Ahmedabad News: અમદાવાદમાં ભારે વરસાદ બાદ (Bopal Waterlogging) બોપલ, ઘુમા અને શેલા વિસ્તારમાં (Shela Waterlogging) હજુ પણ અનેક સોસાયટીઓમાં પાણી ભરાયેલા છે. આવી સ્થિતિ વચ્ચે મેયર હિતેષ બારોટ (Hitesh Barot) બોપલ ગામની મુલાકાતે પહોંચતા સ્થાનિક રહિશો અને કોંગ્રેસના કાર્યકરોએ તેમનો ઘેરાવ કરી પાણીના નિકાલમાં વિલંબ અંગે ઉગ્ર રજૂઆત કરી હતી.
Bopal Waterlogging: ત્રણ દિવસથી પાણીમાં જીવન જીવવા મજબૂર લોકો

સ્થાનિકોના જણાવ્યા મુજબ ઠાકોરવાસ, પરમારવાસ સહિતના વિસ્તારોમાં છેલ્લા ત્રણ દિવસથી પાણી (Bopal Waterlogging) ભરાયેલા છે. અનેક ઘરોમાં પાણી ઘૂસી જતાં ઘરવખરીને નુકસાન થયું છે, જ્યારે પીવાનું પાણી અને રોજિંદી જરૂરિયાતની વસ્તુઓ મેળવવામાં પણ લોકોને ભારે મુશ્કેલી પડી રહી છે. કેટલાક વિસ્તારોમાં બોટ મારફતે અવરજવર કરવાની સ્થિતિ સર્જાઈ હતી.
કોંગ્રેસે તંત્રની કામગીરી પર ઉઠાવ્યા સવાલ
કોંગ્રેસના થલતેજ વોર્ડ પ્રમુખ સુરેશ વિહોલે આરોપ લગાવ્યો કે તંત્ર દ્વારા સમયસર પાણીના નિકાલની કામગીરી કરવામાં આવી નહોતી. તેમણે જણાવ્યું કે રહેણાંક વિસ્તારોમાંથી પાણી કાઢવાની માંગ કરતાં મેયરે “તમારાથી થતું હોય તો તમે કરી લો” એવો જવાબ આપ્યો હોવાનો દાવો કર્યો.
મેયરનો જવાબ: “કોંગ્રેસનો કાર્યકર હોબાળો કરી રહ્યો હતો”
મેયર (Ahmedabad Mayor) હિતેષ બારોટે જણાવ્યું કે ઉગ્ર વિરોધ કરનાર વ્યક્તિ કોંગ્રેસનો કાર્યકર અને પૂર્વ ચૂંટણી ઉમેદવાર હતો. તેમણે કહ્યું કે અસરગ્રસ્ત વિસ્તારમાં પાંચ પંપ દ્વારા સતત પાણી કાઢવાની કામગીરી ચાલી રહી છે. સાથે જ પીવાના પાણી માટે ટેન્કર, ફૂડ પેકેટ અને આરોગ્ય વિભાગની ટીમ પણ તૈનાત કરવામાં આવી છે.
નીચાણવાળા વિસ્તારોમાં પાણીના નિકાલમાં મુશ્કેલી

મેયરના જણાવ્યા અનુસાર કેટલીક સોસાયટીઓ મુખ્ય માર્ગ કરતાં લગભગ પાંચ ફૂટ નીચાણમાં આવેલી હોવાથી પાણીનો નિકાલ ધીમો થઈ રહ્યો છે. મહાનગરપાલિકા દ્વારા સતત પંપિંગ કામગીરી ચાલુ રાખવામાં આવી હોવાનું તેમણે જણાવ્યું.
આ પણ વાંચો: ઉત્તર ગુજરાતમાં વરસાદનો કહેર : બનાસકાંઠામાં રેડ એલર્ટ, 5 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર
આ પણ વાંચો: અમદાવાદના ગેલોપ્સ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં જળબંબાકાર: 910 લોકોનું હોડીથી રેસ્ક્યૂ, બગોદરા-ધંધુકા હાઇવે બંધ
