Madhyapradesh News : મધ્યપ્રદેશના ધાર જિલ્લામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં એક દીપડો(Leopard) રહેણાંક વિસ્તારમાં ઘૂસી આવતા ભયનો માહોલ સર્જાયો છે. ધામનોદ વન પરિક્ષેત્રના ગુજરી ડેહરિયા ગામમાં બુધવારે વહેલી સવારમાં આ બનાવ બન્યો હતો. અચાનક ઝાડીઓમાંથી બહાર આવેલા દીપડાએ ગામમાં દહેશત ફેલાવી દીધી અને એક મહિલા સહિત પાંચ લોકોને ગંભીર રીતે ઘાયલ કર્યા.
ઘાયલોમાં વન રક્ષક દદ્દુ સિંહ, મહેશ વાસ્કેલ, ગ્યારસી લાલ સોલંકી, કાંતાબાઈ રાઠોડ અને વિકાસ ડાવરનો સમાવેશ થાય છે. તમામને પ્રાથમિક સારવાર બાદ ધાર જિલ્લા હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે. ડોક્ટરોએ જણાવ્યું કે ઘાયલોના પેટ, ખભા અને ચહેરા પાસે દીપડાના પંજાના નિશાન સાથે ગંભીર ઇજાઓ નોંધાઈ છે.

ઘટનાનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો છે, જેમાં દીપડાનો આક્રમક સ્વભાવ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. વીડિયોમાં દીપડો લોકોને હુમલો કરતો નજરે પડે છે, સાથે જ વન વિભાગના કર્મચારીઓ પર પણ તે તૂટી પડે છે. સૌથી ચોંકાવનારી ક્ષણ ત્યારે જોવા મળે છે જ્યારે એક યુવક હિંમત દાખવી દીપડાને જમીન પર પછાડી તેની ઉપર બેસી જાય છે અને તેને કાબૂમાં લેવાનો પ્રયાસ કરે છે. જોકે, થોડા જ પળોમાં દીપડો તેની પકડમાંથી છટકી ભાગી જાય છે.
સ્થાનિકોના જણાવ્યા મુજબ દીપડો હજુ પણ ગામની આસપાસની ઝાડીઓમાં છુપાયેલો હોઈ શકે છે, જેના કારણે લોકોમાં ભય વ્યાપી ગયો છે. ઘટનાની જાણ થતા જ વન વિભાગ અને પોલીસની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. બચાવ કામગીરી માટે ડાયલ 112ની ગાડીઓ સાથે રેન્જર સંગીતા રાવતના નેતૃત્વમાં ટીમ તૈનાત કરવામાં આવી છે. ઉપરાંત, દીપડાને પકડવા માટે ઇન્દોરમાંથી વિશેષ ટીમ પણ બોલાવવામાં આવી છે.
વન વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે દીપડો(Leopard) હાલ પુલિયા નીચે આવેલા પાઇપમાં છુપાયો હોવાની શક્યતા છે. આસપાસ વિંધ્યાચલ અને માંડવનો પહાડી વિસ્તાર હોવાથી અહીં દીપડાની અવરજવર સામાન્ય છે, પરંતુ વસાહતમાં આવી ઘટના પ્રથમવાર બની છે. અગાઉ નજીકના બોમ્બે-આગરા નેશનલ હાઈવે પર પણ દીપડો જોવા મળ્યો હતો અને બકરીનો શિકાર કર્યો હતો.
પ્રશાસને લોકોને ઘરમાં જ સુરક્ષિત રહેવા અને બિનજરૂરી બહાર ન નીકળવા સૂચના આપી છે. હાલમાં દીપડા(Leopard)ને પકડવા માટે સર્ચ ઓપરેશન તેજ કરવામાં આવ્યું છે અને સમગ્ર વિસ્તાર પર નજર રાખવામાં આવી રહી છે.
