Surat News: શહેરના વરાછા વિસ્તારમાં એક કરુણ અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. થોડા દિવસ અગાઉ પત્નીએ પોતાના સાથી કર્મચારી સાથે જીવન ટૂંકાવ્યા બાદ તેના પતિએ પણ આઘાતમાં આવીને જીવન ટૂંકાવ્યું હોવાનું સામે આવ્યું છે. એક જ પરિવારના પતિ-પત્નીના ટૂંકા અંતરમાં થયેલા મોતને કારણે બે સંતાનોએ માતા અને પિતા બંનેની છત્રછાયા ગુમાવી છે. મળતી માહિતી મુજબ, મૂળ મહારાષ્ટ્રના વતની અને હાલ વરાછા વિસ્તારમાં રહેતા 40 વર્ષીય સિદ્ધાર્થ ખેરનાર સુરત મહાનગરપાલિકાના વરાછા ઝોનમાં ફરજ બજાવતા હતા. તેમની 29 વર્ષીય પત્ની ખુશ્બુ સફાઈ કામ કરતી હતી.
પત્ની કામ પરથી ઘરે પરત ન ફરતાં શોધખોળ
મંગળવારે સવારે ખુશ્બુ રોજિંદા કામ માટે ઘરેથી નીકળી હતી. જોકે, મોડી સાંજ સુધી ઘરે પરત ન ફરતાં પરિવારજનો ચિંતિત બન્યા હતા. પતિ સિદ્ધાર્થે પત્નીને ફોન કરતાં એક અજાણ્યા વ્યક્તિએ ફોન ઉપાડ્યો હતો અને વરિયાવ બ્રિજ નીચે સિદ્ધનાથ મહાદેવ મંદિર નજીક એક મહિલા અને યુવક બેભાન હાલતમાં હોવાની જાણ કરી હતી.આ માહિતી મળ્યા બાદ પરિવારજનો ઘટનાસ્થળે પહોંચ્યા હતા. બંનેને 108 એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
યુવકનું સ્મીમેરમાં મોત, મહિલાનું સારવાર દરમિયાન મોત
હોસ્પિટલમાં તબીબી તપાસ બાદ યુવકને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. જ્યારે ખુશ્બુની સ્થિતિ ગંભીર હોવાથી તેને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. જોકે, સારવાર દરમિયાન તેનું પણ મોત થયું હતું.મૃતક યુવકની ઓળખ ઉત્રાણ લેક ગાર્ડન નજીક રહેતા 40 વર્ષીય પરેશ નાનજી ચૌહાણ તરીકે થઈ હતી.
એક જ સ્થળે કામ કરતા હોવાથી પરિચય થયો હોવાનો ખુલાસો
પ્રાથમિક પોલીસ તપાસમાં ખુશ્બુ અને પરેશ એક જ સ્થળે કામ કરતા હોવાની માહિતી સામે આવી હતી. બંને વચ્ચે પરિચય બાદ નજીકના સંબંધો બન્યા હોવાનું તપાસમાં જાણવા મળ્યું હોવાનું જણાવાયું છે.બંને પરિણીત હતા. પરેશને ત્રણ સંતાનો હોવાનું જ્યારે ખુશ્બુને લગ્નજીવન દરમિયાન એક પુત્ર અને એક પુત્રી હોવાનું સામે આવ્યું છે. કોઈ અંગત કારણો અને મનદુઃખ બાદ બંનેએ જીવન ટૂંકાવ્યું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.
પત્નીના મોત બાદ પતિ ભારે આઘાતમાં
પત્નીના મોત બાદ સિદ્ધાર્થને તેના સંબંધ અંગેની વિગતોની જાણ થઈ હતી. પત્નીના અચાનક મોત અને સામે આવેલી આ માહિતીથી તેઓ ભારે માનસિક આઘાતમાં આવી ગયા હોવાનું પરિવારજનો તરફથી જાણવા મળ્યું છે.પરિવારના સભ્યો સિદ્ધાર્થને સાંત્વના આપીને સંભાળવાનો પ્રયાસ કરી રહ્યા હતા. જોકે, થોડા જ દિવસોમાં તેમણે પણ જીવન ટૂંકાવ્યું હતું.
બે સંતાનોએ ગુમાવી માતા-પિતાની છત્રછાયા
એક જ પરિવારના પતિ-પત્નીના ટૂંકા સમયગાળામાં થયેલા મોતથી પરિવાર પર આભ તૂટી પડ્યું છે. ખાસ કરીને બંને સંતાનોએ માતા અને પિતા બંનેને ગુમાવતાં પરિવારમાં શોકનું વાતાવરણ છવાયું છે.આ મામલે વરાછા પોલીસે અકસ્માતે મોતની નોંધ કરી છે અને સમગ્ર ઘટનાના સંજોગો અંગે વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો:સુરતમાં 84 વર્ષીય વૃદ્ધાની ઘરમાં જ હત્યા, મોબાઈલ ગાયબ; પરિચિત વ્યક્તિ પર પોલીસની નજર
આ પણ વાંચો:સુરત બ્રિજ પર બિલ્ડરની હત્યા: સોપારી આપી હત્યા કરાવી હોવાની શંકા
આ પણ વાંચો:સુરતમાં ચંદ્રશેખર આઝાદ બ્રિજ પર બિલ્ડરને ચપ્પુના ઘા મારી હત્યા, આરોપીઓ ફરાર
