Gold Import: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ છેલ્લા ચાર મહિનામાં બીજી વખત ભારતીયોને બિનજરૂરી રીતે સોનું ખરીદવાથી બચવાની અપીલ કરી છે. પરિવાર માટે સોનું બચત, સુરક્ષા અને પરંપરા સાથે જોડાયેલું છે, પરંતુ સરકારનું ધ્યાન હવે તેના વધતા આયાત ખર્ચ અને દેશની અર્થવ્યવસ્થા પર પડતી અસર તરફ છે. 1 સપ્ટેમ્બરે કિર્ગિસ્તાનની રાજધાની બિશ્કેકથી વીડિયો સંદેશ દ્વારા PM મોદીએ લોકોને જરૂરિયાત ન હોય તો સોનાની ખરીદી અંગે ફરી વિચારવા કહ્યું હતું. તેમણે સ્વદેશી વસ્તુઓ અને આત્મનિર્ભરતા પર વધુ ભાર મૂકવાની અપીલ કરી છે.
Goldની આયાતથી વધે છે ડોલરની માંગ
ભારત વિશ્વના મોટા સોનાના(Gold) ગ્રાહકોમાં સામેલ છે, પરંતુ દેશમાં સોનાનું ઉત્પાદન તેની માંગની સરખામણીએ ઘણું ઓછું છે. તેથી જ્વેલરી અને રોકાણ માટે જરૂરી સોનાનો મોટો હિસ્સો વિદેશમાંથી આયાત કરવો પડે છે. સોનાની આયાત વધે ત્યારે તેના બદલામાં વિદેશી ચલણ, ખાસ કરીને અમેરિકન ડોલરની જરૂરિયાત વધે છે. આવી સ્થિતિમાં દેશના વેપાર ખાધ પર દબાણ વધે છે અને રૂપિયાની કિંમત પર પણ અસર પડી શકે છે.
ઓછી માત્રા છતાં આયાત બિલ વધ્યું
સોનાની(Gold) આયાત અંગે એક મહત્વપૂર્ણ બાબત સામે આવી છે. નાણાકીય વર્ષ 2026માં ભારતનું સોનાનું આયાત બિલ લગભગ 71.98 અબજ ડોલર સુધી પહોંચી ગયું. જ્યારે અગાઉના નાણાકીય વર્ષમાં આ આંકડો આશરે 58 અબજ ડોલર હતો. રસપ્રદ વાત એ છે કે આયાત કરવામાં આવેલા સોનાના જથ્થામાં ઘટાડો થયો છે. FY25માં આશરે 757 ટન સામે FY26માં લગભગ 721 ટન સોનું આયાત થયું. એટલે કે ઓછી માત્રામાં સોનું આવ્યું છતાં ખર્ચ વધી ગયો. તેનું મુખ્ય કારણ આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવમાં થયેલો વધારો છે.
સરકાર કેમ સોનું ઓછું ખરીદવાની વાત કરી રહી છે?
સરકારનો મુખ્ય ઉદ્દેશ બિનજરૂરી સોનાની આયાત ઘટાડીને દેશની વિદેશી ચલણની બચત કરવાનો છે. ભારતને કાચા તેલ સહિત અનેક જરૂરી વસ્તુઓની આયાત માટે પણ ડોલર ચૂકવવા પડે છે. આવી સ્થિતિમાં સોનાની(Gold) આયાત પાછળ થતો વધારાનો ખર્ચ ઘટાડવાથી વેપાર ખાધ અને રૂપિયા પરનું દબાણ ઓછું કરવામાં મદદ મળી શકે છે.
જ્વેલરી માર્કેટ પર પણ પડી શકે અસર
PM મોદીની અપીલની અસર જ્વેલરી કંપનીઓના શેરમાં પણ જોવા મળી હતી. મે મહિનાની અપીલ બાદ કેટલીક મોટી જ્વેલરી કંપનીઓના શેરમાં ઘટાડો નોંધાયો હતો. હવે ફરી આવી અપીલ એવા સમયે થઈ છે જ્યારે સપ્ટેમ્બરથી ફેબ્રુઆરી સુધીનો સમય તહેવારો અને લગ્નની સિઝનને કારણે જ્વેલરી ઉદ્યોગ માટે ખૂબ મહત્વનો માનવામાં આવે છે. સરકારનું ધ્યાન માત્ર સોનાની ખરીદી ઘટાડવા પર જ નહીં, પરંતુ જૂના સોનાના રિસાયક્લિંગ, સ્વદેશી ઉત્પાદનોના ઉપયોગ અને આત્મનિર્ભર અર્થતંત્રને પ્રોત્સાહન આપવા પર પણ છે.
