Surat News : સુરતમાં ચંદ્રશેખર આઝાદ બ્રિજ પર મોડી રાત્રે થયેલી હત્યાએ ચકચાર મચાવી છે. 55 વર્ષીય બિલ્ડર અને જમીન દલાલ ફૈસલ ઉર્ફે માંજરા હસન ફત્તાની જાહેરમાં હત્યા (Surat Builder Murder)કરવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે ચાર શખસોએ તેનો પીછો કરીને હુમલો કર્યો હતો.
સુરત બિલ્ડર હત્યા (Surat Builder Murder) કેસમાં CCTVથી તપાસ તેજ
પોલીસ તપાસ મુજબ ફૈસલ બ્રિજ તરફ જઈ રહ્યો હતો ત્યારે બે મોપેડ પર સવાર ચાર શખસો તેનો પીછો કરી રહ્યા હતા. બ્રિજ પર પહોંચ્યા બાદ આરોપીઓએ તેને ઘેરી લીધો અને છરી વડે હુમલો કર્યો. હુમલામાં ફૈસલને કુલ 19 ઘા મારવામાં આવ્યા હોવાની માહિતી સામે આવી છે.
હુમલો અત્યંત ઘાતકી હોવાને કારણે ફૈસલ ગંભીર રીતે ઘાયલ થયો હતો અને ઘટનાસ્થળે મોટી માત્રામાં લોહી વહી ગયું હતું. ઘટના બાદ આરોપીઓ બે મોપેડ પર સવાર થઈ રોંગસાઇડ તરફથી પંડોળ તરફ ફરાર થઈ ગયા હતા.
પોલીસે ઘટનાની આસપાસના CCTV (CCTV Footage) કેમેરાના રેકોર્ડિંગની તપાસ શરૂ કરી છે. તપાસ દરમિયાન બ્રિજ પર પહોંચતા પહેલાં પણ કેટલાક શંકાસ્પદ લોકો ફૈસલનો પીછો કરતા હોવાના ફૂટેજ મળ્યા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.
બે મોપેડના નંબરથી આરોપીઓ સુધી પહોંચવાનો પ્રયાસ
CCTVમાં દેખાતી મોપેડના નંબરના આધારે પોલીસે તપાસ આગળ ધપાવી હતી. આ દરમિયાન ભાઠેના વિસ્તારમાં રહેતા વસીમ અને અભિષેકની સંડોવણી સામે આવી હોવાનું પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે.
મોપેડના આધારે પોલીસ અભિષેકના સંબંધીના ઘરે પણ પહોંચી હતી. તપાસમાં આ મોપેડ અભિષેક લઈ ગયો હોવાની માહિતી મળી હોવાનું પોલીસનું કહેવું છે.
પોલીસે અત્યાર સુધીમાં 300 જેટલા CCTV ફૂટેજ ચેક કર્યા છે અને 50 જેટલા શંકાસ્પદ લોકોની તપાસ કરી છે. ટેક્નિકલ એનાલિસિસના આધારે ત્રણ આરોપીઓની ઓળખ થઈ હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે.
જમીન વિવાદ કે નાણાકીય લેવડદેવડ? સોપારીની આશંકા
હત્યા પાછળનું ચોક્કસ કારણ હજુ સ્પષ્ટ થયું નથી. જોકે પોલીસને જમીન-મિલકતના વિવાદ અથવા નાણાકીય લેવડદેવડને લઈને સોપારી આપીને હત્યા કરાવવામાં આવી હોવાની આશંકા છે.
મૃતક ફૈસલ જમીન દલાલી અને કન્સ્ટ્રક્શનના વ્યવસાય સાથે સંકળાયેલો હતો. સાથે જ તે ક્રિપ્ટોકરન્સી ટ્રેડિંગ સાથે પણ જોડાયેલો હોવાનું સામે આવ્યું છે. તે USDT ટ્રેડિંગ (USDT Trading) કરતો હોવાની માહિતીના આધારે પણ તપાસ કરવામાં આવી રહી છે.
ફૈસલનું દુબઈમાં પણ અવારનવાર આવનજાવન રહેતું હતું. તેના વ્યવસાયિક સંપર્કો અને નાણાકીય વ્યવહારો અંગે પોલીસ અલગ-અલગ પાસાં તપાસી રહી છે.
CDRથી માસ્ટરમાઇન્ડ સુધી પહોંચવાની કવાયત
હત્યા બાદ પોલીસે મૃતકના પરિવારજનોની પૂછપરછ કરી હતી. પરિવારજનોએ તેના ધંધાકીય વ્યવહારો અંગે ખાસ માહિતી ન હોવાનું જણાવ્યું હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.
હવે પોલીસ મૃતકના મોબાઈલના કોલ ડિટેઈલ રેકોર્ડ એટલે કે CDR (Call Detail Record)ની તપાસ કરી રહી છે. હત્યા પહેલાં કોની સાથે વાતચીત થઈ હતી અને કોના સંપર્કમાં હતો તેની માહિતી તપાસમાં મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.
પોલીસનું ધ્યાન માત્ર હુમલાખોરો સુધી મર્યાદિત નથી, પરંતુ હત્યા પાછળ કોઈએ કાવતરું ઘડ્યું હતું કે કેમ તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે.
પોલીસની 10 ટીમો તપાસમાં જોડાઈ
ચોકબજાર પોલીસ સ્ટેશનના પીઆઇ એસ. ડી. રાતડાના જણાવ્યા મુજબ આરોપીઓને ઝડપી પાડવા માટે ચોકબજાર પોલીસ, ઝોન-3 LCB, ક્રાઇમ બ્રાન્ચ અને SOGની કુલ 10 ટીમો બનાવવામાં આવી છે.
પોલીસે CCTV Footage, શંકાસ્પદ વ્યક્તિઓ અને ટેક્નિકલ માહિતીના આધારે તપાસનો દોર આગળ વધાર્યો છે. ત્રણ આરોપીઓની ઓળખ થઈ હોવાનું પોલીસ અધિકારીએ જણાવ્યું છે અને આરોપીઓને ટૂંક સમયમાં ઝડપી પાડવાની કવાયત ચાલી રહી છે.
મૃતક ફૈસલનો પરિવાર અને વ્યવસાય
55 વર્ષીય ફૈસલ ઝકરીયા હસનફત્તા સુરતના રાંદેર વિસ્તારમાં કોઝવે રોડ પર આવેલી અલનુર રેસીડેન્સીમાં પરિવાર સાથે રહેતો હતો. તે જમીન-મિલકતની દલાલી અને કન્સ્ટ્રક્શનના વ્યવસાય સાથે સંકળાયેલો હતો.
તેના પરિવારમાં પત્ની અને સંતાનો છે. તેનો 22 વર્ષીય પુત્ર ભાગાતળાવ સ્થિત સિલ્ક સાગર માર્કેટમાં કૌશલ ટેક્સટાઇલ નામે કાપડનો હોલસેલ વ્યવસાય ચલાવે છે. તેની એક પુત્રીના લગ્ન થઈ ચૂક્યા છે અને તે આફ્રિકામાં પતિ સાથે રહે છે.
મૃતકની સૌથી નાની દીકરી 16 વર્ષની છે. ફૈસલે બીજા લગ્ન પણ કર્યા હતા અને તે સંબંધથી તેને 10 વર્ષની અલીઝા નામની પુત્રી હોવાનું જણાવાયું છે.
હાલમાં પોલીસ હત્યાના કારણથી લઈને હુમલાખોરો સુધીની દરેક કડી જોડવાનો પ્રયાસ કરી રહી છે. જમીન વિવાદ, નાણાકીય વ્યવહાર અને અન્ય વ્યવસાયિક સંબંધોની દિશામાં થતી તપાસ બાદ જ હત્યા પાછળનું સાચું કારણ સ્પષ્ટ થશે.
