Ahmedabad News/ ચાંગોદરમાં સાયબર ફ્રોડ: બોસ બની એકાઉન્ટન્ટ પાસે ₹3 કરોડ ટ્રાન્સફર કરાવ્યા, 1 મિનિટમાં ભાંડો ફૂટ્યો

ચાંગોદરની ખાનગી કંપનીમાં સાયબર ઠગો (Changodar Cyber Fraud)એ ડિરેક્ટરનો ફોટો અને નામ વાપરી નકલી WhatsApp પ્રોફાઇલ બનાવી એકાઉન્ટન્ટ પાસે ₹3 કરોડ ટ્રાન્સફર કરાવી લીધા. અસલી બોસ સાથે કોન્ફરન્સ કોલમાં વાત થતાં માત્ર એક મિનિટમાં સમગ્ર ફ્રોડનો ભાંડો ફૂટ્યો.

Top Stories Ahmedabad Gujarat Breaking News
Changodar Cyber Fraud: ‘હું બોસ બોલું છું...’ કહી કંપનીમાંથી ₹3 કરોડ પડાવ્યા, અસલી બોસ સાથે વાત થતાં ભાંડો ફૂટ્યો

Ahmedabad News: અમદાવાદના ચાંગોદરમાં આવેલી એક ખાનગી કંપનીમાં સાયબર છેતરપિંડી (Changodar Cyber Fraud)નો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. સાયબર ગઠિયાઓએ કંપનીના ડિરેક્ટરનો ફોટો અને નામ વાપરીને નકલી WhatsApp પ્રોફાઇલ બનાવી હતી. ત્યારબાદ કંપનીના એકાઉન્ટન્ટને બોસ બની મેસેજ કરી વિશ્વાસમાં લીધો અને કંપનીના બેંક ખાતામાંથી ₹3 કરોડ અન્ય ખાતામાં ટ્રાન્સફર કરાવી લીધા હતા.

ચોંકાવનારી વાત એ છે કે એકાઉન્ટન્ટે કંપનીના અન્ય ભાગીદાર પાસેથી પેમેન્ટ માટે ફોન પર મંજૂરી પણ મેળવી હતી. જોકે, પેમેન્ટ સફળ થયા બાદ ગણતરીની મિનિટોમાં અસલી ડિરેક્ટર અને ભાગીદાર સાથે કોન્ફરન્સ કોલ થયો ત્યારે સમગ્ર સાયબર ફ્રોડ (Changodar Cyber Fraud)નો પર્દાફાશ થયો હતો.

ડિરેક્ટરના નામ અને ફોટાથી નકલી WhatsApp પ્રોફાઇલ બનાવી

મળતી માહિતી મુજબ ગોતામાં રહેતા અને ચાંગોદરની ખાનગી કંપનીમાં એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરતા વ્યક્તિએ સમગ્ર મામલે ફરિયાદ નોંધાવી છે. 18 ઓગસ્ટની સવારે તેઓ કંપનીમાં કામ કરી રહ્યા હતા ત્યારે તેમના મોબાઇલ પર અજાણ્યા નંબર પરથી WhatsApp મેસેજ આવ્યો હતો. મેસેજ કરનાર વ્યક્તિએ કંપનીના ડિરેક્ટરનું નામ અને ફોટો પોતાના WhatsApp પ્રોફાઇલમાં મૂક્યો હતો. અચાનક ડિરેક્ટરના નામે નંબર દેખાતા એકાઉન્ટન્ટને મેસેજ કરનાર વ્યક્તિ કંપનીના બોસ જ હોવાનું લાગ્યું હતું.

Changodar Cyber Fraud: પહેલા કંપનીના બેંક બેલેન્સની માહિતી માંગી

ઠગે બોસ બનીને એકાઉન્ટન્ટ સાથે વાતચીત શરૂ કરી અને કંપનીના બેંક ખાતામાં કેટલું બેલેન્સ છે તે અંગે માહિતી માંગી હતી. એકાઉન્ટન્ટે કંપનીના બેંક ખાતામાં આશરે ₹13 કરોડથી વધુની રકમ અને CCમાં ₹6 કરોડનું બેલેન્સ હોવાની માહિતી આપી હતી. આ માહિતી મળ્યા બાદ ઠગે એક બેંક એકાઉન્ટની વિગતો મોકલી હતી અને તેમાં ₹3 કરોડ ટ્રાન્સફર કરવા સૂચના આપી હતી.

બોસનો મેસેજ માનીને એકાઉન્ટન્ટે ₹3 કરોડ ટ્રાન્સફર કર્યા

WhatsApp પ્રોફાઇલમાં ડિરેક્ટરનો ફોટો અને નામ હોવાથી એકાઉન્ટન્ટને કોઈ શંકા ગઈ નહોતી. તેમણે ઠગના મેસેજને ડિરેક્ટરની સૂચના માની હતી. ત્યારબાદ એકાઉન્ટન્ટે ₹3 કરોડના પેમેન્ટ માટે Excel ફાઇલ તૈયાર કરી અને કંપનીના બેંક ખાતામાંથી રકમ ટ્રાન્સફર કરવાની પ્રક્રિયા હાથ ધરી હતી. પેમેન્ટ માટે કંપનીના અન્ય ભાગીદાર પાસેથી પણ ફોન પર મંજૂરી લેવામાં આવી હતી. આથી એકાઉન્ટન્ટને સમગ્ર પ્રક્રિયા સાચી હોવાનું જ લાગ્યું હતું.

Changodar Cyber Fraud: માત્ર એક મિનિટમાં સાયબર ફ્રોડનો ભાંડો ફૂટ્યો

આ કેસમાં સૌથી ચોંકાવનારી બાબત એ છે કે પેમેન્ટ થયા બાદ તરત જ છેતરપિંડીની જાણ થઈ હતી. સવારે 11:46 વાગ્યે ₹3 કરોડનું પેમેન્ટ સફળ થયાનો ઈ-મેલ આવ્યો હતો. ત્યારબાદ માત્ર એક મિનિટ પછી એટલે કે 11:47 વાગ્યે એકાઉન્ટન્ટે અસલી કંપનીના ડિરેક્ટર અને ભાગીદાર સાથે કોન્ફરન્સ કોલ પર વાત કરી હતી. આ વાતચીત દરમિયાન ડિરેક્ટરે સ્પષ્ટ કર્યું કે તેમણે આવો કોઈ મેસેજ કર્યો જ નથી અને ₹3 કરોડ ટ્રાન્સફર કરવા માટે કોઈ સૂચના પણ આપી નહોતી. ત્યારે એકાઉન્ટન્ટને સમજાયું કે WhatsApp પર બોસ બનીને વાત કરનાર વ્યક્તિ સાયબર (Changodar Cyber Fraud) ઠગ હતો અને કંપની સાથે મોટી છેતરપિંડી થઈ ચૂકી હતી.

સાયબર ક્રાઈમ પોલીસમાં ફરિયાદ

સમગ્ર મામલો સામે આવ્યા બાદ એકાઉન્ટન્ટે આ અંગે ગ્રામ્ય સાયબર ક્રાઈમ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે સાયબર (Changodar Cyber Fraud) ઠગોએ કયા બેંક ખાતામાં રકમ ટ્રાન્સફર કરાવી, WhatsApp પર કયા નંબરથી સંપર્ક કરવામાં આવ્યો હતો અને આ છેતરપિંડી પાછળ કેટલા લોકો સંડોવાયેલા છે તે સહિતના મુદ્દે તપાસ શરૂ કરી છે. સાથે જ ટ્રાન્ઝેક્શનની વિગતો અને અન્ય ડિજિટલ પુરાવાના આધારે આરોપીઓ સુધી પહોંચવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.


આ પણ વાંચો:₹1071 કરોડના સાયબર ફ્રોડનો પર્દાફાશ: ચાઈલ્ડ પોર્નોગ્રાફીના નામે ડિજિટલ એરેસ્ટ, 25 વર્ષના આરોપીની ધરપકડ

આ પણ વાંચો:માત્ર એક ઇ-મેઇલથી અમરેલી પોલીસે ફરિયાદ નોંધી કરી કાર્યવાહી, NRIને સાયબર ફ્રોડમાં ગુમાવેલી 11 લાખની રકમ પરત અપાવી

આ પણ વાંચો:પાટણના ચાણસ્મામાં રૂ.7.16 કરોડના સાયબર ફ્રોડનો પર્દાફાશ, 33 સામે ગુનો; 20 આરોપીઓ ઝડપાયા