india news/ પરીક્ષા સુધારા બિલ 2026 સંસદમાં પાસ, PM મોદીએ કહ્યું- પરીક્ષા વ્યવસ્થા પર ફરી વિશ્વાસ વધશે

Paper Leak Law India: પેપર લીક અને પરીક્ષા ગેરરીતિઓ રોકવા માટેનું જાહેર પરીક્ષા સુધારા બિલ 2026 સંસદમાં પાસ થયું. PM મોદી કહ્યું કે નવા કાયદાથી પરીક્ષા વ્યવસ્થામાં પારદર્શિતા વધશે અને વિદ્યાર્થીઓનો વિશ્વાસ ફરી મજબૂત બનશે.

India Top Stories
Paper Leak Law india:

 Paper Leak Law India: જાહેર પરીક્ષાઓમાં થતી ગેરરીતિઓ અને પેપર લીક જેવી ઘટનાઓને રોકવા માટે લાવવામાં આવેલું જાહેર પરીક્ષા (અન્યાયી માધ્યમો નિવારણ) સુધારા બિલ, 2026 સંસદના બંને ગૃહોમાં પાસ થઈ ગયું છે. હવે બિલ રાષ્ટ્રપતિની મંજૂરી માટે મોકલવામાં આવશે.

રાજ્યસભામાં વિપક્ષના વોકઆઉટ વચ્ચે ધ્વનિ મતથી બિલને મંજૂરી આપવામાં આવી હતી, જ્યારે લોકસભામાં પણ બુધવારે આ બિલ પસાર થયું હતું. સરકારનું કહેવું છે કે આ કાયદો વિદ્યાર્થીઓના હિતોનું રક્ષણ કરશે અને જાહેર પરીક્ષા વ્યવસ્થાને વધુ પારદર્શક અને વિશ્વસનીય બનાવશે.

કેન્દ્રીય રાજ્યમંત્રી ડૉ. જીતેન્દ્ર સિંહે બિલ રજૂ કરતા જણાવ્યું હતું કે, આ કાયદો માત્ર પેપર લીક સુધી મર્યાદિત નથી, પરંતુ જાહેર પરીક્ષાઓમાં થતી તમામ પ્રકારની અન્યાયી પ્રવૃત્તિઓ સામે કાર્યવાહી કરશે. તેમાં પ્રશ્નપત્ર અને ઉત્તર કી લીક, ઉત્તરપત્રોમાં ચેડાં, કમ્પ્યુટર સિસ્ટમ સાથે છેડછાડ, નકલી વેબસાઇટ અને પ્રવેશ કાર્ડ બનાવવાના ગુનાઓનો સમાવેશ થાય છે.

પેપર લીક કરનારાઓને 10 વર્ષ સુધીની સજા

નવા કાયદામાં પરીક્ષામાં અન્યાયી માધ્યમોનો ઉપયોગ કરનારાઓ માટે 5થી 10 વર્ષની જેલ અને ₹50 લાખ સુધીના દંડની જોગવાઈ કરવામાં આવી છે. જ્યારે સંગઠિત રીતે પરીક્ષા કૌભાંડ ચલાવનારાઓ સામે 7થી 10 વર્ષની જેલ અને ₹10 કરોડ સુધીના દંડની જોગવાઈ છે.

આ ઉપરાંત પરીક્ષા આયોજક સેવા પ્રદાતાઓ માટે પણ કડક નિયમો બનાવવામાં આવ્યા છે. સેવા પ્રદાતાઓને ₹5 કરોડ સુધીનો દંડ થઈ શકે છે અને તેમને 8 વર્ષ સુધી પરીક્ષા યોજવા પર પ્રતિબંધ લાગી શકે છે. કંપનીના ડિરેક્ટરો અને મેનેજમેન્ટ સામે પણ 5થી 10 વર્ષની જેલ તથા ₹5 કરોડ સુધીના દંડની જોગવાઈ છે.

ઝડપી તપાસ માટે ફાસ્ટ ટ્રેક કોર્ટની રચના

બિલમાં પરીક્ષા ગેરરીતિઓના કેસ માટે વિશેષ ફાસ્ટ ટ્રેક કોર્ટ બનાવવાની જોગવાઈ કરવામાં આવી છે. ચાર્જશીટ દાખલ થયાની તારીખથી બે મહિનામાં તપાસ અને ત્રણ મહિનામાં ટ્રાયલ પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.

જરૂરિયાત મુજબ કેસોની તપાસ માટે વિશેષ સરકારી વકીલની નિમણૂક કરવામાં આવશે અને સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (STF) અથવા કેન્દ્રીય એજન્સીને પણ તપાસ સોંપી શકાશે.

વિપક્ષનો વિરોધ, રાજ્યસભામાં વોકઆઉટ

બિલ પર ચર્ચા દરમિયાન વિપક્ષે સરકારની નીતિઓ પર સવાલ ઉઠાવ્યા હતા. કોંગ્રેસ અધ્યક્ષ અને વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ આરોપ લગાવ્યો કે આ બિલ માત્ર સજામાં વધારો કરે છે, પરંતુ પરીક્ષા વ્યવસ્થામાં મૂળભૂત સુધારા લાવતું નથી.

વિપક્ષે પરીક્ષા આયોજકોની જવાબદારી નક્કી કરવાની, રાષ્ટ્રીય પરીક્ષણ એજન્સી (NTA)માં સુધારા કરવાની અને શિક્ષણ તથા ભરતી વ્યવસ્થામાં મોટા ફેરફારો કરવાની માંગ કરી હતી. તેમજ રાજ્યસભામાં ગૃહમંત્રી અમિત શાહની હાજરીની માંગ ન સ્વીકારાતા કોંગ્રેસ સહિતના વિપક્ષી સાંસદોએ વોકઆઉટ કર્યો હતો.

સરકારનો દાવો- 76 ટકા ભલામણો લાગુ થઈ

ડૉ. જીતેન્દ્ર સિંહે વિપક્ષના આરોપોનો જવાબ આપતા કહ્યું કે પરીક્ષા સુધારણા માટે બનાવવામાં આવેલી રાધાકૃષ્ણન સમિતિની 76 ટકા ભલામણો પહેલાથી જ લાગુ કરવામાં આવી છે.

તેમણે જણાવ્યું કે પેપર લીકની સમસ્યા કોઈ એક રાજ્ય કે પક્ષ પૂરતી મર્યાદિત નથી. સરકાર જાહેર પરીક્ષાઓમાં પારદર્શિતા લાવવા માટે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી રહી છે.

PM મોદીએ બિલને ગણાવ્યું ઐતિહાસિક પગલું

જાહેર પરીક્ષા સુધારા બિલ પાસ થયા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો સંદેશ દ્વારા તેને દેશ માટે ઐતિહાસિક ક્ષણ ગણાવી હતી. તેમણે કહ્યું કે દેશના યુવાનોના ભવિષ્ય સાથે કોઈ સમાધાન કરવામાં આવશે નહીં અને પરીક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત, પારદર્શક અને વિશ્વસનીય બનાવવા માટે સરકાર સતત પગલાં લેશે.

નવો કાયદો લાગુ થયા બાદ UPSC, SSC, બેંકિંગ પરીક્ષાઓ સહિતની વિવિધ જાહેર પરીક્ષાઓમાં ગેરરીતિઓ સામે વધુ કડક કાર્યવાહી થઈ શકશે.


આ પણ વાંચો: PM મોદીના NEET Paper Leak સંબોધનનો વીડિયો Facebook પરથી હટ્યો, વિવાદ બાદ METAએ માફી માગી

આ પણ વાંચો: NDA સંસદીય દળની બેઠક આજે, સંસદ સત્રની રણનીતિ અને NEET મુદ્દે થશે ચર્ચા

આ પણ વાંચ: NEET પેપર લીક મુદ્દે મોદી સરકાર સામે કોક્રોચનો હુમલો: ‘આ તો હાડકું ભાંગ્યું હોય ત્યાં બેન્ડ-એડ લગાવવા જેવું’