Ahmedabad News/ અમદાવાદમાં વધતી જતી કાળઝાળ ગરમી સામે AMCનો વ્યાપક હીટ એક્શન પ્લાન અમલમાં,  350થી વધુ પાણીની પરબો શરૂ, બસ સ્ટેશનો પર વિશેષ વ્યવસ્થા

અમદાવાદમાં વધતી ગરમી વચ્ચે AMCએ હીટ એક્શન પ્લાન અમલમાં મૂક્યો છે. શહેરમાં 350થી વધુ પાણી પરબો, બસ સ્ટેશન પર ORS અને શાળાઓમાં ‘Water Bell’ જેવી વ્યવસ્થા કરવામાં આવી છે.

Top Stories Ahmedabad Gujarat Breaking News
AMC

Ahmedabad News:અમદાવાદમાં હીટવેવના જોખમને ઘટાડવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા તૈયાર કરાયેલા હીટ એક્શન પ્લાનની અમલવારી શરૂ કરવામાં આવી છે. આ પ્લાન વર્ષ 2013થી અમલમાં છે અને તેને દર વર્ષે અપડેટ કરવામાં આવે છે, જેના કારણે શહેરમાં હીટવેવ સંબંધિત મૃત્યુઆંકમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે.

અમદાવાદ, ગુજરાતનું સૌથી મોટું શહેર અને ભારતના સૌથી ગરમ શહેરોમાંનું એક છે. માર્ચ મહિનામાં જ તાપમાન 38 ડિગ્રી સેલ્સિયસને પાર કરી ગયું છે, જે સામાન્ય કરતા 8-10 ડિગ્રી વધુ છે. આ વર્ષે પણ તીવ્ર ગરમીની આગાહીને ધ્યાનમાં રાખીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા હીટ એક્શન પ્લાન (HAP)ને અમલમાં મૂકવામાં આવ્યો છે. આ પ્લાન ભારતમાં પ્રથમ વખત 2013માં અમદાવાદમાં શરૂ કરવામાં આવ્યો હતો અને તેના કારણે દર વર્ષે આશરે 1,190 જીવન બચાવવામાં સફળતા મળી છે. આ પ્લાનમાં જાહેર જનતા માટે જાગૃતિ અભિયાન, પીવાના પાણીની વ્યવસ્થા અને તબીબી સુવિધાઓનો સમાવેશ થાય છે.

AMC દ્રારા 350 પાણી પરબો શરૂ કરાઈ 

AMCએ એનજીઓ અને બિલ્ડર્સના સહયોગથી શહેરમાં 350થી વધુ પાણીની પરબો શરૂ કરી છે. આ પરબો મુખ્ય ચોક અને વ્યસ્ત વિસ્તારોમાં સ્થાપિત કરવામાં આવી છે, જેથી રાહદારીઓ અને મજૂર વર્ગને તરત જ પાણી મળી રહે. ઉપરાંત, AMTS અને BRTS બસ સ્ટેશનો પર પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે. આ સ્ટેશનો પર ORS પેકેટ્સ પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે, જે ડિહાઇડ્રેશનને અટકાવવામાં મદદરૂપ થશે.

મ્યુનિસિપલ શાળાઓમાં વિદ્યાર્થીઓની સુરક્ષા માટે દર દોઢ કલાકે ‘વોટર બેલ’ વગાડવાની વ્યવસ્થા કરવામાં આવી છે. તમામ આંગણવાડી કેન્દ્રોમાં ORS પેકેટ્સ વિતરિત કરાયા છે, જેથી બાળકો અને મહિલાઓને ગરમીના પ્રભાવથી બચાવી શકાય. હોસ્પિટલોમાં હીટ સ્ટ્રોક માટે અલગ વોર્ડ અને વ્યવસ્થા તૈયાર કરવાની સૂચના આપવામાં આવી છે.

શહેરની તમામ કન્સ્ટ્રક્શન સાઇટ્સ પર મજૂરોની સુરક્ષા માટે બપોરે 1થી 4 વાગ્યા સુધી કામગીરી બંધ રાખવાના આદેશ આપવામાં આવ્યા છે. માત્ર અનિવાર્ય સંજોગોમાં જ કામ ચાલુ રાખી શકાશે. સફાઈ કામદારોના કાર્યસમયમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે, જેથી તેઓને ગરમીના સમયમાં કામ ન કરવું પડે. ગરમીથી રાહત મેળવવા માટે તમામ મ્યુનિસિપલ બગીચાઓ સવારે 6 વાગ્યાથી રાત્રે 11 વાગ્યા સુધી ખુલ્લા રાખવામાં આવશે.આ પ્લાનની અસરકારકતા પરથી જાણી શકાય છે કે 2010ની હીટવેવમાં અમદાવાદમાં 1,344 વધારાના મૃત્યુ નોંધાયા હતા, પરંતુ HAP અમલ પછી આ આંકડો ઘટીને 25% જેટલો ઓછો થયો છે.


આ પણ વાંચો:AMC બજેટ સભામાં વિવાદાસ્પદ સ્લોટર હાઉસ મુદ્દો, BJP MLA અમિત શાહના વિરોધ બાદ ₹32 કરોડનો પ્લાન પાછો ખેંચાયો

આ પણ વાંચો:અમદાવાદમાં ફાયર સેફ્ટી અને નિયમોના નામે AMCની કડક કાર્યવાહી, 50થી વધુ PG સીલ, યુવક-યુવતીઓ રસ્તા પર ઉતર્યા

આ પણ વાંચો:AMCનું વર્ષ 2026-27 માટેનું ડ્રાફ્ટ બજેટ રજૂ