Gandhinagar News: ગુજરાત સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સે દેશભરમાં ચાલતા મોટા સાયબર ફ્રોડ (Child Pornography Scam) નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. તપાસમાં ₹1,071 કરોડના સાયબર ફ્રોડ (Cyber Fraud) સાથે જોડાયેલા 1,090 ગુનાઓનો ભેદ ઉકેલાયો હોવાનું પોલીસ દ્વારા જણાવાયું છે. આ કેસમાં આસામના 25 વર્ષીય રફીકુલ આલમની ધરપકડ કરવામાં આવી છે.
પોલીસના જણાવ્યા મુજબ આરોપી BCA સુધી અભ્યાસ કરેલો છે અને સાયબર ફ્રોડના નેટવર્કમાં મહત્વની ભૂમિકા ભજવતો હતો. આ ગેંગ દ્વારા ગુજરાત સહિત દેશના અલગ-અલગ રાજ્યોમાં લોકોને ડિજિટલ એરેસ્ટ (Digital Arrest Scam), સાયબર ફ્રોડ અને ચાઈલ્ડ પોર્નોગ્રાફી (Child Pornography Scam)ના કેસમાં ફસાવવાની ધમકી આપી નાણાં પડાવવામાં આવતા હતા.
અમદાવાદના સિનિયર સિટીઝન સહિત લોકોને બનાવ્યા નિશાન
તપાસ દરમિયાન અમદાવાદના એક સિનિયર સિટીઝન સહિત ગુજરાત અને અન્ય રાજ્યોના લોકો આ ગેંગની છેતરપિંડીનો ભોગ બન્યા હોવાનું સામે આવ્યું છે. ગુજરાતમાં અમદાવાદ, સુરત અને જામનગર ઉપરાંત અન્ય પાંચ રાજ્યોમાં પણ આ પ્રકારની છેતરપિંડીના કેસોની કડીઓ મળી આવી છે. પોલીસના જણાવ્યા પ્રમાણે આરોપીઓ સરકારી અધિકારીઓનો વેશ ધારણ કરીને લોકોને ફોન અથવા વીડિયો કોલ કરતા હતા. તેઓ પોતાને પોલીસ, CBI, ED અથવા અન્ય સરકારી એજન્સીના અધિકારી તરીકે ઓળખાવતા હતા.
ચાઈલ્ડ પોર્નોગ્રાફી (Child Pornography Scam)ના કેસમાં ફસાવવાની ધમકી
ગેંગની મોડસ ઓપરેન્ડી મુજબ, પીડિતોને ચાઈલ્ડ પોર્નોગ્રાફી (Child Pornography Scam), ગેરકાયદે ઓનલાઈન પ્રવૃત્તિ અથવા અન્ય ગંભીર ગુનામાં સંડોવણી હોવાનો આરોપ લગાવી ડરાવવામાં આવતા હતા. ત્યારબાદ વીડિયો કોલ મારફતે પીડિતોને સતત નજર હેઠળ રાખવામાં આવતા અને પોતાને ‘ડિજિટલ એરેસ્ટ’ કરવામાં આવ્યા હોવાનું માનવા માટે દબાણ કરવામાં આવતું હતું. કેસમાંથી બચવા અથવા કાર્યવાહી અટકાવવાના બહાને નાણાં ટ્રાન્સફર કરવા માટે માનસિક દબાણ ઊભું કરવામાં આવતું હતું.
1,754 બેંક એકાઉન્ટમાં ફ્રોડની રકમનું વિભાજન
તપાસમાં સાયબર ગેંગ દ્વારા છેતરપિંડીથી મેળવેલા નાણાંની હિલચાલ છુપાવવા માટે 1,754 બેંક એકાઉન્ટનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. રકમ એક જ ખાતામાં રાખવાને બદલે અનેક ખાતામાં નાના-મોટા હિસ્સામાં ટ્રાન્સફર કરવામાં આવતી હતી. પોલીસના જણાવ્યા પ્રમાણે કેટલાક કિસ્સામાં નાણાકીય વ્યવહારોની સંપૂર્ણ પ્રક્રિયા માત્ર ત્રણ કલાકની અંદર પૂર્ણ કરવામાં આવતી હતી. આ ઝડપી ટ્રાન્ઝેક્શન પાછળનો હેતુ નાણાંના પ્રવાહને ટ્રેસ કરવાનું તપાસ એજન્સીઓ માટે મુશ્કેલ બનાવવાનો હોવાનું તપાસમાં સામે આવ્યું છે.
ફ્રોડની રકમ ક્રિપ્ટોકરન્સીમાં ફેરવાતી
પોલીસ તપાસમાં વધુ એક મહત્વની કડી સામે આવી છે. ગેંગ દ્વારા છેતરપિંડીથી મેળવવામાં આવેલા નાણાંને વિવિધ બેંક ખાતાઓ મારફતે મેળવ્યા બાદ ક્રિપ્ટોકરન્સીમાં રૂપાંતરિત કરવામાં આવતા હતા. ત્યારબાદ ક્રિપ્ટો નાણાં વિદેશી નેટવર્ક સુધી પહોંચાડવામાં આવતા હોવાની દિશામાં તપાસ ચાલી રહી છે.આરોપી રફીકુલ આલમના મોબાઈલ ફોનની તપાસ દરમિયાન 23 ક્રિપ્ટો વોલેટ મળી આવ્યા હોવાનું પોલીસનું કહેવું છે. આ વોલેટ સાથે જોડાયેલા વ્યવહારોની તપાસમાં આશરે ₹16 કરોડના ક્રિપ્ટો ટ્રાન્ઝેક્શન સામે આવ્યા છે.
Child Pornography Scam: ચાઈનીઝ સાયબર ક્રિમિનલ્સ સાથે સંપર્કની કડી
આ કેસની તપાસમાં આરોપીના ચાઈનીઝ સાયબર ક્રિમિનલ્સ સાથે સીધા સંપર્કની કડી પણ સામે આવી છે. પોલીસના જણાવ્યા પ્રમાણે ફ્રોડમાંથી મેળવેલી રકમને ક્રિપ્ટોમાં કન્વર્ટ કરીને ચીન સાથે જોડાયેલા નેટવર્ક સુધી પહોંચાડવામાં આવતી હોવાની દિશામાં તપાસ કરવામાં આવી રહી છે. આરોપીના મોબાઈલ ફોન, બેંક એકાઉન્ટ, ક્રિપ્ટો વોલેટ અને અન્ય ડિજિટલ પુરાવાઓ તપાસ હેઠળ લેવામાં આવ્યા છે. આ નેટવર્કમાં હજુ અન્ય લોકોની સંડોવણી બહાર આવે તેવી શક્યતા પણ પોલીસ તપાસી રહી છે.
Child Pornography Scam: 1,090 સાયબર ગુનાઓની કડી ઉકેલાઈ
ગુજરાત સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સના SP વિવેક ભેડાના જણાવ્યા મુજબ, સમગ્ર તપાસ દરમિયાન કુલ 1,090 સાયબર ગુનાઓની કડીઓ ઉકેલવામાં આવી છે. આ કાર્યવાહીથી માત્ર એક આરોપીની ધરપકડ નહીં પરંતુ દેશના વિવિધ વિસ્તારોમાં સક્રિય સાયબર ફ્રોડ નેટવર્કની કામગીરી અંગે પણ મહત્વની માહિતી મળી છે. પોલીસ હવે આ નેટવર્ક સાથે સંકળાયેલા અન્ય લોકો અને નાણાકીય વ્યવહારોની તપાસ કરી રહી છે.
Child Pornography Scam: સાયબર ફ્રોડથી બચવા પોલીસની અપીલ
સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સે લોકોને સાવચેત રહેવા અપીલ કરી છે. જો કોઈ વ્યક્તિ પોલીસ, CBI, ED, કોર્ટ અથવા અન્ય સરકારી એજન્સીના અધિકારી તરીકે વીડિયો કોલ કરીને ગંભીર ગુનામાં ફસાવવાની ધમકી આપે અને પૈસાની માગણી કરે તો ગભરાવું નહીં. પોલીસે સ્પષ્ટપણે સલાહ આપી છે કે કોઈ અજાણી વ્યક્તિને OTP, બેંકિંગ વિગતો, આધાર સંબંધિત માહિતી કે નાણાં આપશો નહીં. આવી ઘટના બને તો શક્ય તેટલી વહેલી તકે નજીકના પોલીસ સ્ટેશન અથવા સાયબર ક્રાઈમ હેલ્પલાઈન 1930 પર જાણ કરવી જોઈએ.
આ પણ વાંચો:પોર્નોગ્રાફી માર્કેટઃ ભારત ટૂંક સમયમાં પ્રથમ ક્રમે બિરાજશે
આ પણ વાંચો:ચાઈલ્ડ પોર્નોગ્રાફી ડાઉનલોડ કરવી અને જોવી POCSO હેઠળ ગુનો નથી
