Amreli News: વિદેશમાં રહેતા ભારતીયો માટે છેતરપિંડીના કેસોમાં ન્યાય મેળવવો ઘણીવાર મુશ્કેલ બની જાય છે. પરંતુ ગુજરાતની અમરેલી પોલીસે (Police)એક અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે. ઓસ્ટ્રેલિયાના સિડનીમાં રહેતા એક NRIએ માત્ર એક ઇ-મેઇલ દ્વારા ફરિયાદ નોંધાવી અને થોડા જ દિવસોમાં ગુમાવેલા 11 લાખ પરત મેળવી લીધા. સાયબર ક્રાઈમની આ ઘટના દર્શાવે છે કે સમયસર ફરિયાદ અને પોલીસની ત્વરિત કાર્યવાહીથી સાયબર છેતરપિંડીના કેસોમાં પણ અસરકારક પરિણામ મેળવી શકાય છે.
એક ઇ-મેઇલ અને NRIને અમરેલી Policeએ પરત અપાવ્યા 11 લાખ
ઓસ્ટ્રેલિયાના સિડનીમાં રહેતા ભારતીય નાગરિક સૌરભ જોલીએ જૂન 2026માં અમરેલી જિલ્લા પોલીસ વડાને ઇ-મેઇલ દ્વારા છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. તેમણે એપ્રિલ 2026 દરમિયાન સોનું ખરીદવા માટે અમરેલીના એક વ્યક્તિના ખાતામાં 11 લાખ ટ્રાન્સફર કર્યા હતા. પરંતુ પેમેન્ટ કર્યા બાદ પણ તેમને સોનું મળ્યું નહોતું. ફરિયાદ મળતાં જ અમરેલી પોલીસે તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી હતી. ફરિયાદી હજારો કિલોમીટર દૂર હોવા છતાં પોલીસ દ્વારા સતત સંપર્કમાં રાખવામાં આવ્યા અને તપાસની દરેક પ્રગતિ વિશે માહિતગાર કરવામાં આવ્યા.
સાયબર ક્રાઇમ ટીમે બેંક સાથે સંકલન કરી કાર્યવાહી
અમરેલી જિલ્લા પોલીસ વડા સંજય ખરાતના જણાવ્યા અનુસાર ફરિયાદ મળતાં જ સાયબર ક્રાઇમ (Cyber Crime) ટીમે સંબંધિત બેંક સાથે સંકલન સાધ્યું અને નાણાંના વ્યવહારોની તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે નાણા મેળવનાર વ્યક્તિ અમરેલીનો રહેવાસી હતો. પોલીસે તેની સાથે સીધી વાતચીત કરી અને ફરિયાદની ગંભીરતા સમજાવી હતી. સતત અનુસંધાન બાદ આરોપી વ્યક્તિએ ફરિયાદીની સંપૂર્ણ 11 લાખની રકમ પરત આપવા સંમતિ દર્શાવી અને આખી રકમ પરત કરી દીધી.
ઓનલાઈન ફ્રોડ સામે ગુજરાત પોલીસની અસરકારક કામગીરી
આ સમગ્ર કેસમાં અમરેલી સાયબર ક્રાઇમ પોલીસના ઇન્સ્પેક્ટર કમલેશ ખટાણાની ટીમે મહત્વની ભૂમિકા ભજવી હતી. પોલીસે માત્ર તપાસ પૂરતી મર્યાદિત ન રહી, પરંતુ ફરિયાદીને સતત અપડેટ આપીને વિશ્વાસ જાળવી રાખ્યો હતો. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ પોલીસને સાયબર ફ્રોડના ભોગ બનેલા લોકોને તાત્કાલિક સહાય પૂરી પાડવા અને તેમની મહેનતની કમાણી સુરક્ષિત રાખવા માટે તમામ શક્ય પ્રયાસો કરવાની સૂચના આપી છે. આ ઘટનાએ રાજ્યમાં સાયબર ગુનાઓ સામે પોલીસની પ્રતિબદ્ધતા વધુ સ્પષ્ટ કરી છે.
પોલીસની કામગીરીની NRI ફરિયાદીએ કરી પ્રશંસા
સૌરભ જોલીએ અમરેલી પોલીસને આભાર વ્યક્ત કરતાં જણાવ્યું કે તેઓ ઓસ્ટ્રેલિયામાં હોવા છતાં ક્યારેય એવું લાગ્યું નહીં કે તેઓ તપાસથી દૂર છે. પોલીસની ઝડપી કમ્યુનિકેશન, પારદર્શક કામગીરી અને દરેક પ્રશ્નના સમયસર જવાબથી તેમનો વિશ્વાસ વધુ મજબૂત બન્યો હતો. તેમણે જણાવ્યું કે સાયબર ફ્રોડ (Cyber Fraud)ના વધતા જોખમ વચ્ચે અમરેલી પોલીસની કામગીરી અન્ય પીડિતો માટે પણ પ્રેરણાદાયક છે. આ ઘટના એ સાબિત કરે છે કે યોગ્ય સમયે ફરિયાદ કરવામાં આવે અને પોલીસ સક્રિય રીતે કાર્યવાહી કરે તો છેતરપિંડીના કેસોમાં પણ ગુમાવેલી રકમ પરત મેળવી શકાય છે. આ કેસ ગુજરાત પોલીસની વ્યાવસાયિકતા અને અસરકારક તપાસનું ઉત્તમ ઉદાહરણ બની રહ્યો છે.
આ પણ વાંચો:સાયબર ક્રાઇમ સામે ગુજરાત સરકારનો માસ્ટર સ્ટ્રોક: હર્ષ સંઘવીએ બેંકો-પોલીસ સાથે યોજી હાઇ લેવલ બેઠક
આ પણ વાંચો:પાટણના ચાણસ્મામાં રૂ.7.16 કરોડના સાયબર ફ્રોડનો પર્દાફાશ, 33 સામે ગુનો; 20 આરોપીઓ ઝડપાયા
આ પણ વાંચો:ઓપરેશન મ્યુલ હંટ : 11 સાયબર કેસમાં સંડોવાયેલ બેંક ખાતાધારક ઝડપાયો
