Ahmedabad News : અમદાવાદ શહેરમાં 15 સપ્ટેમ્બરના રોજ સવારના સમયે અકસ્માત (Accident)ના બે અલગ-અલગ બનાવો સામે આવ્યા છે. પાલડીના અંજલિ બ્રિજ (Anjali Bridge)નજીક બાઇક ઓવરટેક કરવા જતાં ટ્રકની નીચે આવી જવાથી એક યુવકનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું છે, જ્યારે એસ.જી. હાઈવે પર ઇસ્કોન બ્રિજ પાસે પૂરઝડપે જતી કાર ડાયવર્ઝન સાથે અથડાતાં કારનો બુકડો બોલી ગયો હતો.
Accident : અંજલિ બ્રિજ પર અકસ્માતમાં 1 યુવકનું સ્થળ પર મોત
પાલડી વિસ્તારમાં આવેલ અંજલિ બ્રિજ પાસે એક આઇસર ટ્રક જઈ રહી હતી. તે જ સમયે રોંગ સાઈડમાંથી અન્ય એક ટ્રક પણ આવી રહી હતી. આઇસર પાછળ બાઇક પર જઈ રહેલા બે યુવકોએ આઇસરનો ઓવરટેક કરવાનો પ્રયાસ કર્યો હતો, જેથી સામેથી આવતી ટ્રક સાથે બાઇકની ભયાનક ટક્કર થઈ હતી.આ ઘટનામાં બાઇકચાલક યુવકનું સ્થળ પર જ મોત થયું છે, જ્યારે પાછળ બેઠેલા યુવકને ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડાયો છે.અકસ્માત બાદ ફરાર થવાનો પ્રયાસ કરી રહેલા ટ્રકચાલક સામે એન ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ઇસ્કોન બ્રિજ પર ઓવરસ્પીડ કાર ડાયવર્ઝન સાથે અથડાઈ
એસ.જી. હાઈવે (SG Highway)પર વાઇડ એન્ગલ સામે ઇસ્કોન બ્રિજ ઉપર વહેલી સવારે અંદાજે 3:30 વાગ્યે અકસ્માત સર્જાયો હતો. આનંદનગરના 20 વર્ષીય હેત પરીખ નામનો યુવક ગાંધીનગરથી પોતાની કાર લઈને ઘરે જઈ રહ્યો હતો.પૂરઝડપે વાહન ચલાવતી વખતે કાર પરથી સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતાં કાર બ્રિજ પર મૂકેલા લોખંડના ડાયવર્ઝન પતરા સાથે ધડાકાભેર અથડાઈ હતી.અકસ્માતમાં કારના બોનેટ, બમ્પર અને સાઈડ બોડીનો કચડઘાણ વળી ગયો હતો, પરંતુ સદનસીબે ચાલકને કોઈ ગંભીર ઈજા થઈ ન હતી. ટ્રાફિક પોલીસે પૂરઝડપે વાહન ચલાવવા બદલ કારચાલક સામે ફરિયાદ નોંધી છે.
આ પણ વાંચો :કેદારનાથથી પરત ફરતી વેળાએ ભૂસ્ખલન, અમદાવાદના હરેશ લીંબડ લાપતા; પત્ની હેમખેમ બચ્યાં
આ પણ વાંચો :અમદાવાદના પોલીસ સ્ટેશનમાં યુવકનો આપઘાત, મદદ માટે આવ્યો હતો
આ પણ વાંચો :અમદાવાદના બોપલમાં પોલીસ લખેલી i10 કારનો આતંક, 6 વાહનોને ટક્કર; ચાલકની અટકાયત
