Ahmedabad News: શહેરના વ્યસ્ત ઈસ્કોન ક્રોસ રોડ વિસ્તારમાં જાહેર પરિવહન સેવા અચાનક ખોરવાઈ જતા મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. BRTS કોરિડોરમાં AMTS અને BRTS બસના ડ્રાઈવરો વચ્ચે ઓવરટેક કરવાના મુદ્દે બોલાચાલી (Ahmedabad AMTS BRTS Driver Fight) બાદ મામલો ઉગ્ર બન્યો હતો. સ્થિતિ એવી બની કે AMTS બસનો ડ્રાઈવર બસને કોરિડોરમાં જ મૂકીને ચાલ્યો ગયો હતો. આ પછી કેટલાક BRTS બસ ડ્રાઈવરોએ પણ બસો રોકી દીધી હતી અને મુસાફરોને બસમાંથી નીચે ઉતારી દેવામાં આવ્યા હોવાની માહિતી સામે આવી છે. સવારના સમયે બનેલી આ ઘટનાને કારણે નોકરી-ધંધા માટે નીકળેલા અનેક મુસાફરો મુશ્કેલીમાં મુકાયા હતા.
રોંગ સાઈડથી ઓવરટેકના પ્રયાસ બાદ વિવાદ
મળતી માહિતી પ્રમાણે, ઈસ્કોન ક્રોસ રોડ પાસેના BRTS કોરિડોરમાં AMTS બસના ડ્રાઈવરે રોંગ સાઈડથી આગળ નીકળીને ઓવરટેક કરવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન BRTS બસના ડ્રાઈવર સાથે તેની બોલાચાલી થઈ હતી. પ્રાથમિક વિગતો મુજબ, BRTS ડ્રાઈવરે AMTS બસના ચાલકને રોંગ સાઈડમાં ઓવરટેક કરવા બદલ ઠપકો (Ahmedabad AMTS BRTS Driver Fight) આપ્યો હતો. ત્યારબાદ બંને વચ્ચેનો વિવાદ વધુ ઉગ્ર બન્યો હતો અને જાહેર પરિવહનના કોરિડોરમાં જ માથાકૂટની સ્થિતિ સર્જાઈ હતી.
AMTS બસ કોરિડોરમાં મૂકીને ડ્રાઈવર જતો રહ્યો
વિવાદ વધ્યા બાદ AMTS બસના ડ્રાઈવરે પોતાની બસ BRTS કોરિડોરમાં જ મૂકી દીધી અને ત્યાંથી ચાલ્યો ગયો હોવાની માહિતી છે. બસ કોરિડોરમાં ઊભી રહી જતાં અન્ય બસોની અવરજવરને પણ અસર થઈ હતી. આ ઘટનાના કારણે સ્થિતિ વધુ વણસી હતી અને BRTS સેવામાં પણ વિક્ષેપ સર્જાયો હતો.
અન્ય ડ્રાઈવરોએ બસો રોકી, મુસાફરો પરેશાન
AMTS બસનો ડ્રાઈવર બસ છોડીને જતો રહેતાં વિવાદ (Ahmedabad AMTS BRTS Driver Fight) વધુ ગંભીર બન્યો હતો. ત્યારબાદ અન્ય BRTS બસ ડ્રાઈવરોએ પણ બસો રોકી દીધી હતી. બસો રોકી દેવામાં આવતા તેમાં સવાર મુસાફરોને અધવચ્ચે જ નીચે ઉતરી જવાની ફરજ પડી હતી. ખાસ કરીને સવારના સમયે ઓફિસ, નોકરી અને ધંધાના કામે જતા મુસાફરોને અચાનક જાહેર પરિવહન સેવામાં પડેલા વિક્ષેપને કારણે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. જાહેર પરિવહનના કર્મચારીઓ વચ્ચેના વિવાદની સીધી અસર સામાન્ય મુસાફરો પર પડતાં ઘટનાને લઈને રોષની લાગણી પણ જોવા મળી હતી.
Ahmedabad AMTS BRTS Driver Fight: પોલીસ અને અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા
ઈસ્કોન ક્રોસ રોડ જેવા વ્યસ્ત વિસ્તારમાં બસો અટકી જતાં અને મુસાફરોને રસ્તા પર ઉતારવામાં આવતાં પરિસ્થિતિ ગંભીર બનવાની શક્યતા ઊભી થઈ હતી. ત્યારબાદ સમગ્ર મામલે પોલીસને જાણ કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં AMTS તથા અમદાવાદ જનમાર્ગ લિમિટેડ (BRTS)ના અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. અધિકારીઓ અને પોલીસ દ્વારા સ્થિતિને કાબૂમાં લેવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા અને જાહેર પરિવહન સેવા તથા વાહનવ્યવહાર સામાન્ય કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
ડ્રાઈવરોના વર્તન સામે સવાલ
જાહેર પરિવહન સેવામાં મુસાફરોની સલામતી અને સમયસર સેવા સૌથી મહત્વની હોય છે. ત્યારે ડ્રાઈવરો વચ્ચેના વિવાદ (Ahmedabad AMTS BRTS Driver Fight)ને કારણે બસ સેવા રોકાઈ જવાથી સામાન્ય મુસાફરોને મુશ્કેલી ભોગવવી પડી હતી.હાલ સમગ્ર ઘટનામાં ચોક્કસ રીતે કોની ભૂલ હતી અને બસ ડ્રાઈવરો સામે કોઈ કાર્યવાહી કરવામાં આવશે કે કેમ તે અંગે સંબંધિત વિભાગ દ્વારા વધુ તપાસ બાદ નિર્ણય લેવામાં આવે તેવી શક્યતા છે.
આ પણ વાંચો:AMTS અને BRTS માટે એક ટિકિટ અમલી બનાવવા તંત્રનું આયોજન
આ પણ વાંચો:અમદાવાદ માટે માઠા સમાચાર, AMTS અને BRTSની મુસાફરી પડશે મોંઘી !
