Not Set/ ગતિશીલ ગુજરાત વચ્ચે નાંદરખા ગ્રામજનોની શૌચાલયની માંગ

શૌચાલયોમાં નથી પાણીની સગવડ કે નથી ખાર કુવાઓની સગવડ ખાર કુવાઓ તો માત્રને માત્ર નામ પૂરતા જ બે ફૂટના ખાડા કરવામાં આવ્યા

Gujarat

@મોહસીન દાલ, મંતવ્ય ન્યુઝ , અમદાવાદ.

 

“ગામની આબરૂ ઘેર ઘેર જાજરૂ” રાજય સરકારના સૂત્રને પોકળ સાબિત કરતું નાંદરખા ગ્રામ પંચાયત

પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના નાંદરખા ગ્રામ પંચાયતમાં સરપંચ તલાટી કમ મંત્રી અને કોન્ટ્રાક્ટરોની મીલીભગત દ્વારા બનાવવામાં આવેલ શૌચાલયો ખાલી નામ પૂરતા જ હોય તેવું દેખાઈ રહયું છે કેમ કે શૌચાલયોમાં નથી પાણીની સગવડ કે નથી ખાર કુવાઓની સગવડ ખાર કુવાઓ તો માત્રને માત્ર નામ પૂરતા જ બે ફૂટના ખાડા કરવામાં આવ્યા છે ત્યારે કેટલાક શૌચાલયોમાં તો એક વર્ષમાં દરવાજાઓ પણ તૂટી ગયેલા નજરે પડે છે.ત્યારે નાંદરખા ગ્રામ પચાયતના ગ્રામજનોને આજે પણ ખુલ્લામાં શૌચક્રિયા કરવા માટે જવું પડે છે.

પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકામાં શૌચાલયોમાં જાણે કે સરપંચ, તલાટી કમ મંત્રી તેમજ કોન્ટ્રાક્ટરો દ્વારા મસમોટો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોય તેમ છે. કારણ કે નાંદરખા ગ્રામ પંચાયતમાં કોન્ટ્રાક્ટરો દ્વારા બનાવવામાં આવેલ શૌચાલયોમાં નથી પાણીની સગવડ કે નથી ખાર કુવાની અને કેટલાક શૌચાલયોમાં તો દરવાજા પણ નથી અને ખાર કૂવાના ખાડાઓ તો માત્રને માત્ર બે બે ફૂટના ખોદીને ખુલ્લા જ મૂકી દેવામાં આવ્યા હોય ત્યારે આ રીતે બનાવવામાં આવેલ શૌચાલયોને ઉપયોગમાં લેવાય તેમ ન હોવાથી ગ્રામજનોને આજે પણ શૌચક્રિયા કરવા માટે ખુલ્લામાં જ જવું પડે છે અને આ શૌચાલયો જે તે લાભાર્થીઓ ને બનાવવાના હોય છે.

તેમ છતાં તલાટી કમ મંત્રી અને સરપંચ દ્વારા એમના મળતીયાઓ જોડે કામ કરાવીને ભ્રષ્ટાચાર આચરવામાં આવતો હોય છે તેમજ આ શૌચાલયો બનાવ્યા બાદ સ્થળ ચકાસણી કરવા પણ તાલુકા પંચાયતના સ્વચ્છ ભારત મિશનના સત્તાધીશોને સમય નથી અને આ શૌચાલયોની ઓનલાઈન બારોબાર એન્ટ્રી કરી પેમેન્ટ ચુકવણાઓ કરવામાં આવતા હોવાનું જાણવા મળી રહયું છે તેમજ આ શૌચાલયો માટે જિલ્લા સત્તાધીશો દ્વારા આળસ ખંખેરી જિલ્લામાં તટસ્થ તપાસ કરવામાં આવે તો દરેક ગ્રામ પંચાયતોમાં શૌચાલયોના નામ ઉપર આચરવામાં આવેલ મોટાપાયે ભ્રષ્ટાચાર બહાર આવી શકે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. જિલ્લાના સત્તાધીશો દ્વારા આળસ ખંખેરીને દરેક ગ્રામ પંચાયતોમાં તટસ્થ તપાસ કરવામાં આવશે કે કેમ એ તો હવે આવનાર સમય જ બતાવશે…