Bhavnagar News : આધુનિકતા અને ડિજિટલાઈઝેશનના આ યુગમાં સંસ્કારી નગરી ભાવનગર અને સમગ્ર જિલ્લો સાયબર અપરાધીઓના રડાર પર આવી ગયો છે. શાતિર સાયબર માફિયાઓએ (Cyber fraud in Bhavnagar)અચાનક સાયબર એટેક કરીને ભાવનગર શહેર અને જિલ્લાના અલગ-અલગ વિસ્તારોમાંથી કુલ 9 નાગરિકો પાસેથી રૂ. ૧૩,૭૪,૫૯૯ ની માતબર રકમ સફાચટ કરી નાખી છે. નકલી એપ્લિકેશન, બેંક KYC, પાર્ટ ટાઈમ જોબ, ઓનલાઈન ટાસ્ક અને શેરબજારમાં રોકાણ જેવી લોભામણી લાલચો આપીને ગઠિયાઓએ નાગરિકોને શિકાર(cyber fraud ) બનાવ્યા છે.

Cyber fraud in Bhavnagar ફ્રી મેચ જોવા જતા હેક થયો ફોન:
બોરતળાવના હીરાકામ કરતા ભાવેશભાઈ કિકાણી ઇન્સ્ટાગ્રામ (Instagram)પર ફ્રી મેચ જોવા માટે ‘AGTV’ નામની APK ફાઈલ ડાઉનલોડ કરતાં જ તેમનો મોબાઈલ હેક થઈ ગયો હતો અને ૪ બેંક ખાતાઓમાંથી રૂ. ૯૪,૪૦૦ ઉપડી ગયા હતા.
વોટ્સએપ KYC લિંકથી ઠગાઈ:
નવી વિઠ્ઠલવાડીના મજૂરી કામ કરતા દીપકભાઈ ચૌહાણને વોટ્સએપ (WhatsApp)પર બેંક ઓફ ઈન્ડિયાની નકલી KYC લિંક મોકલી મોબાઈલ હેક કરી રૂ. ૫૦,૦૦૦ ઉપાડી લેવાયા હતા.
ફ્લિપકાર્ટ ટાઈલ્સ ઓર્ડર અને કસ્ટમર કેર ફ્રોડ:
સિદસર રોડના ૭૪ વર્ષીય નિવૃત્ત વૃદ્ધ ઉપેન્દ્રભાઈ ઓઝાએ ટાઈલ્સ ખરીદતી વખતે સરનામું કન્ફર્મ કરવા ગૂગલ પરથી મેળવેલા કસ્ટમર કેર નંબર પર સંપર્ક કરતાં, ઠગે ફાઈલ ડાઉનલોડ કરાવી Google Pay મારફતે રૂ. ૫૦,૦૦૦ ટ્રાન્સફર કરી લીધા હતા.
વિના OTP-લિંકે ખાતામાંથી પૈસા ગાયબ:
ઇસ્કોન મેગાસિટીના વેપારી કિરીટકુમાર પટેલના બેંક ખાતામાંથી કોઈપણ OTP કે લિંક વગર UPI મારફતે રૂ. ૧.૨૦ લાખ ઉપડી ગયા હતા.
જૂના સિક્કા ખરીદવાના નામે ફ્રોડ:
સુભાષનગરના બુધાભાઈ વાળાને SBI ના બ્રાંચ મેનેજર તરીકે ઓળખ આપી જૂના સિક્કા ખરીદવાની લાલચ આપી ક્યૂઆર કોડ મારફતે રૂ. ૮૭,૬૯૯ મેળવી લેવાયા હતા.
શેરબજાર ડીમેટ એકાઉન્ટમાં લૂંટ:
સુભાષનગરના ચિંતનભાઈ રાવળને શેરબજારમાં ઊંચા વળતરની લાલચ આપી ‘ધનલાઈટ’ કંપનીના નામે ડીમેટ એકાઉન્ટ ખોલાવી રૂ. ૧,૩૪,૫૦૦ જમા કરાવી છેતરપિંડી આચરાઈ હતી.
સોશિયલ મીડિયા પર ડ્રેસની જાહેરાતથી ઠગાઈ:
રૂવાપરી રોડની અક્સાબેન શેખે યુટ્યુબ રીલ્સ પર ડ્રેસની જાહેરાત જોઈ સંપર્ક કરતાં, ક્યૂઆર કોડ મારફતે ટુકડે-ટુકડે રૂ. ૧,૨૬,૭૧૮ ઉપાડી લેવાયા હતા.
સિહોરના વેપારી સાથે આસામથી ઠગાઈ:
સિહોરના ગુંદાળા ગામના હરદેવભાઈ ખેર નામના વેપારી પાસેથી આસામના સોપારી એજન્ટ મહેશ્વર મોહિત રોયે રૂ. ૪,૨૦,૦૦૦ ઓનલાઈન ટ્રાન્સફર કરાવી સોપારી મોકલ્યા વિના છેતરપિંડી કરી હતી.
સર્ટિફિકેટના નામે ૨.૯૨ લાખનો ચૂનો:
મહુવાના સથરા ગામના અર્જુનસિંહ વાળા પાસે ભોપાલમાં ઓફિસ હોવાનું કહી કોર્સ સર્ટિફિકેટ આપવાના નામે મોહમદ અન્સાર નામના શખ્સે રૂ. ૨,૯૨,૦૦૦ ટ્રાન્સફર કરાવી લીધા હતા.
સાયબર સેલ દ્વારા તપાસ શરૂ:
ભાવનગર સાયબર ક્રાઈમ સેલ અને ટેકનિકલ ટીમોએ બેંક ખાતાઓ ફ્રીઝ કરવા અને IP એડ્રેસ તથા CDR આધારે તપાસ તેજ કરી છે. સાયબર ક્રાઈમ સેલના PI ચૌધરીએ નાગરિકોને અપીલ કરી છે કે નવરાત્રિ નજીક આવતાં ગરબા પાર્ટનર કે અન્ય પેકેજીસના નામે આવતી અજાણી લિંક્સ પર ક્લિક ન કરવું અને કોઈપણ સાયબર ફ્રોડ થાય તો તુરંત 1930 હેલ્પલાઈન પર સંપર્ક કરવો.
આ પણ વાંચો:અમદાવાદમાં ધોળે દિવસે રિવોલ્વર બતાવી લૂંટ : ઘટનાના દ્રશ્યો સીસીટીવીમાં કેદ
આ પણ વાંચો:ચાંગોદરમાં સાયબર ફ્રોડ: બોસ બની એકાઉન્ટન્ટ પાસે ₹3 કરોડ ટ્રાન્સફર કરાવ્યા, 1 મિનિટમાં ભાંડો ફૂટ્યો
આ પણ વાંચો:ફોન ઓટો-રીસેટ કરતા બેંક ખાતું ખાલી! મુંબઈમાં નવા સાયબર ફ્રોડથી CISF જવાનને ₹95 હજારનો ફટકો
