના આદેશ આપ્યા.

સિએટલનું પ્રતિનિધિત્વ કરતી કોંગ્રેસવુમન પ્રમિલા જયપાલે આ હુમલાને “અકારણ હિંસા” ગણાવીને તેની નિંદા કરી. તેમણે જણાવ્યું કે પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને લોકોને તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી ઘટનાસ્થળથી દૂર રહેવાની અપીલ કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે ‘બાઇટ ઓફ સિએટલ’ ફૂડ ફેસ્ટિવલની શરૂઆત વર્ષ 1982માં થઈ હતી. ત્રણ દિવસ ચાલતા આ લોકપ્રિય કાર્યક્રમમાં દર વર્ષે અંદાજે 3.5 લાખ લોકો ભાગ લે છે. ખાણી-પીણી, સંગીત અને મનોરંજન માટે પ્રખ્યાત આ કાર્યક્રમમાં બનેલી ગોળીબારની ઘટનાએ સમગ્ર અમેરિકાને હચમચાવી દીધું છે.


આ પણ વાંચો: કેનેડાના ટોરોન્ટોમાં ફેસ્ટિવલ દરમિયાન ગોળીબાર, 2નાં મોત

આ પણ વાંચો: અમેરિકામાં વ્હાઇટ હાઉસ નજીક ગોળીબાર, શંકાસ્પદે પોલીસ અધિકારીઓ પર ગોળીબાર કર્યો

આ પણ વાંચો: અમેરિકાના શિકાગોમાં મોટો આતંક! SUV કારમાંથી ભીડ પર અંધાધૂંધ ગોળીબાર, 12 ઘાયલ