Gujarat News/ ગુજરાતમાં ભારે વરસાદ: ઉત્તર ગુજરાતથી દક્ષિણ ગુજરાત સુધી વ્યાપક નુકસાન, અનેક જિલ્લાઓમાં પૂર જેવી સ્થિતિ

Gujarat Flood Update: ગુજરાતમાં વરસાદી તાંડવથી વ્યાપક નુકસાન, ઉત્તર ગુજરાતથી લઈને મધ્ય ગુજરાત, અમદાવાદ, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર સુધી જનજીવન અસ્તવ્યસ્ત..

Gujarat Top Stories
Gujarat Flood Update: જિલ્લાઓમાં પૂર જેવી સ્થિતિ

Gujarat News: રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલા ભારે વરસાદે ગુજરાતના (Gujarat Flood Update) અનેક જિલ્લાઓમાં જનજીવન અસ્તવ્યસ્ત બનાવી દીધું છે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, અમદાવાદ જિલ્લો, દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં પાણી ભરાવા, રસ્તાઓ ધોવાઈ જવા, વાહનવ્યવહાર ખોરવાઈ જવા અને ખેડૂતોને નુકસાન જેવી પરિસ્થિતિઓ સામે આવી રહી છે. અનેક સ્થળોએ તંત્ર દ્વારા એલર્ટ (Gujarat Flood Update) જાહેર કરી રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે.

Gujarat Flood Update: ઉત્તર ગુજરાતમાં નદીઓમાં પાણીની આવક, માર્ગો બિસ્માર

મહેસાણામાં સાબરમતી નદીમાં પાણી છોડવાની તૈયારી

મહેસાણા જિલ્લાના (Mehsana Rain Update) વિજાપુર નજીક હિરપુરા બેરેજમાં ઉપરવાસમાંથી ભારે પાણીની આવક નોંધાતા સાબરમતી નદીમાં પાણી છોડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હાલમાં બેરેજમાં આશરે 900 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. તંત્રે વિજાપુરથી હિંમતનગર સુધીના નદીકાંઠાના ગામોને એલર્ટ કરી નદીમાં ન જવા તેમજ પશુઓને પણ નદીના પટમાં ન લઈ જવાની સૂચના આપી છે.

બનાસકાંઠામાં રસ્તાઓ ધોવાયા, ગામોનો સંપર્ક તૂટ્યો

બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદથી (Banaskantha Rain) અનેક રસ્તાઓ ધોવાઈ ગયા છે. વિઠોદર ગામમાં શાળાએ જવાનો મુખ્ય માર્ગ તૂટી જતાં વિદ્યાર્થીઓ, ખેડૂતો અને પશુપાલકો મુશ્કેલીમાં મુકાયા છે. સ્થાનિકોએ તાત્કાલિક માર્ગનું સમારકામ કરવાની માંગ કરી છે.

ડીસા-આગડોલ માર્ગ કાદવમાં ફેરવાયો

Gujarat Flood Update: જિલ્લાઓમાં પૂર જેવી સ્થિતિ

ડીસા-આગડોલ વચ્ચેનો આશરે 4થી 5 કિલોમીટરનો માર્ગ કાદવમાં (Gujarat Waterlogging) ફેરવાઈ ગયો છે. ટ્રેક્ટર સિવાય અન્ય કોઈ વાહન પસાર થઈ શકે તેવી સ્થિતિ નથી. છેલ્લા પાંચથી સાત દિવસથી વિદ્યાર્થીઓ શાળાએ જઈ શક્યા નથી, જ્યારે દૂધ ભરાવવા માટે પશુપાલકોને ટ્રેક્ટરનો સહારો લેવો પડી રહ્યો છે. અનેક રજૂઆતો છતાં કાયમી રસ્તો ન બનતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

સાબરકાંઠામાં નવા ઓવરબ્રિજમાં જ ગાબડાં

Gujarat Flood Update: જિલ્લાઓમાં પૂર જેવી સ્થિતિ

સાબરકાંઠાના પ્રાંતિજ ત્રણ રસ્તા પાસે માત્ર ત્રણ મહિના પહેલા બનેલા ઓવરબ્રિજમાં (Gujarat Waterlogging) ગાબડાં પડતાં વાહનચાલકોમાં ભયનો માહોલ છે. ઓવરબ્રિજનો સ્લેબ બેસી જતાં લોકો તંત્ર અને કોન્ટ્રાક્ટરની કામગીરી સામે સવાલો ઉઠાવી રહ્યા છે. ઘટનાને લઈને બેદરકારી અને ભ્રષ્ટાચારના આક્ષેપો પણ થઈ રહ્યા છે.

મધ્ય ગુજરાતમાં વરસાદ બાદ નુકસાનની તસવીરો સામે આવી

સુરતમાં પાણી ઓસરતાં નુકસાનનો સાચો ચિતાર

સુરતના પર્વત ગામની શાંતિકુંજ સોસાયટીમાં બે દિવસ બાદ પાણી ઓસરતાં રહેવાસીઓ પોતાના ઘરોની સફાઈમાં લાગી ગયા છે. ઘરોમાં ઘરવખરી અને ઈલેક્ટ્રોનિક સાધનોને ભારે નુકસાન પહોંચ્યું છે. છેલ્લા માત્ર 15 દિવસમાં બીજી વખત પાણી ભરાતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. દર વર્ષે જળબંબાકારની સમસ્યાથી કંટાળેલા લોકોએ કાયમી ઉકેલની માંગ કરી છે.

અમદાવાદ જિલ્લામાં ગામો પાણીમાં, રસ્તાઓ તૂટ્યા

સાણંદનું ડરણ ગામ હજુ પણ પાણીમાં ઘેરાયેલું

Gujarat Flood Update: જિલ્લાઓમાં પૂર જેવી સ્થિતિ

અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાનું ડરણ ગામ ભારે વરસાદ બાદ હજુ પણ પાણીમાં ઘેરાયેલું છે. ગામનો મુખ્ય સંપર્ક માર્ગ તૂટી જતાં વાહનવ્યવહાર જોખમી બની ગયો છે. વરસાદ બંધ થયા બાદ પણ ગામમાં પાણી ભરાયેલા હોવાથી લોકો મુશ્કેલીમાં જીવન વિતાવી રહ્યા છે.

સ્થાનિકોના જણાવ્યા મુજબ છેલ્લા 25 વર્ષથી આ સમસ્યા યથાવત છે, છતાં કાયમી ઉકેલ આવ્યો નથી. તળાવ ઓવરફ્લો થતાં વરસાદી પાણી સીધું ઘરોમાં ઘૂસી ગયું છે, જેના કારણે લોકોનું જનજીવન પ્રભાવિત બન્યું છે. ગામજનોએ તાત્કાલિક રાહત અને રસ્તાના સમારકામની માંગ કરી છે.

સૌરાષ્ટ્ર તરફ જતાં માર્ગો હજુ પણ પ્રભાવિત

પાટડી હાઈવે પર વાહનવ્યવહાર હજુ શરૂ થયો નથી

Gujarat Flood Update: જિલ્લાઓમાં પૂર જેવી સ્થિતિ

સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી હાઈવે પર ત્રણ દિવસ બાદ પાણી ઓસરવાની શરૂઆત થઈ છે, પરંતુ હજી સુધી વાહનવ્યવહાર શરૂ થઈ શક્યો નથી. લોકોને હાલ માત્ર પગપાળા અવરજવર કરવાની જ છૂટ આપવામાં આવી છે.હાઈવે પર અનેક ટ્રકો અને અન્ય ભારે વાહનો ફસાયેલા છે. તંત્ર દ્વારા સમારકામ પૂર્ણ થયા બાદ જ વાહનવ્યવહાર શરૂ કરવામાં આવશે. ત્યારબાદ રાધનપુર, પાટણ અને રાજસ્થાન તરફ જતો મહત્વનો માર્ગ ફરી કાર્યરત બનશે.

તંત્ર એલર્ટ મોડમાં, લોકોને સાવચેતી રાખવાની અપીલ

રાજ્યના અનેક જિલ્લાઓમાં હજુ પણ વરસાદની આગાહી વચ્ચે તંત્ર એલર્ટ પર છે. નદીકાંઠાના વિસ્તારોમાં લોકોને નદીમાં ન જવા, પાણી ભરાયેલા રસ્તાઓ પર અવરજવર ટાળવા અને પ્રશાસનની સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરવામાં આવી છે. સાથે જ અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત અને બચાવ કામગીરી પણ સતત ચાલુ રાખવામાં આવી રહી છે.


આ પણ વાંચો: વડોદરામાં પ્રથમ વરસાદે તંત્રની પોલ ખોલી! ઝવેરનગરમાં ભુવો પડ્યો, અક્ષર ચોકમાં વિશાળ ખાડો સર્જાતા લોકોમાં ભારે રોષ

આ પણ વાંચો: સિઝનનો 53.67% વરસાદ પૂર્ણ, દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 77.42%; 21 ડેમ હાઈ એલર્ટ પર, 357 રસ્તા બંધ

આ પણ વાંચો: બોપલમાં મેયરની મુલાકાત દરમિયાન હોબાળો: ત્રણ દિવસથી પાણીમાં ફસાયેલા લોકોએ ઠાલવ્યો રોષ