પોર્નોગ્રાફીનું (Pornography) નામ સાંભળતા ભારતીયો ભલે મો મચકોડે, પરંતુ પોર્ન જોવામાં ભારતીયો વિશ્વમાં ત્રીજા ક્રમે છે, પણ નિષ્ણાતનું કહેવું છે કે 5જીનો વ્યાપ વધવાની સાથે ભારત ટૂંક સમયમાં આ માર્કેટમાં પહેલા ક્રમે પહોંચી જશે. આ બતાવે છે કે ભારતમાં પોર્નોગ્રાફી કેટલું મોટું બજાર છે. ભારતમાં પાછો પોર્નોગ્રાફીનો કાયદો પણ વિચિત્ર ખાસિયતવાળો છે. તમે પોર્ન જુઓ તે ગેરકાયદેસર નથી, પણ પોર્નોગ્રાફી બનાવવા પર કાયદાકીય પ્રતિબંધ છે. ભારતમાં હજી પણ ઇરોટિક ફિલ્મ અને પોર્નોગ્રાફી ફિલ્મ વચ્ચેની ભેદરેખા બહુ પાતળી છે. તેથી ઘણા લોકો ઇરોટિક ફિલ્મના નામે પણ પોર્નોગ્રાફીનું વેચાણ કરે છે. ભારતમાં પોર્નફિલ્મ બનાવવા, વેચવા, શેર કરવા અને તેના પ્રદર્શન પર પ્રતિબંધ છે, પરંતુ તેને જોવા, વાંચવા કે સાંભળવા પર પ્રતિબંધ નથી.

ભારતમાં વધતાં જતાં બળાત્કાર આ પોર્નોગ્રાફીનું જ પરિણામ મનાય છે. ખાસ કરીને ભારતના નાના શહેરોમાં પોર્ન જોનારાઓની સંખ્યા સૌથી વધારે છે તો મોટા શહેરો પણ પાછળ નથી. કેન્દ્ર સરકાર વારંવાર પોર્નોગ્રાફિક સાઇટ્સ પર પ્રતિબંધ મૂકે છે, પરંતુ આ સાઇટ્સ ચલાવનારાઓ એટલા ધૂર્ત છે કે તેઓ પોતાના માર્કેટને સારી રીતે જાણે છે અને તેથી તે પ્રતિબંધ પછી નવા ડોમેઇન બનાવીને ભારતીય બજારમાં ઘૂસી જાય છે.

ભારતમાં 5જીનો વ્યાપ વધવાની સાથે પોર્નોગ્રાફીનું બજાર દિવસે ન વધે તેટલું રાતે વધવાનું છે તેમ માનવામાં આવે છે. હવે તો વિવિધ પ્રકારની એપ્સ દ્વારા, વોટ્સએપ કે ટેલિગ્રામ ચેનલ દ્વારા કન્ટેન્ટ પૂરુ પાડવામાં આવે છે. આ સિવાય વીપીએનથી બચવા ભારતીય સર્વરની જગ્યાએ વિદેશી સર્વર પરથી પોર્ન વેબસાઇટ્સ આરામથી જોઈ શકાય છે.

ભારતમાં પોર્નોગ્રાફી સામેની કાયદાકીય જોગવાઈ જોઈએ તો એન્ટી પોર્નોગ્રાફી કાયદા હેઠળ પોર્નોગ્રાફીના કેસોમાં આઇટી એક્ટ અને આઇપીસી હેઠળ દંડની જોગવાઈ છે. ગુનાની ગંભીરતા મુજબ પ્રથમ ગુના માટે પાંચ વર્ષની સજા કે દસ લાખ રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે. જ્યારે ફરીથી આ ગુનામાં પકડાવ તો સાત વર્ષની જેલ અને દસ લાખ રૂપિયાના દંડની જોગવાઈ છે. ભારતમાં ચાઇલ્ડ પોર્નોગ્રાફી ગેરકાયદેસરની છે. તેથી ચાઇલ્ડ પોર્નોગ્રાફીમાં સંડોવાયેલા પર પોક્સો કાયદા હેઠળ કાર્યવાહી થાય છે.
બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીનો પતિ રાજ કુંદ્રાએ પોર્નોગ્રાફીના કેસમાં જ જેલના સળિયા ગણવા પડ્યા હતા, પણ તે દાવો કરે છે કે તેણે કશું ખોટું કર્યું નથી. તે પોર્નોગ્રાફિક નહીં પણ ઇરોટિક ફિલ્મ બનાવે છે.

ભારતમાં પહેલા આવા પુસ્તકો ચોરીછૂપીથી વેચાતા હતા અને લોકો પણ ચોરીછૂપીથી જોતાં હતા, તેમા મસ્તરામ સહિતના અનેક પુસ્તકોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત સીત્તેર અને એંસીના દાયકામાં આવતી હોરર ફિલ્મો કે ડાકુઓની ફિલ્મમાં પણ સોફ્ટ પોર્નના સીન ઘૂસાડી દેવામાં આવતા હતા. તેથી તેને જોનારો ખાસ વર્ગ આ ફિલ્મો જોવા જતો હતો, આવી ઘણી ફિલ્મો તેના આધારે સફળ થઈ જતી હતી.

આજે સ્માર્ટફોન અને લેપટોપના વધતા વ્યાપની સાથે પોર્નોગ્રાફીને પણ વ્યાપક પાયા પર ઉત્તેજન મળી રહ્યું છે. એક રિસર્ચ મુજબ સ્માર્ટફોન અને લેપટોપ અને ડેસ્ક ટોપમાં જો સૌથી વધારે જોવાતું કન્ટેન્ટ હોય તો તે પોર્નોગ્રાફી જ છે. પછી તો અહીં મલાઈ ન દેખાય તો જ આશ્ચર્ય કહેવાય. એક સમય હતો જ્યારે એડલ્ટ મૂવી જોવા માટે ડરતા-ડરતાં થિયેટરમાં જવું પડતું હતું, પણ ડેસ્કટોપ, લેપટોપ અને સ્માર્ટફોનના લીધે હવે આ કન્ટેન્ટ હાથવગું થઈ ગયું છે. બસ ફક્ત એક ક્લિકની જ જરૂર છે. તેમાં 4જી પછી 5જીનો વ્યાપ વધવાની સાથે આ માર્કેટ નવી ઊંચાઈઓને આંબશે તેમ માનવામાં આવે છે. લોકો પોર્નોગ્રાફી જોવા માટે ઓફિસના કમ્પ્યુટરનો ઉપયોગ વધારે પ્રમાણમાં કરે છે.

એક રિસર્ચ મુજબ સમગ્ર વિશ્વમાં અઢી કરોડ પોર્નસાઇટ છે. આ સાઇટ વિશ્વની કુલ વેબસાઇટ્સમાં 12 ટકા જેટલો હિસ્સો ધરાવે છે. આમ દર 100માંથી 12 વેબસાઇટ પોર્નોગ્રાફીની છે. આ વેબસાઇટ પર લોકો સરેરાશ દસ મિનિટ પસાર કરે છે. જ્યારે ભારતમાં આ સરેરાશ 8 મિનિટની છે, વિશ્વના વેબટ્રાફિકમાં 30 ટકા હિસ્સો તો પોર્નવેબસાઇટ્સનો જ છે. બીજા શબ્દોમાં કહીએ તો વિશ્વના કુલ વેબસાઇટ્સનો ત્રીજા ભાગનો હિસ્સો પોર્નોગ્રાફીની સાઇટ્સનો છે. આ બતાવે છે કે પોર્નોગ્રાફીની કેટલી માંગ છે. બધા જાણે છે કે બોલિવૂડમાં હીરોઇન બન્યા પહેલા સની લિયોની અમેરિકામાં મોટી પોર્ન સ્ટાર હતી.

તેમા પણ 2005માં યુટ્યુબના આગમનના પગલે પોર્નોગ્રાફીના વિશ્વમાં રીતસરની ક્રાંતિ આવી. આના લીધે હજારો યુટ્યુબ સાઇટ્સ ચાલુ થઈ, તેના કારણે લોકોને પોર્નોગ્રાફીનું કન્ટેન્ટ રીતસર મફતમાં મળવા લાગ્યુ. આના લીધે પોર્નોગ્રાફી ઇન્ડસ્ટ્રીને નુકસાન પણ થયું, કારણ કે તેની સબસ્ક્રીપ્શનની આવક બંધ થઈ ગઈ. પાયરસીના લીધે પોર્નોગ્રાફી ઇન્ડસ્ટ્રીને વર્ષે બે અબજ ડોલરથી વધુ રકમનું નુકસાન થાય છે. જો કે તેની સાથે-સાથે યુ-ટ્યુબ સાઇટ્સે કમાવવાનો નવો કીમિયો પણ શીખવાડ્યો અને તે જાહેરાતનો. કોઈપણ સાઇટ્સ જેટલી જોવાય તેટલો તેને ત્યાં જાહેરખબરોનો મારો વધવા માંડે તથા તેને રૂપિયા મળવા લાગે. આમ તમે જેવા પોર્નોગ્રાફીની સાઇટ્સ પર ક્લિક કરો કે જાહેરાતનો મારો શરૂ થઈ જાય અને તેને તમારે થોડી વાર સુધી તો ફરજિયાત જોવી જ પડે. હાલમાં વિશ્વનું પોર્નોગ્રાફીનું બજાર 100 અબજ ડોલર એટલે કે 8.5 લાખ કરોડ રૂપિયાનું માનવામાં આવે છે.

પોર્ન ઇન્ડસ્ટ્રીમાં કામ કરનારા અભિનેતાઓ અને અભિનેત્રીઓનો પણ મોટો વર્ગ છે. તેમને વિડીયો મુજબ નહીં પણ સીન મુજબ કમાણી થાય છે. અહીં અભિનેત્રીની ઉંમર ઓછી તેટલી તેને વધારે કમાણી થાય છે. સામાન્ય રીતે 18થી 28 વર્ષની યુવતીઓ અને યુવકોને પોર્ન ઇન્ડસ્ટ્રી માટે હોટકેક માનવામાં આવે છે. પછી તેઓને મળતી રકમ ઘટતી જાય છે. તેમા પણ 40 વર્ષ વટાવ્યા પછી તો તે માર્કેટની બહાર થઈ જાય છે. આ ઇન્ડસ્ટ્રી એવી છે જેમા અભિનેત્રીને અભિનેતા કરતાં વધુ વળતર મળે છે. એક પોર્ન એકટ્રેસ વર્ષે સરેરાશ એકથી બે લાખ ડોલર કમાય છે, જ્યારે પોર્ન એક્ટર 50 હજારથી 60 હજાર ડોલર કમાય છે. ટોચની પોર્ન એકટ્રેસ હોય તો તે વર્ષે ત્રણથી પાંચ લાખ ડોલર સુધી કમાઈ લે છે, જ્યારે ટોચનો પોર્ન એક્ટર માંડ એકથી દોઢ લાખ ડોલરની કમાણી કરી શકે છે.

પોર્નોગ્રાફી અંગે મનોવૈજ્ઞાનિકનું કહેવું છે કે વિશ્વભરમાં હતાશા વધી રહી છે ત્યારે પોર્નસાઇટ્સ હતાશાનો કે ડીપ્રેશનનો ભોગ બનેલાઓ માટે એક ઉત્તેજનાના અફીણનું કામ કરે છે, પણ ઉત્તેજનાના આ અફીણનો નશો ઘણી વખત લત બની જતો હોય છે. આ લત છોડાવવી અત્યંત કપરી છે. તેમણે સંસ્કૃતનું જાણીતું સૂત્ર કહ્યું હતું કે અતિ સર્વત્ર વર્જયેત્. કોઈપણ વસ્તુ હદ બહાર જાય તે પછી નુકસાન જ કરે છે. પોર્નોગ્રાફી સાઇટ પર ક્લિક કરનારાઓ એટલું ધ્યાન રાખે કે ક્યાંક આ ક્લિક તમારા માટે ભવિષ્યમાં લત ન બની જાય.
આ પણ વાંચો: શિલ્પા શેટ્ટીનું નામ પોર્નોગ્રાફી કેસમાં આવતા રાજ કુંદ્રા ભડક્યો
આ પણ વાંચો: જાણો સુપ્રિમ કોર્ટે HCને શા માટે ઘણું સંભળાવ્યું અને પોર્નોગ્રાફી પરના નિર્ણયને ઉલટાવી દીધો?
આ પણ વાંચો: અમે પણ માણસ છીએ, અમારાથી પણ ભૂલો થાય છે”, ચાઇલ્ડ પોર્નોગ્રાફી કેસમાં આદેશ પાછો ખેંચતી HC
