વિનાશક વાવાઝોડું સૌરાષ્ટ્ર બાદ હવે અમદાવાદ તરફ આગળ વધી રહ્યું છે. લેટેસ્ટ અપડેટ મુજબ વાવાઝોડું દક્ષિણ-પશ્ચિમ અમદાવાદથી 205 કિમી દૂર છે. જ્યારે વાવાઝોડું સુરેન્દ્રનગરથી 125 કિમીના અંતરે છે. વાવાઝોડાના લેન્ડફોલ બાદ ઝડપ ઘટી છે. થોડી કલાકો માં વાવાઝોડું પૂર્ણ થઈ જશે
તાઉતે વાવાઝોડાએ દિવ-ઉના સહિત સૌરાષ્ટ્રના ભાવનગર-અમરેલી સહિતના જિલ્લામાં તારાજી સર્જ્યા બાદ અમદાવાદ પાસેથી બપોરના 3 વાગ્યાની આસપાસ પસાર થવાનું છે. તૌકતે વાવાઝોડાને પગલે અમદાવાદનું વહીવટી તંત્ર એલર્ટ થઇ ગયુ છે. જિલ્લા કલેક્ટરે કામ વગર કોઇ પણ વ્યક્તિને ઘરની બહાર ના નીકળવાની તાકીદ કરી છે.
વાસણા બેરેજના 2 દરવાજા ખોલવામાં આવ્યાં છે. 20 અને 23 નંબરના દરવાજા ખોલી પાણીનું સ્તર 133 માંથી 130 ફૂટ કરવાની સુચના આપવામાં આવી છે. વાવાઝોડાની ધોલેરા ખાતે અસર, જોવા મળી. અમદાવાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ખડેપગે કામગીરી કરવામાં આવી છે. ગોગલા ગામના નાગરિકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. બીજી તરફ અમદાવાદ માં પણ વાતાવરણ માં પલટા સાથે પવન પણ જોર પકડી રહ્યો છે.
અમદાવાદ જિલ્લામાં બપોર બાદ તાઉતે વાવાઝોડાની અસર જોવા મળશે. અમદાવાદમાં અનેક વિસ્તારોમાં વરસાદને કારણે પાણી ભરાઇ ગયા હતા. તેમજ ગટરો ઉભરાઇ જવાના દ્રશ્યો જોવા મળ્યા હતા. સાબરમતી નદીમાં વાસણા બેરેજના બે દરવાજા ખોલવામાં આવ્યા છે. વાવાઝોડાને પગલે સૌરાષ્ટ્રમાં અનેક ઘરોમાં વિજળી ગુલ થઇ ગઇ હતી અને અંધારપટ છવાઇ ગયો હતો. રાજકોટના આટકોટ, જસદણ સહિતના આસપાસના વિસ્તારમાં વરસાદ પડ્યો હતો જેને કારણે અનેક જગ્યાએ વીજ પુરવઠો ખોરવાઇ ગયો હતો.
