Gir Somnath News: ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના રાતિધાર (ગીર) ગામમાં વહેલી સવારે હત્યા (Talala Murder)ની ઘટનાથી ચકચાર મચી ગઈ છે. અહીં એક યુવાન પર કુહાડી વડે હુમલો કરવામાં આવતા તેનું મોત થયું છે. પ્રાથમિક માહિતી મુજબ, જૂના વિવાદના મનદુઃખને કારણે કૌટુંબિક કાકાએ જ પોતાના ભત્રીજા પર હુમલો કર્યો હોવાનો આક્ષેપ છે. ઘટનાની જાણ થતાં તાલાલા પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો અને સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.
ખાટલામાં સૂતા હતા ત્યારે હુમલો
મળતી માહિતી મુજબ, રાતિધાર ગામના 48 વર્ષીય પ્રવીણ બચુ સોલંકી પોતાના ઘરના ફળિયામાં ઓસરી પાસે ખાટલામાં સૂતા હતા. આ દરમિયાન તેમના કૌટુંબિક કાકાએ તેમના પર કુહાડી વડે હુમલો કર્યો હોવાની વિગતો સામે આવી છે. હુમલામાં પ્રવીણ સોલંકીને માથાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી. ઘટનાની જાણ થતાં પરિવારજનો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા. ત્યારબાદ ઈજાગ્રસ્ત પ્રવીણ સોલંકીને સારવાર માટે 108 એમ્બ્યુલન્સ મારફતે તાલાલા હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.
વધુ સારવાર માટે વેરાવળ ખસેડાયા
તાલાલા હોસ્પિટલ (Talala Hospital)માં પ્રાથમિક સારવાર બાદ પ્રવીણ સોલંકીની સ્થિતિ ગંભીર હોવાથી તેમને વધુ સારવાર માટે વેરાવળ લઈ જવામાં આવ્યા હતા. જોકે, સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. મૃતકના ભાઈ રાજુ સોલંકીએ પોલીસને ઘટનાની જાણ કરી હતી. તેમના જણાવ્યા મુજબ, પ્રવીણને માથાના ભાગે કુહાડીના ઘા મારવામાં આવ્યા હતા. પરિવારજનો દ્વારા તેમને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા, પરંતુ તેમનો જીવ બચાવી શકાયો નહોતો.
Talala Murder: જૂના વિવાદનું મનદુઃખ હત્યાનું કારણ હોવાની આશંકા
પ્રાથમિક માહિતી પ્રમાણે, જૂના વિવાદને લઈને ચાલતા મનદુઃખના કારણે આ હુમલો કરવામાં આવ્યો હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે, હત્યા (Talala Murder) પાછળનું ચોક્કસ કારણ શું હતું તે અંગે પોલીસ તપાસ કરી રહી છે. આરોપી અને મૃતક વચ્ચે અગાઉ કોઈ બાબતે વિવાદ થયો હતો કે અન્ય કોઈ કારણ હતું, તે અંગે પણ તપાસ હાથ ધરવામાં આવી છે.
પોલીસે તપાસ શરૂ કરી
તાલાલા પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ PI જે. કે. મોરીના જણાવ્યા મુજબ, યુવાનની હત્યા (Talala Murder)ની ઘટના સામે આવ્યા બાદ પોલીસ દ્વારા જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવવામાં આવ્યું છે અને ગુનો નોંધવાની કાર્યવાહી સાથે આરોપીની ધરપકડ માટે તપાસ શરૂ કરવામાં આવી છે.
પોલીસ દ્વારા ઘટનાસ્થળેથી જરૂરી પુરાવા એકત્રિત કરવામાં આવી રહ્યા છે. સાથે જ હત્યા (Talala Murder)નું ચોક્કસ કારણ જાણવા માટે પરિવારજનો તથા અન્ય સંબંધિત લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે. પોલીસ તપાસ પૂર્ણ થયા બાદ ઘટનાની વધુ વિગતો સામે આવી શકે છે.
આ પણ વાંચો:ગીર સોમનાથમાં પારિવારિક વિવાદમાં પત્નીની નિર્મમ હત્યા, પતિ છરીના ઘા ઝીંકીને ફરાર
આ પણ વાંચો:ગીર સોમનાથ ઉના-અંજાર રોડ પર આધેડની હત્યા
આ પણ વાંચો:ગીર સોમનાથના કોડીનારની 8 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરી હત્યા કરનાર નરાધમને ફાંસીની સજા
