India News: NEET પેપર લીક મામલે વિરોધ અને શિક્ષણ વ્યવસ્થામાં સુધારાની માંગ સાથે દિલ્હીના જંતર-મંતર વિસ્તારમાં યોજાયેલા કાકરોચ જનતા પાર્ટી (CJP)ના પ્રદર્શન દરમિયાન થયેલી હિંસા મામલે દિલ્હી પોલીસની તપાસમાં ચોંકાવનારા દાવા સામે આવ્યા છે. પોલીસના જણાવ્યા અનુસાર, એક સપ્તાહ સુધી ચાલેલા આ આંદોલનમાં થયેલા પથ્થરમારા અને હિંસક ઘટનાઓમાં દિલ્હી પોલીસ તથા કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળ (CAPF)ના કુલ 240 જવાનો અને અધિકારીઓ ઘાયલ થયા હતા.
દિલ્હી પોલીસની તપાસ મુજબ, પ્રદર્શન દરમિયાન હાજર રહેલા 2,873 લોકોની ઓળખ AI આધારિત ફેસ રિકગ્નિશન સિસ્ટમ (FRS) કેમેરાની મદદથી કરવામાં આવી હતી. ત્યારબાદ તેમના રેકોર્ડની પોલીસ ડેટાબેઝ સાથે ચકાસણી કરતા 989 લોકોનો અગાઉનો ગંભીર ગુનાહિત ઇતિહાસ હોવાનું સામે આવ્યું હોવાનો પોલીસનો દાવો છે. જેમાં કેટલાક લોકો હિસ્ટ્રીશીટર અને વારંવાર ગુનાઓમાં સંડોવાયેલા હોવાનું પણ જણાવાયું છે.
પોલીસને આશંકા હતી કે વિરોધ પ્રદર્શનની આડમાં કેટલાક અસામાજિક તત્વો અને બહારના ગુનેગારો પણ ભીડમાં સામેલ થયા હોઈ શકે છે. આ શંકાને આધારે પ્રદર્શન સ્થળ અને આસપાસના વિસ્તારોમાં લગાવવામાં આવેલા AI કેમેરા દ્વારા શંકાસ્પદ લોકોની ઓળખ કરવામાં આવી હતી.
તપાસમાં પોલીસના જણાવ્યા પ્રમાણે, ભીડમાં સામેલ કેટલાક લોકો અગાઉ હત્યા, હત્યાના પ્રયાસ, લૂંટ, દુરાચાર, છેડતી અને નશીલા પદાર્થોના કેસોમાં સંડોવાયેલા રહ્યા છે. આંકડા મુજબ, હત્યાના કેસોમાં સંડોવાયેલા 101 લોકોમાંથી 42 લોકો સામે બે કે તેથી વધુ કેસ નોંધાયેલા છે, જ્યારે 12 લોકો સામે 10થી વધુ ગુનાઓ નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે.
આ ઉપરાંત હત્યાના પ્રયાસના 62 આરોપીઓમાંથી 25 લોકો વારંવાર ગુનાઓમાં સામેલ હોવાનું જાણવા મળ્યું છે. લૂંટ અને ડકૈતીના કેસોમાં જોડાયેલા 284 લોકોમાંથી 155 લોકો સામે એકથી વધુ કેસ હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે, જેમાં 31 લોકો સામે 10થી વધુ ગુનાઓ નોંધાયેલા છે.
પોલીસના દાવા મુજબ, મહિલાઓ વિરુદ્ધના ગુનાઓમાં પણ કેટલાક આરોપીઓ અગાઉથી સંડોવાયેલા હતા. બળાત્કાર અને છેડતીના કેસોમાં સામેલ આરોપીઓમાં કેટલાક લોકો પુનરાવર્તિત ગુનાઓ કરતા હોવાનું સામે આવ્યું છે. જ્યારે નશીલા પદાર્થ સંબંધિત કેસોમાં સામેલ 67 લોકોમાંથી 9 લોકો આ પ્રકારના ગુનાઓ ફરી કરતા હોવાનું તપાસમાં જાણવા મળ્યું છે.
દિલ્હી પોલીસ હવે આ સમગ્ર મામલે વધુ તપાસ કરી રહી છે અને હિંસા પાછળ જવાબદાર લોકો તથા કાવતરામાં સામેલ તત્વોની ભૂમિકા શોધી રહી છે. બીજી તરફ, આ દાવાઓ અંગે CJP તરફથી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા હજુ સામે આવી નથી.
આ પણ વાંચો: સરકાર-વિપક્ષ વચ્ચે સહમતિ બાદ, એન્ટી પેપર લીક બિલ પર આજે થશે નિર્ણય
આ પણ વાંચો: “કરારનું પાલન નહીં થાય તો ફરી રસ્તા પર ઉતરીશું”: CJPની સરકારને ચેતવણી, FIR પાછી ખેંચવાની માંગ
આ પણ વાંચો: NEET પેપર લીક કેસમાં ફાસ્ટ ટ્રેક કોર્ટની પ્રથમ સુનાવણી અટકી, CBIના વકીલ હાજર ન રહેતા કાર્યવાહી ટળી
