Rajkot News : રાજકોટની નવયુગ સ્કૂલ દ્વારા આયોજિત શૈક્ષણિક પ્રવાસ દરમિયાન એક હૃદયદ્રાવક ઘટના બની છે. સાસણ નજીક આવેલા ‘ધ ગીર ગેટ વે રિસોર્ટ’માં સ્વિમિંગ પૂલમાં નહાવા ગયેલા ધોરણ-8ના 13 વર્ષીય વિદ્યાર્થી હાર્દિક બારૈયાનું ડૂબી જવાથી મોત થયું છે. આ ઘટનાએ હસતા-રમતા બાળકોના પ્રવાસને પળભરમાં શોકમાં ફેરવી દીધો છે.
રાજકોટના 157 વિદ્યાર્થીઓ અને 12 શિક્ષકો સાથે પ્રવાસ
રાજકોટના હાથીખાના વિસ્તારમાં આવેલી નવયુગ સ્કૂલના ધોરણ 5થી 12ના કુલ 157 વિદ્યાર્થીઓ અને 12 શિક્ષકો સોમનાથ, સાસણ અને દેવળિયાના પ્રવાસે ગયા હતા. 19 ડિસેમ્બરે સોમનાથ દર્શન બાદ પરત ફરતી વખતે બપોરે આશરે 12 વાગ્યે તેઓ સાસણ-તાલાલા રોડ પર આવેલા રિસોર્ટમાં ભોજન અને વિરામ માટે રોકાયા હતા.

રાજકોટના વિદ્યાર્થીનું સ્વિમિંગ પૂલમાં મોત
ભોજન બાદ વિદ્યાર્થીઓ સ્વિમિંગ પૂલમાં નહાતા હતા હતા ત્યારે હાર્દિક મુકેશભાઈ બારૈયા અચાનક પાણીમાં ગરકાવ થઈ ગયો. શિક્ષકો અને રિસોર્ટના સ્ટાફે તાત્કાલિક તેને બહાર કાઢી તાલાલા સરકારી હોસ્પિટલ લઈ ગયા, પરંતુ ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો.

રાજકોટથી દોડી આવેલા માતા-પિતાનું હોસ્પિટલમાં આક્રંદ
ઘટનાની જાણ થતાં જ હાર્દિકના માતા-પિતા રાજકોટથી તાલાલા દોડી આવ્યા. હોસ્પિટલમાં પોતાના લાડકવાયા દીકરાનો મૃતદેહ જોઈ તેઓ તૂટી પડ્યા. “દીકરા ઊભો થા… જો પપ્પા આવી ગયા” — પિતાના આ શબ્દોએ ત્યાં હાજર સૌને ભાવુક કરી દીધા. હાર્દિક બે બહેનોનો એકનો એક ભાઈ હતો અને તેના પિતા કેમિકલ ફેક્ટરીમાં મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા.
શિક્ષકો પર બેદરકારીના આક્ષેપ
પરિવારજનોએ સ્કૂલના શિક્ષકો પર ગંભીર બેદરકારીના આક્ષેપ કર્યા છે. પરિવારનું કહેવું છે કે આટલી મોટી સંખ્યામાં બાળકો હોવા છતાં સ્વિમિંગ પૂલ પાસે પૂરતી દેખરેખ કેમ રાખવામાં આવી નહોતી. હોસ્પિટલમાં શિક્ષકો સામે આવતા મૃતકના મામાનો ગુસ્સો ફાટી નીકળ્યો હતો, જોકે પોલીસે સમયસર હસ્તક્ષેપ કરી સ્થિતિ કાબૂમાં લીધી હતી.

પોલીસ તપાસ અને CCTV ફૂટેજની માંગ
ઘટનાની ગંભીરતા જોતા વિસાવદર ACP રોહિત ડાંગર, તાલાલા મામલતદાર અને પોલીસ ઇન્સ્પેક્ટર સહિતનો કાફલો હોસ્પિટલ પહોંચ્યો હતો. મૃતકના પિતાએ પોલીસ સમક્ષ માંગ કરી છે કે રિસોર્ટના CCTV ફૂટેજ તપાસવામાં આવે અને તેમનો પુત્ર પૂલમાં કેવી રીતે પહોંચ્યો તેની સંપૂર્ણ તપાસ કરીને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવે.
આ પણ વાંચો: પાટણ સિધ્ધપુરમાં ન.પા.ના સ્વિમીંગ પૂલમાં સગીરનું ડૂબી જતા મોત
આ પણ વાંચો: અડાલજ કેનાલમાં દિકરીના ગોરોના ઝવેરા પધરાવવા ગયેલા ડોક્ટરનું ડૂબી જવાથી મોત, દિકરીએ ડૂબતા પિતાને જોઈને બૂમાબૂમ કરી
આ પણ વાંચો: પાંડવ કુંડમાં નાહવા પડેલાં વિદ્યાર્થીઓના ડૂબી જવાથી મોત
