Ahmedabad News: અમદાવાદમાં સરકારી આવાસ યોજનાના નામે ગરીબ અને સામાન્ય પરિવારો સાથે છેતરપિંડીનો મામલો (Housing Scheme Fraud) સામે આવ્યો છે. ગાંધીનગર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (GUDA Housing Scheme) અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વડાપ્રધાન ગરીબ આવાસ યોજના (PMAY Fraud) હેઠળ મકાન અપાવવાની લાલચ આપી એક શખ્સે કુલ 65 લોકો પાસેથી રૂ8.63 લાખ પડાવી લીધા હોવાનો આક્ષેપ છે.
શાહીબાગના નમસ્તે સર્કલ, રિલાયન્સ મોલના પાર્કિંગ સહિતના વિસ્તારોમાં લોકો પાસેથી રકમ લેવામાં આવી હતી. પૈસા લીધા બાદ આરોપીએ મકાનના ફોર્મ ભર્યા હોવાની અને નાણાં જમા કરાવ્યા હોવાની બનાવટી પાવતીઓ આપી હતી. લાંબો સમય વીતી ગયા બાદ પણ મકાન અંગે કોઈ માહિતી ન મળતાં સમગ્ર મામલો સામે આવ્યો હતો. આ અંગે માધુપુરા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
2-BHK માટે રૂ21 હજાર અને EWS મકાન માટે રૂ7,800ની માગણી
રાણીપ વિસ્તારમાં રહેતા જગદીશ રાજપૂત સરકારી યોજનાઓ (AMC Housing Scheme) તથા દસ્તાવેજો સંબંધિત કામ કરે છે. અગાઉ પંકજ પ્રજાપતિ નામનો શખ્સ ઘોડાકેમ્પ અનાજ ગોડાઉન નજીક રેશનકાર્ડ કચેરીની બહાર એજન્ટ તરીકે કામ કરતો હોવાથી બંને વચ્ચે પરિચય થયો હતો. નવેમ્બર 2023 દરમિયાન વડાપ્રધાન ગરીબ આવાસ યોજના હેઠળ ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થવાની વાત સામે આવી હતી. આ દરમિયાન પંકજ પ્રજાપતિએ જગદીશને ફોર્મ ભરાવી આપવાની ખાતરી આપી હતી. આરોપીએ જણાવ્યું હતું કે GUDA હેઠળ 2-BHK મકાન માટે રૂ21 હજાર ડિપોઝિટ, જ્યારે AMC હેઠળ EWS 1-BHK મકાન માટે રૂ7,800 ડિપોઝિટ ઓનલાઇન ભરવાની રહેશે.
Housing Scheme Fraud: 65 લોકોએ કુલ રૂ8.63 લાખ આપ્યા
આરોપીની વાતમાં આવીને કુલ 65 લોકોએ રકમ ચૂકવી હતી. જેમાં 27 લોકોએ LIG મકાન માટે કુલ રૂ5.67 લાખ, જ્યારે 38 લોકોએ EWS મકાન માટે કુલ રૂ2.96 લાખ આપ્યા હતા.આમ, 13 ડિસેમ્બર 2023થી 5 જાન્યુઆરી 2024 દરમિયાન કુલ રૂ8.63 લાખ પંકજ પ્રજાપતિને ચૂકવવામાં આવ્યા હતા.રકમ લીધા બાદ આરોપીએ EWS મકાનના ફોર્મ ભર્યા હોવાની અને નાણાં જમા કરાવ્યા હોવાની પાવતીઓ આપી હતી. જોકે ત્યારબાદ મકાનની ફાળવણી કે પાવતી અંગે પૂછપરછ કરવામાં આવતાં આરોપી દ્વારા ગલ્લાંતલ્લાં શરૂ કરવામાં આવ્યા હતા.
RTI બાદ સામે આવ્યો સમગ્ર મામલો
લાંબો સમય વીતી ગયો છતાં મકાન અંગે કોઈ નક્કર જવાબ ન મળતાં જગદીશ રાજપૂતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના રાયખડ સ્થિત સરદાર ભવનમાં આવેલી હાઉસિંગ સેલ કમિટીમાં આરટીઆઈ કરી હતી.અપીલ બાદ 17 માર્ચે તંત્ર તરફથી સત્તાવાર જવાબ મળ્યો હતો. તેમાં જણાવાયું હતું કે રજૂ કરવામાં આવેલી પાવતીઓ તંત્રના રેકોર્ડમાં ઉપલબ્ધ નથી અને કોર્પોરેશનમાં આ રકમ જમા થઈ નથી.આ જવાબ બાદ આરોપીએ સરકારી આવાસ યોજનાના ફોર્મ ભર્યા વિના જ લોકો પાસેથી રૂપિયા મેળવી લીધા હોવાની શંકા મજબૂત બની હતી.
માધુપુરા પોલીસે તપાસ શરૂ કરી
સમગ્ર મામલે માધુપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે પંકજ પ્રજાપતિ સામે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. પોલીસે આરોપીએ અન્ય કેટલા લોકો પાસેથી આ રીતે રૂપિયા લીધા છે કે કેમ અને બનાવટી પાવતીઓ કેવી રીતે તૈયાર કરવામાં આવી હતી તે દિશામાં પણ તપાસ હાથ ધરી છે.આ કેસમાં પોલીસ તપાસ પૂર્ણ થયા બાદ જ સમગ્ર છેતરપિંડીમાં અન્ય લોકોની સંડોવણી કે કુલ રકમ અંગે વધુ સ્પષ્ટતા થઈ શકશે.
આ પણ વાંચો: રાજકોટ PM આવાસ યોજનામાં વધુ એક ગોટાળો? પત્નીને ઘર છતાં પતિને પણ ફાળવાયું આવાસ
આ પણ વાંચો: સુરત નાસીરનગર ડિમોલિશન વિવાદ: આવાસનો ડ્રો અટકાવ્યો, 31મીએ હાઇકોર્ટમાં સુનાવણી
આ પણ વાંચો: સરકારી કચેરીઓમાં પ્લાસ્ટિકની ફાઈલ-ફોલ્ડર પર રોક: ગુજરાત સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય
