Rajkot News/ રાજકોટમાં 163 આવાસનો ડ્રો રદ: ગેરરીતિની ફરિયાદ વચ્ચે મહિલા કોર્પોરેટરનું નામ ચર્ચામાં

રાજકોટ મહાનગરપાલિકાના 163 આવાસના 3 સપ્ટેમ્બરના ડ્રો (Rajkot 163 Housing Draw)માં વિસંગતતાની ફરિયાદો બાદ મેયરે સમગ્ર ડ્રો રદ કરવાનો હુકમ કર્યો. મહિલા કોર્પોરેટરનું નામ પણ ચર્ચામાં આવ્યું.

Top Stories Gujarat Rajkot Breaking News
Rajkot 163 Housing Draw: આવાસ ફાળવણીમાં વિસંગતતા! રાજકોટમાં 163 મકાનોનો ડ્રો રદ

Rajkot News: રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વિસ્થાપિત લાભાર્થીઓ માટે કરવામાં આવેલા 163 આવાસના ડ્રો (Rajkot 163 Housing Draw)ને રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 3 સપ્ટેમ્બરે વિવિધ વિસ્તારોના લાભાર્થીઓ માટે ડ્રો યોજાયા બાદ તેમાં વિસંગતતા હોવાની ફરિયાદો મેયર સુધી પહોંચી હતી. પ્રાથમિક તપાસમાં કેટલીક બાબતો સામે આવતા મેયર ડો. નેહલ શુકલે સમગ્ર ડ્રો રદ કરવાનો હુકમ કર્યો છે. આ મામલે ભાજપના વોર્ડ નંબર-6ના મહિલા કોર્પોરેટર ધર્મિષ્ઠાબેન પરમારનું નામ પણ ચર્ચામાં આવ્યું છે. તેમની પાસે સંયુક્ત માલિકીનું આવાસ હોવાનું સામે આવ્યું છે. જોકે, કોર્પોરેટરનું કહેવું છે કે તેમણે આ આવાસ 2014માં કોર્પોરેટર બન્યા પહેલાં મેળવ્યું હતું.

ડિમોલિશન બાદ વિસ્થાપિતો માટે આવાસ ફાળવણી

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ફેબ્રુઆરી મહિનામાં જંગલેશ્વર અને આજીનદી કાંઠા સહિતના વિસ્તારોમાં મેગા ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ કાર્યવાહીથી અસરગ્રસ્ત અને વિસ્થાપિત થયેલા લોકોને આવાસ ફાળવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ અંતર્ગત જંગલેશ્વર ઉપરાંત સાગરનગર, બેટ દ્વારકા અને લલુડી વોંકળી વિસ્તારના લાભાર્થીઓને આવાસ આપવાનું આયોજન કરવામાં આવ્યું હતું.

3 સપ્ટેમ્બરે 163 આવાસ માટે ડ્રો

3 સપ્ટેમ્બરે અલગ-અલગ વિસ્તારોના કુલ 163 લાભાર્થીઓ માટે આવાસ ફાળવણીનો ડ્રો (Rajkot 163 Housing Draw) યોજાયો હતો. આ માટે સંત કબીર રોડ પર આવેલા ગોકુલનગર આવાસ યોજનાની વિંગ E, F અને G તથા ગોકુલનગરમાં જ આવેલી રવિશંકર મહારાજ આવાસ યોજનાની વિંગ A અને Bનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત સોરઠિયાવાડી વિસ્તારમાં આવેલી વીર તાત્યા ટોપે ટાઉનશિપમાં પણ આવાસ ફાળવવામાં આવ્યા હતા. લાભાર્થીઓની યાદીમાં સાગરનગર ફેઝ-1, બેટ દ્વારકા અને સાગરનગર ફેઝ-2ના કુલ 27 લાભાર્થી, જંગલેશ્વરના 42 લાભાર્થી અને લલુડી વોંકળીના 94 લાભાર્થીનો સમાવેશ કરવામાં આવ્યો હતો. લલુડી વોંકળીના 44 લાભાર્થીઓને વીર તાત્યા ટોપે ટાઉનશિપ એટલે કે સ્માર્ટઘર-4માં આવાસ ફાળવવામાં આવ્યા હતા.

ડ્રો સામે ફરિયાદો મળતાં મેયરે તપાસ કરાવી

આવાસ ફાળવણીનો ડ્રો (Rajkot 163 Housing Draw) માત્ર પ્રક્રિયા પૂરતો જ હોવાનું અને તેમાં ગેરરીતિ થઈ હોવાના આક્ષેપો સાથે કેટલીક ફરિયાદો મેયર ડો. નેહલ શુકલ સુધી પહોંચી હતી.ફરિયાદોને ધ્યાનમાં લઈને મેયર દ્વારા પ્રાથમિક તપાસ કરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન કેટલીક વિસંગતતાઓ સામે આવી હોવાના પગલે માત્ર એકાદ આવાસની ફાળવણી રદ કરવાને બદલે તમામ 163 આવાસનો ડ્રો (Rajkot 163 Housing Draw) જ રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મેયરના આ નિર્ણયથી મહાનગરપાલિકાના વહીવટી તંત્રમાં પણ ચર્ચા શરૂ થઈ છે. હવે આવાસ ફાળવણીની પ્રક્રિયા ફરી કઈ રીતે હાથ ધરવામાં આવશે તેના પર નજર રહેશે.

ભાજપના મહિલા કોર્પોરેટરનું નામ સામે આવ્યું

આ સમગ્ર મામલાની વચ્ચે રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નંબર-6ના ભાજપના મહિલા કોર્પોરેટર ધર્મિષ્ઠાબેન પરમાર પાસે સંયુક્ત માલિકીનું આવાસ હોવાની વિગતો સામે આવી છે. આ મુદ્દે ધર્મિષ્ઠાબેન પરમારે જણાવ્યું હોવાનું સામે આવ્યું છે કે તેમણે આ આવાસ વર્ષ 2014માં, એટલે કે તેઓ કોર્પોરેટર બન્યા તે પહેલાં મેળવ્યું હતું. તેમના જણાવ્યા મુજબ, તે સમયે તેમના પરિવાર પાસે પોતાનું રહેઠાણ ન હોવાથી નિયમ મુજબ આવાસ માટે અરજી કરવામાં આવી હતી. તેમના પતિ ખાનગી નોકરી કરતા હોવાનું પણ તેમણે જણાવ્યું છે.

Rajkot 163 Housing Draw: ચૂંટણી સોગંદનામામાં મિલકતની વિગતો જાહેર કરી હતી

ચૂંટણી સમયે રજૂ કરાયેલા સોગંદનામામાં ધર્મિષ્ઠાબેન પરમારે પોતાની અને પરિવારની વિવિધ મિલકતો તથા રોકાણોની વિગતો જાહેર કરી હતી. આ વિગતોમાં આશરે રૂ.1.5 લાખ રોકડ, રૂ.2 લાખનું મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ અને આશરે રૂ.33 લાખની કિંમતના 22 તોલા દાગીનાનો ઉલ્લેખ હતો. આ ઉપરાંત મોરબીના મકનસર ગામે સંયુક્ત નામે જમીન, પતિના નામે માધાપર ગામે સંયુક્ત માલિકીનો ફ્લેટ અને કાલાવડ રોડ પર મુખ્યમંત્રી આવાસ યોજનામાં ક્વાર્ટર હોવાની વિગતો પણ સોગંદનામામાં જાહેર કરવામાં આવી હોવાનું જણાવાયું છે.

હવે ફરીથી ફાળવણીની પ્રક્રિયા પર નજર

163 આવાસનો ડ્રો (Rajkot 163 Housing Draw) રદ થયા બાદ હવે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આગળની પ્રક્રિયા શું રાખવામાં આવે છે તે મહત્વનું બન્યું છે. ખાસ કરીને ડિમોલિશનથી વિસ્થાપિત થયેલા લાભાર્થીઓને પારદર્શક રીતે આવાસ ફાળવાય અને કોઈ પાત્ર લાભાર્થી અન્યાયથી વંચિત ન રહે તે મુદ્દો મહત્વનો રહેશે. મેયરના આદેશ બાદ આવાસ ફાળવણીમાં સામે આવેલી ફરિયાદો અને વિસંગતતાઓ અંગે તંત્ર દ્વારા વધુ તપાસ કરવામાં આવે છે કે કેમ અને ત્યારબાદ નવી ફાળવણી કઈ રીતે કરવામાં આવે છે તે જોવાનું રહેશે.


આ પણ વાંચો: સુરત નાસીરનગર ડિમોલિશન વિવાદ: આવાસનો ડ્રો અટકાવ્યો, 31મીએ હાઇકોર્ટમાં સુનાવણી

આ પણ વાંચો: અમદાવાદમાં ગરીબોને ઘરનું સપનું બતાવી રૂ.8.63 લાખની ઠગાઈ, 65 લોકો પાસેથી રૂપિયા પડાવ્યા

આ પણ વાંચો: અમદાવાદમાં નકલી BP દવાનો પર્દાફાશ, 15 હજાર ગોળીઓ દર્દીઓ સુધી પહોંચી; 3ની ધરપકડ