Ahmedabad News/ AMCની મુખ્ય ઓફિસ જ બની જોખમનું ઘર! જર્જરિત B બ્લોકમાં 15 વિભાગો કાર્યરત, લિફ્ટ પણ બંધ

અમદાવાદ મહાનગરપાલિકાની દાણાપીઠ મુખ્ય ઓફિસ (AMC Head Office)નો B બ્લોક જર્જરિત હાલતમાં છે. 50 વર્ષ જૂની બિલ્ડિંગમાં એસ્ટેટ, ટેક્સ સહિત 15 વિભાગો કાર્યરત છે, જ્યારે લિફ્ટ બંધ હોવાથી નાગરિકો પરેશાન છે.

Top Stories Ahmedabad Gujarat Breaking News
AMC Head Office: નાગરિકોને નોટિસ આપતી AMCની પોતાની ઓફિસ જ જર્જરિત

Ahmedabad News: અમદાવાદ મહાનગરપાલિકા (AMC) શહેરમાં જર્જરિત અને જોખમી ઇમારતો સામે ચોમાસા દરમિયાન કાર્યવાહી કરે છે. જોખમી મકાનોને નોટિસ આપી ખાલી કરાવવાની કામગીરી કરતી AMCની પોતાની જ મુખ્ય ઓફિસ (AMC Head Office) બિલ્ડિંગ હવે ચર્ચામાં આવી છે.

અમદાવાદના દાણાપીઠ વિસ્તારમાં આવેલી મહાનગરપાલિકાની મુખ્ય કચેરીના B બ્લોકની બિલ્ડિંગનો એક ભાગ જર્જરિત હાલતમાં હોવાની સ્થિતિ સામે આવી છે. આ બિલ્ડિંગમાં અનેક મહત્વપૂર્ણ વિભાગોની ઓફિસો કાર્યરત છે, જેના કારણે અહીં દરરોજ મોટી સંખ્યામાં કર્મચારીઓ અને નાગરિકોની અવરજવર રહે છે.

AMC Head Office: 50 વર્ષ જૂના B બ્લોકને રીપેરિંગની જરૂર

AMCની મુખ્ય ઓફિસ (AMC Head Office)માં કુલ ત્રણ બ્લોક આવેલા છે. જેમાં A બ્લોક હેરિટેજ બિલ્ડિંગ છે, જ્યાં હાલ રિનોવેશનનું કામ ચાલી રહ્યું છે. આ કામગીરી માટે મહાનગરપાલિકા દ્વારા અંદાજે રૂ.10 કરોડનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે.

જ્યારે B બ્લોક અંદાજે 50 વર્ષ જૂનું છે. સ્ટ્રક્ચર રિપોર્ટમાં આ બિલ્ડિંગમાં રીપેરિંગની જરૂરિયાત હોવાનું સામે આવ્યું છે. હવે આ બિલ્ડિંગનું સમારકામ કરવું કે પછી નવી બિલ્ડિંગ બનાવવી તે અંગે વિચારણા ચાલી રહી છે.AMCના અધિકારીઓના જણાવ્યા મુજબ, જૂની બિલ્ડિંગ હોવાથી તેની મજબૂતી અને ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવામાં આવશે.

B અને C બ્લોક વચ્ચેનો ભાગ સૌથી વધુ જોખમી

B અને C બ્લોકને જોડતી સીડી પાસે બિલ્ડિંગનો એક ભાગ ખૂબ જ જર્જરિત સ્થિતિમાં હોવાનું સામે આવ્યું છે. આ ભાગમાંથી લોકોની અવરજવર રહેતી હોવાથી જોખમ વધી ગયું છે.બિલ્ડિંગના કેટલાક ભાગમાં તૂટેલા પોપડા અને છતના ભાગો જોવા મળી રહ્યા છે. જૂની ઓફિસ (AMC Head Office) તરફનો વિસ્તાર પણ નબળી સ્થિતિમાં હોવાથી ત્યાંથી પસાર થવાનું ટાળવામાં આવે છે.જો સમયસર સમારકામ અથવા જરૂરી કાર્યવાહી નહીં કરવામાં આવે તો કર્મચારીઓ અને મુલાકાતીઓની સુરક્ષા સામે પ્રશ્નો ઉભા થઈ શકે છે.

એસ્ટેટ, નગર વિકાસ અને ટેક્સ સહિત 15 વિભાગો કાર્યરત

AMCના B બ્લોકમાં શહેરના મહત્વપૂર્ણ વિભાગોની ઓફિસો આવેલી છે. જેમાં એસ્ટેટ, નગર વિકાસ, ટેક્સ સહિતના લગભગ 15 જેટલા વિભાગો કાર્યરત છે.વિશેષ વાત એ છે કે શહેરની જર્જરિત મિલકતો સામે કાર્યવાહી કરનારા વિભાગોની ઓફિસ (AMC Head Office) પણ આ જ બિલ્ડિંગમાં આવેલી છે.

લિફ્ટ બંધ, પાંચમા માળ સુધી જવા લોકો પરેશાન

B બ્લોકની લિફ્ટ પણ હાલ બંધ કરી દેવામાં આવી છે. જેના કારણે પાંચ માળ સુધી આવેલી ઓફિસોમાં જવા માટે કર્મચારીઓ અને નાગરિકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.ખાસ કરીને ટેક્સ વિભાગની ઓફિસ પાંચમા માળે આવેલી છે, જ્યાં સૌથી વધુ લોકોની અવરજવર રહે છે. લિફ્ટ બંધ હોવાને કારણે વડીલો અને નાગરિકોને સીડીનો સહારો લેવો પડી રહ્યો છે.

C બ્લોકમાં મહત્વપૂર્ણ અધિકારીઓની ઓફિસ

AMCની મુખ્ય કચેરીના C બ્લોકમાં મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, મ્યુનિસિપલ કમિશનર અને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સહિતના અધિકારીઓની ઓફિસો આવેલી છે.જ્યારે B બ્લોકમાં મોટાભાગના વહીવટી વિભાગોના કર્મચારીઓ કામ કરે છે.

હવે AMC સામે પોતાની જ બિલ્ડિંગની સુરક્ષાનો પડકાર

શહેરમાં જોખમી ઇમારતો સામે કાર્યવાહી કરતું AMC તંત્ર હવે પોતાની જ મુખ્ય ઓફિસ (AMC Head Office)ના જર્જરિત ભાગને લઈને સવાલોના ઘેરામાં આવ્યું છે. કર્મચારીઓ અને નાગરિકોની સુરક્ષા માટે બિલ્ડિંગનું ઝડપથી રીપેરિંગ અથવા યોગ્ય નિર્ણય લેવો જરૂરી બન્યો છે.


આ પણ વાંચો:રથયાત્રા પહેલાં દરિયાપુરમાં MLA કૌશિક જૈનના જૂના કાર્યાલયને AMCની નોટિસ, જાણો કારણ

આ પણ વાંચો:AMCની મોટી કાર્યવાહી, 4,850 કિલો શંકાસ્પદ ગાયનું ઘી જપ્ત; રૂ.31.81 લાખનો જથ્થો સીઝ

આ પણ વાંચો:અમદાવાદમાં ફાયર સેફ્ટી અને નિયમોના નામે AMCની કડક કાર્યવાહી, 50થી વધુ PG સીલ, યુવક-યુવતીઓ રસ્તા પર ઉતર્યા