Ahmedabad News : અમદાવાદના એક મુસ્લિમ દંપતીએ અમેરિકા જવાની લાલચમાં હિન્દુ નામ ધારણ કરીને બોગસ પાસપોર્ટ બનાવ્યો હતો, પરંતુ તેઓ અમેરિકા પહોંચે તે પહેલાં જ પોલીસના હાથે ઝડપાઈ ગયા. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આ દંપતીની ધરપકડ કરી છે અને બનાવટી પાસપોર્ટ કઢાવવામાં મદદ કરનાર એજન્ટની પણ તપાસ શરૂ કરી છે.
પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી રાજેશ સાબુવાલા અને તેમની પત્ની સલીમા સાબુવાલાએ અમેરિકાના વિઝા મેળવવા માટે વર્ષ 1998માં હૈદરાબાદના એક એજન્ટ પાસેથી બોગસ પાસપોર્ટ બનાવ્યો હતો. આ માટે રાજેશે રાજેશ અગ્રવાલ અને સલીમાએ રાધિકા અગ્રવાલ નામ ધારણ કર્યું હતું. તેમણે આ પાસપોર્ટના આધારે અમેરિકાના વિઝા માટે અરજી પણ કરી હતી, પરંતુ વિઝા રદ્દ થતાં તેમનો પ્લાન નિષ્ફળ ગયો હતો.
જો કે, અમેરિકા જવાની તેમની ઈચ્છા ઓછી થઈ નહોતી. તેથી, આ દંપતીએ ફરીથી પોતાના અસલ નામથી પાસપોર્ટ બનાવ્યા અને અમેરિકા જવાનો પ્રયાસ કર્યો. આ વખતે તેમની યોજનાનો ભાંડો ફૂટી ગયો અને ક્રાઈમ બ્રાન્ચે તેમની ધરપકડ કરી લીધી.
ક્રાઈમ બ્રાન્ચના પીઆઈ જયેશ મકવાણાએ જણાવ્યું કે, દંપતીએ વિઝા મેળવવા માટે બંને વખત પોતાના ઓરિજનલ ફોટો જ રજૂ કર્યા હતા. પરંતુ પાસપોર્ટમાં તેમના નામ અલગ અલગ હોવાથી બોગસ પાસપોર્ટની શંકા ગઈ અને તપાસ શરૂ કરવામાં આવી. તપાસમાં જાણવા મળ્યું કે વર્ષ 1998માં હૈદરાબાદના એક એજન્ટ પાસેથી આ બોગસ પાસપોર્ટ કઢાવવામાં આવ્યો હતો. જો કે, વિઝા ન મળવાના કારણે આરોપીઓએ તે પાસપોર્ટનો નાશ કરી દીધો હતો.
પોલીસ હવે એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે આ દંપતીએ કયા એજન્ટ પાસેથી પાસપોર્ટ બનાવ્યો હતો, કયા બોગસ દસ્તાવેજોનો ઉપયોગ કર્યો હતો અને કેટલા રૂપિયાની લેવડદેવડ થઈ હતી. આ ઉપરાંત, મુસ્લિમ હોવા છતાં હિન્દુ નામ ધારણ કરવા પાછળનું કારણ પણ પોલીસ શોધી રહી છે.
આરોપી રાજેશ સાબુવાલા જમાલપુરમાં ચશ્માની દુકાન ચલાવે છે, જ્યારે તેમની પત્ની સલીમા ગૃહિણી છે. પોલીસે આરોપીના રિમાન્ડ મેળવીને વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાએ બોગસ પાસપોર્ટ અને વિઝા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે અને પોલીસ હવે આ નેટવર્કને ઝડપી પાડવા માટે પ્રયત્નશીલ છે.
આ પણ વાંચો: અમદાવાદ શહેરમાંથી બોગસ પાસપોર્ટનું કૌભાંડ ઝડપાયું, ભેજાબાજ કોણ તે શોધી રહી છે પોલીસ…
આ પણ વાંચો: વિદેશ મોકલતા બોગસ એજન્ટો વિરુદ્ધ કડક કાર્યવાહી, કબૂતરબાજીનો કરોડો રૂપિયાનો વેપલો