Surat News: સુરતના સિંગણપોર કોઝવે રોડ સ્થિત નક્ષત્ર સેફ વોલ્ટ ચોરીકાંડ (Surat Nakshatra Safe Vault Case)માં હવે નવો ખુલાસો સામે આવ્યો છે. સિંગણપોર બ્રાન્ચ બાદ હવે નક્ષત્ર સેફ વોલ્ટની વરાછા મીનીબજાર બ્રાન્ચમાંથી પણ કેટલાક લોકરમાંથી સોનું ગાયબ હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે.આ મામલે ચાર લોકરધારકો વરાછા પોલીસ સ્ટેશન પહોંચ્યા છે અને સમગ્ર ઘટનાની તપાસ કરવાની માંગ કરી છે. જેના પગલે પોલીસે પણ તપાસનો વ્યાપ વધાર્યો છે.
Surat Nakshatra Safe Vault Case: સિંગણપોર બ્રાન્ચમાં કરોડોની ચોરીનો ખુલાસો
નક્ષત્ર સેફ વોલ્ટની સિંગણપોર બ્રાન્ચમાં લોકરધારકોની જાણ બહાર લોકર તોડી સોનાના દાગીનાની ચોરી (Surat Nakshatra Safe Vault Case) કરવાના મામલે પોલીસ તપાસ ચાલી રહી છે.પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું કે, 9 લોકરધારકોના લોકરમાંથી અંદાજે રૂ. 3.49 કરોડના 322.5 તોલા સોનાના દાગીના ચોરી કરવામાં આવ્યા હતા.આ કેસમાં પોલીસે મહેશભાઈ ડાહ્યાભાઈ દિયોરા, તેમના બે પુત્રો હર્ષ અને હરિકૃષ્ણ તેમજ ડુપ્લિકેટ ચાવી બનાવનાર મણીભાઈ રાજાભાઈ ચૌહાણની ધરપકડ કરી હતી.
શેર માર્કેટના નુકસાન ભરપાઈ કરવા કાવતરું રચ્યાનો ખુલાસો
પોલીસ તપાસમાં ખુલાસો થયો હતો કે, આરોપી હર્ષને શેર માર્કેટમાં અંદાજે રૂ.3 કરોડનું નુકસાન થયું હતું. આ નુકસાન ભરપાઈ કરવા માટે તેણે પોતાના પિતા અને ભાઈ સાથે મળીને લોકર તોડવાનું કાવતરું રચ્યું હોવાની માહિતી સામે આવી હતી.પોલીસે અગાઉ આરોપીઓ પાસેથી રૂ.15 લાખ રોકડા પણ કબજે કર્યા હતા.
બાયોમેટ્રિક ડેટાના દુરુપયોગનો આક્ષેપ
આ સમગ્ર મામલામાં સૌથી ચોંકાવનારી બાબત તરીકે લોકરધારકોના બાયોમેટ્રિક ડેટાનો મુદ્દો સામે આવ્યો છે.તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, સેફ વોલ્ટ સંચાલકો ગ્રાહકોના બાયોમેટ્રિક ડેટા પોતાના કમ્પ્યુટરમાં સાચવી રાખતા હતા.પોલીસના જણાવ્યા મુજબ, લાંબા સમયથી લોકર ઓપરેટ કરવા ન આવતા ગ્રાહકોને ટાર્ગેટ કરવામાં આવતા હોવાની આશંકા છે.
વરાછા બ્રાન્ચમાં પણ ગ્રાહકોમાં ફફડાટ
સિંગણપોર બ્રાન્ચનું કૌભાંડ બહાર આવ્યા બાદ નક્ષત્ર સેફ વોલ્ટની વરાછા મીનીબજાર બ્રાન્ચના ગ્રાહકોમાં પણ ચિંતા ફેલાઈ હતી.ગ્રાહકોએ પોતાના લોકર તપાસવાનું શરૂ કર્યું હતું. આ દરમિયાન કેટલાક લોકરમાંથી સોનું ગાયબ હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે.
એક ગ્રાહકનું 27 તોલા સોનું ગાયબ હોવાની શંકા
વરાછા પોલીસ સ્ટેશનમાં પહોંચેલા ચાર લોકરધારકોએ તપાસની માંગ કરી છે. પ્રાથમિક માહિતી મુજબ, એક લોકરધારકનું અંદાજે 27 તોલા સોનું ગાયબ હોવાની ગંભીર વિગતો સામે આવી છે. હાલ પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી છે અને અન્ય લોકરધારકો પાસેથી પણ માહિતી મેળવવામાં આવી રહી છે.
સોનું ખરીદનાર બે સોનીઓ સામે કાર્યવાહી
સિંગણપોર ચોરીકાંડ (Surat Nakshatra Safe Vault Case)માં પોલીસે આરોપીઓ પાસેથી સોનું ખરીદનાર બે સોનીઓ સામે પણ કાર્યવાહી કરી છે.કૌશલ ધનેદ્રભાઈ સુપેડા અને ક્રિષ્ના જ્વેલ્સના મિતેષ ભરતભાઈ પારેખની ધરપકડ કરવામાં આવી હતી.પોલીસ તપાસ દરમિયાન બંને પાસેથી રૂ.8 લાખ રોકડા અને 50 ગ્રામ સોનું કબજે કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે.
તપાસનો વ્યાપ વધ્યો
હાલ નક્ષત્ર સેફ વોલ્ટ કેસમાં પોલીસ દ્વારા અલગ અલગ પાસાઓની તપાસ કરવામાં આવી રહી છે. વરાછા બ્રાન્ચમાંથી પણ લોકર ચોરી (Surat Nakshatra Safe Vault Case)ની શંકા સામે આવતા હવે તપાસ વધુ વિસ્તૃત બની છે.આગામી દિવસોમાં વધુ લોકરધારકોની ફરિયાદો અને નવા ખુલાસા સામે આવે તેવી શક્યતા છે.
આ પણ વાંચો:સુરત સિંગણપોર નક્ષત્ર સેફ વોલ્ટમાં ચોરીની આશંકા, લોકરધારકોમાં હાહાકાર; પોલીસ તપાસ શરૂ
આ પણ વાંચો:સુરતના ઉત્રાણમાં ચાની દુકાનમાં ચોરી અને તોડફોડ, CCTVના આધારે પોલીસે તપાસ શરૂ કરી
