Ahmedabad News : અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં એક ગંભીર અકસ્માત સામે આવ્યો છે, જેમાં BRTS બસની બ્રેક નિષ્ફળ જતા બસ સોસાયટીમાં ઘૂસી ગઈ હતી. ઘટનાથી વિસ્તારમાં ભય અને આક્રોશનો માહોલ સર્જાયો હતો.
સવારના અંદાજે 8 વાગ્યાના સમયે બસ સર્વિસ સ્ટેશનમાંથી બહાર નીકળી રહી હતી. પ્રહલાદ પાર્ક નજીક પહોંચતા જ બસની બ્રેક કામ ન કરતી હોવાથી ડ્રાઈવરનું નિયંત્રણ ગુમાયું અને બસ સીધી જ રોડ પરથી સોસાયટી તરફ વળી ગઈ. બસે ફ્લેટની દીવાલ તોડી અંદર પ્રવેશ કર્યો, જેના કારણે મિલકતને ભારે નુકસાન થયું. સદનસીબે ઘટના વહેલી સવારે બની હોવાથી પાર્કિંગ વિસ્તારમાં કોઈ હાજર નહોતું અને મોટી જાનહાની ટળી ગઈ.

જોરદાર અવાજ સંભળાતા જ સ્થાનિક લોકો તરત જ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. અકસ્માત બાદ લોકોમાં ભારે રોષ ફેલાયો હતો અને કેટલાક લોકોએ બસની ચાવી પણ લઈ લીધી હતી. સ્થાનિકોનું કહેવું છે કે આ વર્કશોપ વિસ્તારમાં આવી ઘટનાઓ અગાઉ પણ અનેક વખત બની ચૂકી છે, છતાં યોગ્ય પગલાં લેવાતા નથી.
આ મામલે અમદાવાદ જનમાર્ગ લિમિટેડના અધિકારીઓએ જણાવ્યું છે કે ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં બ્રેક ફેલ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. બસ ખાનગી ઓપરેટર દ્વારા ચલાવવામાં આવતી હોવાથી થયેલ નુકસાનની ભરપાઈ કોન્ટ્રાક્ટર દ્વારા જ કરવામાં આવશે. સાથે જ બસ ઓપરેટર સામે 2 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.
ફરી એકવાર BRTS સુરક્ષા વ્યવસ્થાને લઈને પ્રશ્નો ઊભા થયા
આ ઘટના બાદ ફરી એકવાર BRTS સુરક્ષા વ્યવસ્થાને લઈને પ્રશ્નો ઊભા થયા છે. સ્થાનિક લોકો તંત્ર પાસેથી કડક કાર્યવાહી અને સ્થાયી ઉકેલની માંગ કરી રહ્યા છે.
